તા. ૧૯ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૦ ગુરૂવાર
News of Thursday, 19th November 2026
દિલજીત દોસાંઝના કોન્સર્ટનો ક્રેઝઃ ફલાઇટ-હોટલના ભાડામાં તોતિંગ વધારો!
અમદાવાદમાં મોટા મ્યુઝિક કોન્સર્ટનો માહોલ જામતાં દેશભરમાંથી સંગીતપ્રેમીઓ શહેર તરફ આવી રહ્યા છે

અમદાવાદ,તા.૧૯: અમદાવાદ હવે માત્ર રાજકીય અને ઔદ્યોગિક પ્રવૃત્તિઓ માટે જ નહીં, પરંતુ મોટા મ્યુઝિક કોન્સર્ટ માટે પણ દેશભરમાં ઓળખ બનાવી રહ્યું છે. કોલ્ડપ્લેના સફળ કોન્સર્ટ બાદ શહેરમાં લાઇવ મ્યુઝિક ઇવેન્ટ્સનો ક્રેઝ સતત વધી રહ્યો છે. ૨૧ અને ૨૨ નવેમ્બરે યોજાનારા જાણીતા કલાકારોના કાર્યક્રમોને પગલે અમદાવાદમાં પ્રવાસીઓની સંખ્યા વધી રહી છે. જોકે, આ ઉત્સાહ વચ્ચે મુસાફરોના ખિસ્સા પર મોટો બોજ પડી રહ્યો છે.
૨૧ નવેમ્બરે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પંજાબી ગાયક દિલજીત દોસાંઝનો કોન્સર્ટ યોજાશે. જ્યારે ૨૨ નવેમ્બરે રાજપથ ક્લબમાં પપોન અને સુવાના પાર્ટી પ્લોટમાં દર્શન રાવલના કાર્યક્રમો યોજાશે. આ ઉપરાંત ૨૧ નવેમ્બરથી ૨૭ માર્ચ ૨૦૨૭ સુધી વિવિધ કલાકારોના લાઇવ કોન્સર્ટનું આયોજન થવાનું છે. તેના કારણે દેશભરમાંથી સંગીતપ્રેમીઓ અમદાવાદ આવી રહ્યા છે.
કોન્સર્ટને કારણે અમદાવાદ આવતી ફલાઇટની માંગમાં મોટો વધારો થયો છે. સામાન્ય દિવસોમાં મુંબઈથી અમદાવાદની ટિકિટ અંદાજે ૩,૫૦૦ રૂપિયાની હોય છે, જે ૨૧ નવેમ્બરે વધીને ૨૧ હજાર રૂપિયા સુધી પહોંચી છે. ચેન્નાઈથી ટિકિટનો ભાવ ૮ હજારથી વધીને ૨૫ હજાર રૂપિયા થયો છે. જ્યારે ઇન્દોરથી અમદાવાદની ટિકિટ ૪૦ હજાર રૂપિયા સુધી પહોંચી હોવાનું જણાવાયું છે. દિલ્હી, બેંગલુરુ, પંજાબ અને હરિયાણાથી આવતી ફલાઇટના ભાડામાં પણ વધારો નોંધાયો છે.
ફલાઇટની સાથે હોટલના રૂમના ભાવમાં પણ મોટો ઉછાળો આવ્યો છે. સામાન્ય દિવસોમાં ૫થી ૧૩ હજાર રૂપિયામાં મળતા રૂમ માટે હવે ૧૫થી ૩૫ હજાર રૂપિયા ચૂકવવા પડી શકે છે. તાજ હોટલમાં ૮થી ૧૦ હજારનો રૂમ ૨૫થી ૩૦ હજાર રૂપિયા સુધી પહોંચ્યો છે. રામાડામાં રૂમનું ભાડું ૬ હજારથી વધીને ૧૫થી ૧૮ હજાર રૂપિયા થયું છે.
આ વધારાથી પ્રવાસીઓ અને બિઝનેસ માટે આવતા લોકોના બજેટ પર અસર થઈ રહી છે. બીજી તરફ હોટલ, ટ્રાવેલ અને ટુરિઝમ ઉદ્યોગ માટે આ કોન્સર્ટ મોટી તક બની રહ્યા છે. બહારનાં રાજ્યોમાંથી આવતા લોકો અમદાવાદનાં પ્રવાસન સ્થળોની પણ મુલાકાત લઈ રહ્યા છે.
(10:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
