<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 10th May 2026

સેમસંગમાં ભભૂકતો અસંતોષ : ચિપ ફેક્ટરીના કર્મચારીઓએ ૩.૪૦ લાખ ડોલરનું જંગી બોનસ ઠુકરાવ્યું : એઆઈના નફામાં હિસ્સો મેળવવા ૧૮ દિવસની હડતાળનું એલાન

એર હાઈનિક્સના કર્મચારીઓને મળતા ૯ લાખ ડોલરના બોનસ જેવી વાર્ષિક ચુકવણીની માંગ સાથે ૩૦,૦૦૦થી વધુ કામદારો મેદાને : હડતાળથી સેમસંગને ૧૧.૭ અબજ ડોલરના નુકસાનની ભીતિ

સીઓલ: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના યુગમાં સેમસંગ ઇલેક્ટ્રોનિક્સ અને તેના કર્મચારીઓ વચ્ચે નફાની વહેંચણી મુદ્દે ગજગ્રાહ તેજ બન્યો છે. સેમસંગના સેમિકન્ડક્ટર વિભાગના કર્મચારીઓએ કંપની દ્વારા ઓફર કરવામાં આવેલા ૩,૪૦,૦૦૦ ડોલર (આશરે ૨.૮૦ કરોડ રૂપિયા) ના 'વન-ટાઈમ' બોનસને ફગાવી દીધું છે. કર્મચારીઓની માંગ છે કે તેમને હરીફ કંપની એસકે હાઈનિક્સ (SK Hynix) ની જેમ વાર્ષિક ધોરણે જંગી બોનસ અને નફામાં હિસ્સો આપવામાં આવે. આ વિવાદના ઉકેલ માટે થયેલી મંત્રણાઓ નિષ્ફળ જતાં હવે કર્મચારીઓએ આગામી ૨૧ મે થી ૭ જૂન સુધી ૧૮ દિવસની લાંબી હડતાળ પર જવાની ચીમકી આપી છે.
૩.૪૦ લાખ ડોલરની ઓફર કેમ ઠુકરાવી?
નેશનલ સેમસંગ ઇલેક્ટ્રોનિક્સ યુનિયન અને મેનેજમેન્ટ વચ્ચે ચાલી રહેલી વાટાઘાટોમાં કંપની ઓપરેટિંગ પ્રોફિટના ૧૩% એટલે કે અંદાજે ૩,૪૦,૦૦૦ ડોલર પ્રતિ કર્મચારીને બોનસ તરીકે આપવા તૈયાર થઈ હતી. જોકે, મેનેજમેન્ટ આ રકમ માત્ર એક જ વખત આપવા માંગે છે, જ્યારે યુનિયનની જીદ છે કે આ ચુકવણી વાર્ષિક ધોરણે કરારમાં સામેલ કરવામાં આવે. કર્મચારીઓનું કહેવું છે કે એઆઈ ટેકનોલોજીના કારણે કંપની જે જંગી નફો કરી રહી છે તેમાં તેમનો કાયમી હિસ્સો હોવો જોઈએ.
એસકે હાઈનિક્સ સાથે તુલના
આ વિવાદનું મુખ્ય કારણ હરીફ કંપની એસકે હાઈનિક્સ દ્વારા આપવામાં આવતું બોનસ છે. એસકે હાઈનિક્સના કર્મચારીઓને આ વર્ષે ૪,૭૭,૦૦૦ ડોલર અને આવતા વર્ષે ૯,૦૦,૦૦૦ ડોલર સુધીનું બોનસ મળવાની ખાતરી અપાઈ છે, જે આગામી ૧૦ વર્ષ સુધી ચાલુ રહેશે. સેમસંગના કર્મચારીઓનો તર્ક છે કે તેમની કંપની કદમાં ઘણી મોટી હોવા છતાં તેમને મળતું બોનસ હરીફ કંપની કરતા ૩૦% થી પણ ઓછું છે.
હડતાળથી અબજો ડોલરનું નુકસાન શક્ય
જો ૧૮ દિવસની આ હડતાળ અમલમાં આવશે તો સેમસંગના ચિપ ઉત્પાદનને મોટો ફટકો પડશે. નિષ્ણાતોના મતે, આ હડતાળથી કંપનીને સીધું ૬.૯ અબજ ડોલરથી ૧૧.૭ અબજ ડોલર (આશરે ૯૭,૦૦૦ કરોડ રૂપિયા) સુધીનું નુકસાન થઈ શકે છે. આ ઉપરાંત, બજારમાં એચબીએમ૪ (HBM4) ચિપ્સના સપ્લાયર તરીકે સેમસંગની પ્રતિષ્ઠાને પણ લાંબાગાળાનું નુકસાન થવાની સંભાવના છે.
આંતરિક વિખવાદની સ્થિતિ
સેમસંગ માટે આ માંગ સ્વીકારવી મુશ્કેલ બની રહી છે કારણ કે સેમિકન્ડક્ટર વિભાગમાં મોટો નફો હોવા છતાં સ્માર્ટફોન, ટીવી અને હોમ એપ્લાયન્સીસ જેવા અન્ય વિભાગો ખર્ચ વધવાને કારણે સંઘર્ષ કરી રહ્યા છે. જો માત્ર ચિપ વિભાગના કર્મચારીઓને આટલું મોટું બોનસ આપવામાં આવે, તો અન્ય વિભાગના કર્મચારીઓમાં પણ રોષ ફાટી નીકળે તેવી શક્યતા છે. આ કારણોસર સ્માર્ટફોન અને ટીવી લાઇનના નાના યુનિયનોએ આ હડતાળમાંથી પીછેહઠ કરી છે.

 

(4:47 PM IST)