<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 22nd May 2026

બ્રિટનથી મોહભંગ: મોંઘવારીના ત્રાસથી કંટાળી ૭૨,૦૦૦ ભારતીયોએ વતન વાપસી કરી

યુકેના રાષ્ટ્રીય આંકડા કાર્યાલય (ONS)ના રિપોર્ટથી લંડનમાં ખળભળાટ; ૨૦૨૫માં રેકોર્ડ બ્રેક ૫૧,૦૦૦ વિદ્યાર્થીઓ અને ૨૧,૦૦૦ આઇટી પ્રોફેશનલ્સ બ્રિટન છોડી ભારત પરત ફર્યા: બ્રિટિશ ઇકોનોમીને મોટો ઝટકો

લંડન: બિગ બેન અને થેમ્સ નદીના કિનારે વસવાનું સપનું જોનારા ભારતીયોનો હવે બ્રિટનથી ઝડપથી મોહભંગ થઈ રહ્યો છે. યુકેના રાષ્ટ્રીય આંકડા કાર્યાલય (ONS) દ્વારા જાહેર કરાયેલા તાજેતરના સત્તાવાર આંકડાઓએ બ્રિટિશ સરકારની ઊંઘ હરામ કરી દીધી છે. આ અહેવાલ મુજબ, વર્ષ ૨૦૨૫માં રેકોર્ડ ૫૧,૦૦૦ ભારતીય વિદ્યાર્થીઓ અને ૨૧,૦૦૦ નોકરીયાત લોકો બ્રિટનને 'ગુડબાય' કહીને કાયમ માટે ભારત પરત ફર્યા છે. એક જ વર્ષમાં ૭૨,૦૦૦ થી વધુ કુશળ ભારતીયોના આ સામૂહિક પલાયનને કારણે બ્રિટનનું નેટ માઇગ્રેશન ઘટીને માત્ર ૧,૭૧,૦૦૦ રહી ગયું છે, જે ગયા વર્ષ કરતાં સીધું અડધું છે. ભારતીયો પછી દેશ છોડવામાં ચીની નાગરિકો (૪૬,૦૦૦) બીજા ક્રમે રહ્યા છે, જે દર્શાવે છે કે બ્રિટન હવે વિદેશી પ્રતિભાઓ માટે આકર્ષક રહ્યું નથી.

આ ઐતિહાસિક હિજરત પાછળ પશ્ચિમી મીડિયામાં 'લંડનસ્તાન' તરીકે ઓળખાતો બદલાતો સામાજિક ચહેરો મુખ્ય જવાબદાર માનવામાં આવે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં લંડન અને બર્મિંગહામ જેવા મોટા શહેરોમાં કટ્ટરપંથી અને ચોક્કસ સમુદાયની વસ્તીમાં અસાધારણ વધારો થયો છે. શેરીઓમાં હિંસક વિરોધ પ્રદર્શનો, ધાર્મિક સૂત્રોચ્ચાર અને ગેંગવોરના કારણે ત્યાં વસતા શાંતિપ્રિય અને સુશિક્ષિત ભારતીય પરિવારોમાં અસુરક્ષાની ભાવના વ્યાપી ગઈ છે. ખાસ કરીને તાજેતરમાં હિન્દુઓ અને ભારતીય મૂળના લોકોને નિશાન બનાવવાની બનેલી ઘટનાઓ બાદ, દીકરીઓ અને બાળકોના ભવિષ્યને સુરક્ષિત રાખવા માટે ભારતીય પરિવારો બ્રિટનમાં રહેવાને બદલે ઝડપથી વિકસતા અને સુરક્ષિત ભારત તરફ પાછા ફરવાનું વધુ પસંદ કરી રહ્યા છે.

સામાજિક અસુરક્ષા ઉપરાંત બ્રિટનની કંગાળ આર્થિક સ્થિતિ અને કડક ઇમિગ્રેશન નિયમોએ આ રિવર્સ માઇગ્રેશનમાં બળતામાં ઘી હોમવાનું કામ કર્યું છે. પશ્ચિમ એશિયાના તણાવથી તેલ અને ગેસના ભાવ આકાશે આંબતા બ્રિટનમાં સામાન્ય ઘરનું ભાડું અને કરિયાણાનો ખર્ચ ચલાવવો અશક્ય બન્યો છે. લાખો રૂપિયાની એજ્યુકેશન લોન લઈને ગયેલા ભારતીય વિદ્યાર્થીઓ પાર્ટ-ટાઇમ નોકરીઓથી પણ ગુજારો કરી શકતા નથી, જ્યારે ઋષિ સુનક બાદ આવેલી સરકારે આશ્રિતોને લાવવા અને વિઝા રિન્યુ કરવા પર કડક પ્રતિબંધો લાદી દીધા છે. બીજી તરફ, ભારત આજે વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા હોવાથી, આઇટી અને કોર્પોરેટ સેક્ટરના પ્રોફેશનલ્સ માટે ભારતમાં જ વૈશ્વિક કક્ષાની તકો અને ઉત્તમ જીવનધોરણ ઉપલબ્ધ બન્યું છે.

(8:45 PM IST)