તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 11th November 2026
દિલજીત દોસાંજ કોન્સર્ટ વિવાદ: આકર્ષક યુવતીઓને રોકડની લાલચ આપવાના સસ્પેન્ડેડ વિદ્યાર્થી નેતા સામેના ગંભીર આરોપોથી ખળભળાટ
દિલ્હી યુનિવર્સિટીમાં યુવતીઓને પ્રલોભન મામલે રાજકારણ ગરમાયું, ABVP દ્વારા માનવ તસ્કરીની આશંકા સાથે NIA તપાસની આક્રમક માંગણી

નવી દિલ્હી : દિલ્હી યુનિવર્સિટીની રામાનુજન કોલેજ તંત્ર દ્વારા કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ NSUI ના પૂર્વ વિદ્યાર્થી નેતા અનસ ખાનને સસ્પેન્ડ કરાતાં મોટો રાજકીય વિવાદ સર્જાયો છે. કથિત મેસેજો અનુસાર, કોલેજના પૂર્વ ઉપપ્રમુખ અનસ ખાને એનઆરઆઈ (NRI) પ્રાયોજિત અને દિલજીત દોસાંજ કોન્સર્ટ જેવા કાર્યક્રમો માટે યુવતીઓનો સંપર્ક કરી, તેમના શારીરિક દેખાવ અને આકર્ષકતાના આધારે રોકડ રકમ તથા અન્ય પ્રલોભનો આપવાની ઓફર કરી હતી. આ ઘટના સામે આવ્યા બાદ પ્રસ્તાવિત કાર્યક્રમોનું સ્વરૂપ, તેમાં સામેલ લોકો અને આર્થિક વ્યવસ્થાઓ અંગે ઊંડી અને તટસ્થ તપાસ કરવાની માંગ તીવ્ર બની રહી છે.
આ સંગીન આરોપો બાદ ભાજપની વિદ્યાર્થી પાંખ ABVPએ આક્રમક વલણ અપનાવતા સમગ્ર મામલાની તપાસ 'નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી' (NIA) પાસે કરાવવાની માંગ કરી છે. ABVPના આરોપ મુજબ, આ સમગ્ર વિવાદના તાર માનવ તસ્કરી અને વેશ્યાવૃત્તિ સાથે સંકળાયેલા સંગઠિત નેટવર્ક, નાણાકીય વ્યવહારો તેમજ સંભવિત આંતરરાષ્ટ્રીય જોડાણો સાથે જોડાયેલા હોવાની આશંકા છે. ABVPના રાષ્ટ્રીય મહાસચિવ વીરેન્દ્ર સિંહ સોલંકીએ સસ્પેન્શનની પ્રક્રિયા સામે સવાલો ઉઠાવીને પાછલી તારીખનો (backdated) પત્ર જારી કરવાનો આક્ષેપ કર્યો હતો. સાથોસાથ ૨૦૧૮માં NSUIના તત્કાલીન અધ્યક્ષ ફૈરોઝ ખાન સામે લાગેલી જાતીય સતામણીનો ઉલ્લેખ કરી કોંગ્રેસ નેતૃત્વ પર ગંભીર સવાલો પ્રહાર કર્યા છે.
બીજી તરફ, NSUIના રાષ્ટ્રીય મીડિયા પ્રભારી રવિ પાંડે અને સંગઠને સ્પષ્ટતા કરી છે કે અનસ ખાનના કથિત વર્તનને સંગઠન સાથે જોડી શકાય નહીં. સંગઠને જારી કરેલા નિવેદન મુજબ, દિલ્હી યુનિવર્સિટી સ્ટુડન્ટ્સ યુનિયન (DUSU) ની ચૂંટણી દરમિયાન જ શિસ્તભંગ અને સંગઠન વિરોધી પ્રવૃત્તિઓના કારણે અનસ ખાનને સસ્પેન્ડ કરી દેવાયા હતા. હાલમાં તેમની સાથે સંગઠનનો કોઈ સંબંધ નથી અને NSUI મહિલા વિદ્યાર્થીનીઓની સુરક્ષા તેમજ ગરિમા સાથે મક્કમતાથી ઊભું છે. વિદ્યાર્થી પાંખે આ મામલે નિષ્પક્ષ તપાસની માંગ સાથે દોષિતો સામે કડક પગલાં લેવાની અપીલ કરી છે.
આ સમગ્ર ઘટનાના લીધે વિદ્યાર્થી આલમમાં અને શૈક્ષણિક પરિસરમાં સુરક્ષા મામલે ભારે ચિંતા ફેલાઈ ગઈ છે. ABVP દ્વારા NIA તપાસ અને આંતરરાષ્ટ્રીય કનેક્શન શોધવાની માંગ બાદ હવે પોલીસ તપાસ કઈ દિશામાં આગળ વધે છે તેના પર સૌની નજર મંડાયેલી છે. કોલેજ વહીવટીતંત્ર અને પોલીસ દ્વારા તપાસ આગળ વધારીને નાણાકીય લેવડદેવડ તેમજ આયોજકોની સંડોવણી અંગે ખુલાસા કરવામાં આવે તેવી પૂરી શક્યતા છે. આગામી દિવસોમાં વિદ્યાર્થી સંગઠનો વચ્ચેનો આ વિરોધ વધુ તીવ્ર બની શકે છે.
(10:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
