<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th November 2026

ડાયરેક્‍ટ ટેક્‍સ કલેક્‍શન ૧૧.૭ ટકા વધીને ૧૪.૪૨ લાખ કરોડ રૂપિયા થયું

ભારતના અર્થતંત્ર માટે રાહતના સમાચારઃ દેશની તિજોરી છલકાઈ : ગત નાણાકીય વર્ષના આ જ સમયગાળામાં આ આંકડો ૧૨.૯૦ લાખ કરોડ રૂપિયા હતો

નવી દિલ્‍હી,તા.૧૩: ભારતના અર્થતંત્ર માટે રાહતના સમાચાર છે. ઇન્‍કમ ટેક્‍સ વિભાગ દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ ચાલુ નાણાકીય વર્ષમાં ૧ એપ્રિલથી ૧૦ નવેમ્‍બર સુધીમાં ભારતનું નેટ ડાયરેક્‍ટ ટેક્‍સ કલેક્‍શન ૧૧.૭૬ ટકા વધીને ૧૪.૪૨ લાખ કરોડ રૂપિયા થઈ ગયું હતું. ગત નાણાકીય વર્ષના આ જ સમયગાળામાં આ આંકડો ૧૨.૯૦ લાખ કરોડ રૂપિયા હતો.

રીફંડ આપ્‍યા પહેલાંની ગણતરી (ગ્રોસ કલેક્‍શન) કરીએ તો કુલ ગ્રોસ ડાયરેક્‍ટ ટેક્‍સ કલેક્‍શન ૧૪.૦૨ ટકાના વધારા સાથે ૧૭.૫૦ લાખ કરોડ રૂપિયા નોંધાયું હતું. રીફંડ બાદ નેટ કોર્પોરેટ ટેક્‍સ કલેક્‍શન પણ ૧૭.૮૪ ટકા વધીને ૬.૩૨ લાખ કરોડ રૂપિયાએ પહોંચી ગયું હતું. વ્‍યક્‍તિગત કરદાતાઓ, હિન્‍દુ અવિભક્‍ત કુટુંબ અને પેઢીઓ દ્વારા ચૂકવવામાં આવતો નોન-કોર્પોરેટ ટેક્‍સ પણ ૫.૩૦ ટકા વધીને ૭.૫૬ લાખ કરોડ રૂપિયા થયો હતો.

શેરબજારની તેજીનો સીધો ફાયદો સરકારને પણ થયો છે. સિક્‍યોરિટીઝ ટ્રાન્‍ઝેક્‍શન ટેક્‍સ (STT) દ્વારા થતી આવકમાં નોંધપાત્ર ૫૧.૫૬ ટકાનો ઉછાળો આવ્‍યો હતો અને એ ૩૫,૬૮૧ કરોડથી વધીને ૫૪,૦૭૭ કરોડ રૂપિયા થઈ હતી. કરદાતાઓને અપાયેલા રીફંડમાં પણ ૨૬ ટકાનો વધારો થયો છે. ૧૦ નવેમ્‍બર ૨૦૨૬ સુધીમાં કુલ ૩.૦૮ લાખ કરોડ રૂપિયાનું રીફંડ આપવામાં આવ્‍યું હતું. નોંધનીય છે કે સરકારે ચાલુ નાણાકીય વર્ષમાં કુલ ૨૬.૯૭ લાખ કરોડ રૂપિયા ડાયરેક્‍ટ ટેક્‍સ એકત્ર કરવાનો લક્ષ્યાંક રાખ્‍યો હતો, જેમાંથી ૧૦ નવેમ્‍બર સુધીમાં જ ૫૩ ટકા (૧૪.૪૨ લાખ કરોડ રૂપિયા) વસૂલાત થઈ ચૂકી છે.

(10:18 AM IST)