<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 20th June 2026

સીધા વેરાની આવક ૧૫% વધીને ૫.૨૧ લાખ કરોડને પાર

ચાલુ નાણાકીય વર્ષમાં અત્‍યારસુધી એડવાન્‍સ ટેક્‍સની આવકમાં પણ વધારો

 

નવી દિલ્‍હી,તા.૨૦: ચાલુ નાણાકીય વર્ષમાં ૧૭ જૂન સુધીમાં ચોખ્‍ખા સીધા વેરાની આવક ૧૪.૬૪ ટકા વધીને રૂ. ૫.૨૧ લાખ કરોડથી વધુ થઈ ગઈ છે. કોર્પોરેટ્‍સ (કંપનીઓ) તરફથી એડવાન્‍સ ટેક્‍સની વધુ ચૂકવણીને કારણે આ વૃદ્ધિ જોવા મળી છે. નેટ કોર્પોરેટ ટેક્‍સની આવક ૨૨ ટકા વધીને રૂ. ૨.૦૮ લાખ કરોડ થઈ છે. નેટ નોન-કોર્પોરેટ ટેક્‍સ, વ્‍યક્‍તિઓ, હિન્‍દુ અવિભક્‍ત પરિવારો (HUF) અને પેઢીઓ દ્વારા ચૂકવવામાં આવતા ટેક્‍સ સહિતની વસૂલાત ૧૭ જૂન સુધીમાં ૮ ટકા વધીને આશરે રૂ. ૨.૯૪ લાખ કરોડ થઈ છે. સિક્‍યોરિટીઝ ટ્રાન્‍ઝેક્‍શન ટેક્‍સની આવક ૪૫ ટકા વધીને રૂ. ૧૮,૮૫૬ કરોડ થઈ છે.

એડવાન્‍સ ટેક્‍સ  વસૂલાત ૧૫.૩૦ ટકા વધીને રૂ. ૧.૭૮ લાખ કરોડથી વધુ થઈ છે. જેમાં કોર્પોરેટ્‍સ તરફથી મળેલો એડવાન્‍સ ટેક્‍સ ૧૬ ટકાની વૃદ્ધિ સાથે રૂ. ૧.૪૦ લાખ કરોડથી વધુ રહ્યો છે. નોન-કોર્પોરેટ ટેક્‍સ ૧૩ ટકાના વધારા સાથે રૂ. ૩૭,૬૨૦ કરોડ રહ્યો છે. રિફંડની વાત કરીએ તો, ૧૭ જૂન સુધીમાં રૂ. ૮૯.૦૨૬ કરોડના રિફંડ જાહેર કરવામાં આવ્‍યા છે, જે ગયા વર્ષના સમાન ગાળાની સરખામણીએ ૧.૧૯ ટકાનો વધારો દર્શાવે છે. ગ્રોસ (કુલ) ધોરણે જોઇએ તો પ્રત્‍યક્ષ કરની વસૂલાત ૧૨.૪ ટકા વધીને રૂ.૬.૧૦ લાખ કરોડથી વધુ થઈ છે. જેમાં રૂ. ૨.૭૬ લાખ કરોડથી વધુનો કોર્પોરેટ ટેક્‍સ અને આશરે રૂ. ૩.૧૫ લાખ કરોડના NCTનો સમાવેશ થાય છે.  સરકારે ચાલુ નાણાકીય વર્ષમાં પ્રત્‍યક્ષ કરમાંથી રૂ. ૨૬.૯૭ લાખ કરોડ એકત્રિત કરવાનું બજેટ લક્ષ્યાંક રાખ્‍યું છે, જે નાણાકીય વર્ષ ૨૦૨૬ માં એકત્રિત કરાયેલા રૂ. ૨૩.૪૦ લાખ કરોડ કરતાં ૧૫ ટકા વધુ છે.

(10:16 AM IST)