<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 2nd May 2026

દિલજીત દોસાંઝે અમેરિકામાં મચાવી દીધી ધૂમ: ખાલિસ્તાની સમર્થકોને સ્ટેજ પરથી જ ખખડાવ્યા, મૂસેવાલા સ્ટાઈલમાં થાપી મારીને કહ્યું- ‘મેદાનમાં આવી જાવ’

કેલગરીના શો દરમિયાન પોસ્ટર બતાવનારા વિરોધીઓ પર ભડક્યો સિંગર; કહ્યું- ‘જેણે વિરોધ કરવો હોય તે શોખથી કરે, પંજાબ માટે મેં મારું કામ કર્યું છે’

કેલગરી (અમેરિકા), : પંજાબી આઇકોન અને બોલિવૂડ સિંગર દિલજીત દોસાંઝ અત્યારે તેના ‘ઓરા વર્લ્ડ ટૂર’ માટે અમેરિકામાં છે. કેલગરીમાં આયોજિત એક ભવ્ય શો દરમિયાન દિલજીત પહેલીવાર અત્યંત ગુસ્સામાં જોવા મળ્યો હતો. શોમાં કેટલાક ખાલિસ્તાની સમર્થકો પોસ્ટરો બતાવીને વિરોધ કરી રહ્યા હતા, જેમને દિલજીતે સ્ટેજ પરથી જ જડબાતોડ જવાબ આપ્યો હતો. દિલજીતે સ્વર્ગસ્થ સિદ્ધુ મૂસેવાલાની સ્ટાઈલમાં પોતાની જાંઘ પર થાપી મારીને પડકાર ફેંક્યો હતો કે, “જેણે મેદાનમાં આવવું હોય તે આવી જાય, હું ઉઠાવીને બહાર ફેંકી દઈશ.”
પંજાબ માટે કરેલી સેવાનો આપ્યો હવાલો
પોતાના સંબોધનમાં દિલજીતે ભાવુક થઈને કહ્યું કે, જે લોકો આજે વિરોધ કરી રહ્યા છે તેમણે પંજાબ માટે શું કર્યું છે? તેણે યાદ અપાવ્યું કે પંજાબમાં જ્યારે પૂર આવ્યું ત્યારે તે ૬ મહિના સુધી જમીન પર રહીને લોકોની સેવા કરતો હતો, જેના માટે તેણે પોતાની ઓસ્ટ્રેલિયાની ટૂર પણ રદ કરી દીધી હતી. તેણે સ્પષ્ટ કર્યું કે તે કોઈપણ પ્લેટફોર્મ પર જાય, પછી તે રાષ્ટ્રીય હોય કે આંતરરાષ્ટ્રીય, તે હંમેશા પંજાબની જ વાત કરે છે.
અમિતાભ બચ્ચન અને KBC વિવાદ પર મૌન તોડ્યું
તાજેતરમાં દિલજીત જ્યારે ‘કોણ બનેગા કરોડપતિ’ (KBC) ના સેટ પર ગયો હતો અને અમિતાભ બચ્ચનના આશીર્વાદ લીધા હતા, ત્યારે કેટલાક કટ્ટરપંથી સંગઠનોએ તેને ‘ભારત સરકારનો એજન્ટ’ કહીને ટાર્ગેટ કર્યો હતો. આ અંગે દિલજીતે કહ્યું કે, તે શોમાં પોતાની ફિલ્મના પ્રમોશન માટે નહીં, પરંતુ નેશનલ મીડિયા દ્વારા પંજાબના મુદ્દાઓ ઉઠાવવા અને ભંડોળ એકઠું કરવા ગયો હતો. તેણે કડક શબ્દોમાં કહ્યું કે, “જો પંજાબ અને ભારતીય હોવા પર ગર્વ કરવા બદલ કોઈ મારો વિરોધ કરવા માંગતું હોય, તો ભલે કરે, મને કોઈ ફરક પડતો નથી.”
કેન્દ્રીય મંત્રી રવનીત સિંહ બિટ્ટુનું સમર્થન
દિલજીતની આ હિંમતને જોઈને કેન્દ્રીય મંત્રી રવનીત સિંહ બિટ્ટુએ સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા આપી હતી. તેમણે લખ્યું કે, “દિલજીત, મેં તને વર્ષો પહેલા ચેતવણી આપી હતી કે આ લોકોની ફિતરત ક્યારેય બદલાતી નથી. આ લોકો માટે બધું જ પૈસાની રમત છે. તેમણે હંમેશા મ્યુઝિક ઇન્ડસ્ટ્રીને નુકસાન પહોંચાડ્યું છે.” દિલજીતે શોના અંતે ચેતવણી આપી હતી કે તેના કોન્સર્ટમાં વડીલો અને બાળકો પણ આવે છે, તેથી જો કોઈ માહોલ બગાડશે તો તેને સહન કરવામાં આવશે નહીં.

(11:56 PM IST)