News of Saturday, 3rd October 2026
ડાઇનઆઉટ એપ પર દર્શાવેલા દર કરતાં ગ્રાહક પાસેથી ૪૭ ટકા સુધી વસૂલાયો વધુ ભાવ: ઓનલાઇન ફૂડ પ્લેટફોર્મ સ્વિગી અને રેસ્ટોરન્ટ માલિકને રૂ. ૧ લાખનો આકરો દંડ, વ્યાજ સાથે વધારાના નાણાં પરત ચૂકવવા ગ્રાહક સુરક્ષા કમિશનનો ચાબુક
દિલ્હીની ગ્રાહક અદાલતે એપ પર બુફેના દર ઓછા દર્શાવીને હોટેલ પર પહોંચ્યા બાદ વધુ બિલ વસૂલવાની નીતિને અયોગ્ય વેપાર રીતરસમ ગણાવી; મધ્યસ્થ પ્લેટફોર્મ તરીકે સ્વિગી પોતાની જવાબદારીમાંથી છટકી શકે નહીં તેવો સ્પષ્ટ ચુકાદો આપી ચાર અઠવાડિયામાં ચૂકવણી કરવા આપ્યો આદેશ

નવી દિલ્હી:ઓનલાઇન ફૂડ ડિલિવરી અને બુકિંગ પ્લેટફોર્મ સ્વિગી (ડાઇનઆઉટ) અને એક જાણીતી રેસ્ટોરન્ટને ગ્રાહકને ખોટી રીતે ગુમરાહ કરવા બદલ દિલ્હીના ડિસ્ટ્રિક્ટ કન્ઝ્યુમર ડિસ્પ્યુટ્સ રેડ્રેસલ કમિશન (DCDRC) દ્વારા આકરો ફટકારો લગાવવામાં આવ્યો છે. ગ્રાહક અદાલતે સ્વિગી અને રેસ્ટોરન્ટ 'ધેમિસ બાર્બેક હાઉસ' બંનેને સંયુક્ત રીતે ૧ લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો સ્પષ્ટ હુકમ કર્યો છે. આ સિવાય ગ્રાહક પાસેથી ગેરકાયદેસર રીતે વસૂલવામાં આવેલા વધારાના રૂ. ૩,૯૮૮ અને સર્વિસ ચાર્જના રૂ. ૨૫૪ વાર્ષિક ૯ ટકાના વ્યાજ સાથે પરત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
મળતી વિગતો અનુસાર, ફરિયાદી ગ્રાહકે સ્વિગી ડાઇનઆઉટ પ્લેટફોર્મ પરથી ૧૪ લોકો માટે બુકિંગ કરાવ્યું હતું. સ્વિગી એપ પર તે સમયે "બે વ્યક્તિ માટેનો ખર્ચ" (Cost for Two) રૂ. ૧,૫૦૦ દર્શાવવામાં આવ્યો હતો, જે મુજબ પ્રતિ વ્યક્તિ ભાવ રૂ. ૭૫૦ થતો હતો. પરંતુ જ્યારે ગ્રાહક તેના પરિવાર અને મિત્રો સાથે રેસ્ટોરન્ટમાં જમવા પહોંચ્યા ત્યારે તેમની પાસેથી શાકાહારી બુફે માટે પ્રતિ વ્યક્તિ રૂ. ૧,૦૫૦ અને અશાકાહારી બુફે માટે રૂ. ૧,૧૦૦ વસૂલવામાં આવ્યા હતા. આ દર એપ પર દર્શાવાયેલા ભાવ કરતાં લગભગ ૪૦ થી ૪૭ ટકા જેટલા વધારે હતા. આ ઉપરાંત પીણાંના બિલ પર પણ ૧૦ ટકા સર્વિસ ચાર્જ જીંકવામાં આવ્યો હતો. ગ્રાહકે સ્થળ પર જ સ્વિગીની વર્ચ્યુઅલ ચેટ દ્વારા ફરિયાદ નોંધાવી હતી પરંતુ કોઈ ઉકેલ ન આવતાં આખરે ન્યાય માટે ગ્રાહક સુરક્ષા કમિશનના દ્વાર ખટખટાવ્યા હતા.
સુનાવણી દરમિયાન સ્વિગી વતી એવી દલીલ કરવામાં આવી હતી કે એપ પર દર્શાવવામાં આવેલી રકમ માત્ર એક અનુમાનિત કે સરેરાશ આંકડો હતો અને તેઓ માહિતી તકનીક (IT) એક્ટની કલમ ૭૯ હેઠળ માત્ર એક "મધ્યસ્થ" (ઇન્ટરમીડિયરી) તરીકે કામ કરે છે, જેથી તેમની સીધી જવાબદારી બનતી નથી. જોકે, દિવ્યા જ્યોતિ જયપુરિયારની અધ્યક્ષતાવાળી બેંચે સ્વિગીની આ દલીલને સખત શબ્દોમાં ફગાવી દીધી હતી. કમિશને નોંધ્યું હતું કે એપ પર એવો કોઈ ડિસ્ક્લેમર કે સ્પષ્ટતા નહોતી જે દર્શાવે કે દર માત્ર અંદાજિત છે. ગ્રાહક સુરક્ષા (ઈ-કોમર્સ) નિયમો, ૨૦૨૦નો હવાલો આપતાં કમિશને જણાવ્યું હતું કે પ્લેટફોર્મ પર દર્શાવાયેલી કિંમતો સાચી હોય અને ગ્રાહક પાસેથી વસૂલાતા વાસ્તવિક બિલ સાથે મેળ ખાતી હોય તે સુનિશ્ચિત કરવાની પ્રાથમિક જવાબદારી સ્વિગીની છે.
ગ્રાહક અદાલતે પોતાના ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે કે આવી ભ્રામક કિંમતો દર્શાવીને ગ્રાહકોને આકર્ષવા અને બાદમાં વધુ રકમ વસૂલવી એ ગ્રાહક સુરક્ષા કાયદા હેઠળ ગંભીર ગુનો છે. અદાલતે બંને પક્ષોને આદેશ મળ્યાના ચાર અઠવાડિયાની અંદર વળતર અને પરત કરવાની રકમ ચૂકવી દેવાનો આદેશ આપ્યો છે. જો નિયત સમય મર્યાદામાં આ રકમ ચૂકવવામાં નહીં આવે તો ચાર અઠવાડિયા પૂરા થયા પછી સમગ્ર રકમ પર ૧૨ ટકાના વાર્ષિક વ્યાજ દરે દંડ વસૂલવામાં આવશે.
(6:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
