તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 17th September 2026
'ભારતમાં મુસ્લિમ IAS અને IPS અધિકારીઓ સાથે થાય છે ભેદભાવ!': તૃણમૂલ સાંસદ મહુઆ મોઇત્રાએ સીધા સંયુક્ત રાષ્ટ્ર (UN)ના દરવાજા ખટખટાવ્યા
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના બંગાળ પ્રવાસ દરમિયાન વરિષ્ઠ મુસ્લિમ અધિકારીઓને સત્તાવાર કાર્યક્રમોમાંથી બાકાત રાખ્યાનો આક્ષેપ: યુએનના ખાસ સંવાદદાતા પ્રો. નિકોલસ લેવરાટને પત્ર લખી ત્વરિત હસ્તક્ષેપ કરવા કરી માંગ

નવી દિલ્હી : તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના ફાયરબ્રાન્ડ સાંસદ મહુઆ મોઇત્રાએ એક નવો વિવાદ છેડીને દેશના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. મહુઆ મોઇત્રાએ ભારત સરકાર પર અત્યંત ગંભીર આરોપ લગાવતા દાવો કર્યો છે કે, કેન્દ્ર સરકાર દ્વારા ધર્મના આધારે લઘુમતી IAS અને IPS અધિકારીઓ સાથે ખુલ્લેઆમ ભેદભાવ કરવામાં આવી રહ્યો છે. આટલું જ નહીં, ટીએમસી સાંસદે આ વિવાદિત મુદ્દાને આંતરરાષ્ટ્રીય મંચ પર લઈ જઈને સંયુક્ત રાષ્ટ્ર (UN) ના લઘુમતી બાબતોના ખાસ સંવાદદાતા (સ્વતંત્ર નિષ્ણાત) પ્રોફેસર નિકોલસ લેવરાટને સત્તાવાર પત્ર મોકલી કડક કાર્યવાહીની માંગ કરી છે.
મહુઆ મોઇત્રાએ પોતાના પત્રમાં આક્ષેપ કર્યો છે કે, તાજેતરમાં જુલાઈ અને ઓગસ્ટ મહિના દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના પશ્ચિમ બંગાળ પ્રવાસ વખતે ત્રણ વરિષ્ઠ મુસ્લિમ અધિકારીઓને ઇરાદાપૂર્વક સત્તાવાર કાર્યક્રમોમાંથી દૂર રાખવામાં આવ્યા હતા અથવા તો સ્થળ છોડી દેવા માટે કહેવામાં આવ્યું હતું. તેમણે સિલિગુડીના પોલીસ કમિશનર વકાર રઝા, પશ્ચિમ બંગાળ STF ના વડા જાવેદ શમીમ અને વરિષ્ઠ IAS અધિકારી ખલીલ અહેમદના નામનો ઉલ્લેખ કરતા લખ્યું કે, અન્ય ધર્મના અધિકારીઓને તમામ કાર્યક્રમોમાં હાજર રહેવાની મંજૂરી આપવામાં આવી હતી, જ્યારે માત્ર આ ત્રણ અધિકારીઓને તેમના ધર્મના કારણે જ અલગ પાડીને ગેરબંધારણીય રીતે બાકાત રખાયા હતા.
ટીએમસી નેતાએ વધુમાં જણાવ્યું હતું કે આવા કૃત્યોથી દેશની સુરક્ષા અને લઘુમતી સમુદાયના વિશ્વાસ પર વિપરીત અસર પડે છે. તેમણે આ બાબતે UN ની ટીમને ભારત સરકાર પાસે સ્પષ્ટતા માંગવા તેમજ ગૃહમંત્રીના પ્રવાસના તમામ CCTV ફૂટેજ અને ટ્રાવેલ ડાયરીઓ સુરક્ષિત રાખવા વિનંતી કરી છે. માનવ અધિકારોના આંતરરાષ્ટ્રીય કરારોનો હવાલો આપતા મહુઆ મોઇત્રાએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર આ પત્ર સાર્વજનિક પણ કર્યો છે. નોંધનીય છે કે આ મુદ્દે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવા બદલ મોઇત્રા સામે અગાઉ ડાયમંડ હાર્બર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાઈ ચૂકી છે.
(7:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
