<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th June 2026

કેબિનેટમાં ફેરબદલની ચર્ચાઓઃ મોદી રાષ્ટ્રપતિને મળ્‍યા

દિલ્‍હીના રાજકીય ગલિયારામાં હાલમાં કેબિનેટમાં બદલાવની સંભાવનાને લઈ ચર્ચાઓ થઈ રહી છે

નવી દિલ્‍હી તા.૨૪: પ્રધાનમંત્રી મોદીએ મંગળવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત એવા સમયે થઈ રહી છે, જ્‍યારે કેબિનેટમાં ફેરબદલની ચર્ચા થઈ રહી છે. રાષ્ટ્રપતિ કાર્યાલય તરફથી આ મુલાકાતની તસવીરો એક્‍સ પર શેર કરવામાં આવી છે. પોસ્‍ટમાં લખ્‍યું છે કે પ્રધાનમંત્રી મોદીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ સાથે રાષ્ટ્રપતિ ભવનમાં મુલાકાત કરી.

આ મુલાકાત પદ્મ પુરસ્‍કાર આપવા માટે સિવિલ ઇન્‍વેસ્‍ટિચર સમારંભની તરત બાદ થઈ. જેનાથી તે વધારે મહત્ત્વની માનવામાં આવે છે. કેમ કે દિલ્‍હીના રાજકીય ગલિયારામાં હાલમાં કેબિનેટમાં બદલાવની સંભાવનાને લઈ ચર્ચાઓ થઈ રહી છે. આ અગાઉ કેરળના વરિષ્ઠ ભાજપના નેતા જોર્જ કુરિયને રાજ્‍યસભાનો કાર્યકાળ ખતમ થયા બાદ કેન્‍દ્રીય મંત્રી પરિષદમાંથી રાજીનામું આપી દીધું છે. કુરિયન અલ્‍પસંખ્‍યક મામલાના રાજ્‍ય મંત્રી અને મત્‍સ્‍ય, પશુપાલન અને ડેરીના પણ રાજ્‍ય મંત્રી હતા. રાષ્ટ્રપતિ મુર્મૂએ કુરિયનનું રાજીનામું સ્‍વીકારી લીધું છે. આ જાણકારી રાષ્ટ્રપતિ ભવન તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવાઈ છે.

ભાજપે હાલમાં જ થયેલી રાજ્‍યસભા ચૂંટણીમાં કુરિયનને ફરીથી ઉમેદવાર નથી બનાવ્‍યા. તેમનો કાર્યકાળ ૨૧ જૂનના રોજ ખતમ થઈ ગયો હતો. રેલ રાજ્‍ય મંત્રી રવનીત સિહ બિટ્ટુ, જેમનો કાર્યકાળ પણ ૨૧ જૂનના રોજ ખતમ થયો. જો કે તેમને પણ ફરી વાર રાજ્‍યસભામાં જવાનો મોકો નથી મળ્‍યો. રવનીત સિહ ઓગસ્‍ટ ૨૦૨૪થી રાજસ્‍થાનથી રાજ્‍યસભા સભ્‍ય હતા અને ફૂડ પ્રોસેસિગ મંત્રાલયમાં પણ રાજ્‍ય મંત્રી છે. હાલમાં જ અમુક કેન્‍દ્રીય મંત્રીઓએ તેમના ગૃહ રાજ્‍યમાં સંગઠનની મહત્ત્વની જવાબદારી નિભાવી છે. આ નિયુક્‍તિઓ બાદ કેબિનેટમાં જલદી ફેરફારની અટકળો તેજ થઈ ગઈ છે.

ભાજપના રાષ્ટ્રીય અધ્‍યક્ષ નિતિન નવીને ૨૮ મેના રોજ રોડ પરિવહન અને રાજમાર્ગ રાજ્‍યમંત્રી હર્ષ મલ્‍હોત્રાને દિલ્‍હી ભાજપના અધ્‍યક્ષ નિયુક્‍ત કર્યા હતા. મલ્‍હોત્રા કોર્પોરેટ મામલાના પણ રાજ્‍ય મંત્રી છે અને બંને વિભાગોની જવાબદારી સંભાળી રહ્યા છે. નાણા રાજ્‍ય મંત્રી પંકજ ચૌધરી ગત વર્ષે ડિસેમ્‍બરમાં ભાજપના ઉત્તર પ્રદેશ એકમના નવા અધ્‍યક્ષ બન્‍યા છે

(9:50 AM IST)