<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th July 2026

દિગ્વિજય સિંહની રાજકારણમાંથી નિવૃત્તિની ચોંકાવનારી જાહેરાત: "હવે બાકીનું જીવન ફક્ત ધર્મના રક્ષણ માટે સમર્પિત, કોઈ રાજકીય નિવેદન નહીં આપું"; ઉજ્જૈનથી અયોધ્યા સુધી પગપાળા યાત્રાનો માસ્ટરપ્લાન

૮૦ વર્ષની ઉંમરે લીધો મોટો નિર્ણય: સોશિયલ મીડિયા પર પણ રાજકીય વિચારો વ્યક્ત કરવા પર મૂક્યો પ્રતિબંધ, યાત્રાના મુખ્ય મહેમાન તરીકે કારસેવક સંતોષ દુબેને આપ્યું આમંત્રણ

ભોપાલ : મધ્યપ્રદેશના રાજકારણના અગ્રણી સ્તંભ અને પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહે એક એવી સનસનાટીભરી જાહેરાત કરી છે, જેણે દેશના રાજકીય ગલિયારાઓમાં ભારે હલચલ મચાવી દીધી છે. કોંગ્રેસના આ વરિષ્ઠ નેતાએ સ્પષ્ટ શબ્દોમાં જાહેર કર્યું છે કે તેઓ હવે સક્રિય રાજકારણના દાવપેચથી સંપૂર્ણપણે દૂર થઈ રહ્યા છે અને તેમનું બાકીનું જીવન માત્ર અને માત્ર 'ધર્મના રક્ષણ' માટે સમર્પિત કરશે. આ કડીમાં તેમણે આગામી દશેરાના પવિત્ર તહેવાર નિમિત્તે ઉજ્જૈનના મહાકાલ ધામથી લઈને પ્રભુ શ્રી રામની નગરી અયોધ્યા સુધી એક ભવ્ય પગપાળા પદયાત્રા કરવાની જાહેરાત પણ કરી છે.

"પાર્ટીએ ઘણું આપ્યું, હવે ઈશ્વર ભક્તિનો સમય"

પોતાના આ ચોંકાવનારા નિર્ણય અંગે સ્પષ્ટતા કરતાં ૮૦ વર્ષીય દિગ્વિજય સિંહે જણાવ્યું હતું કે, "હું હવે ઉંમરના એવા તબક્કે પહોંચ્યો છું જ્યાં મારે સંસાર અને રાજકારણથી ઉપર ઉઠવું જોઈએ. પાર્ટીએ મને પાંચ વખત ધારાસભ્ય, બે વાર લોકસભા સાંસદ અને બે વાર રાજ્યસભાના સભ્ય તરીકે જંગી જનાદેશ અપાવ્યો છે. મેં બે ટર્મ સુધી મુખ્યમંત્રી તરીકે રાજ્યની સેવા પણ કરી છે. આ વખતે મેં પોતે જ પક્ષને વિનંતી કરી હતી કે હવે મને કોઈ રાજકીય પદ કે ટિકિટના સ્થાને મુક્તિ આપવામાં આવે." તેમણે ભારપૂર્વક કહ્યું કે તેમની આ યાત્રા કોઈ ચૂંટણીલક્ષી ફાયદા માટે નથી, પરંતુ આત્માની શુદ્ધિ અને સનાતન ધર્મના રક્ષણ માટે છે.

કોઈ નેતાને નો એન્ટ્રી: ન પક્ષની વાત, ન સોશિયલ મીડિયા પર પ્રહાર

પોતાના બદલાયેલા મિજાજનો પરચો આપતાં દિગ્વિજય સિંહે સ્પષ્ટ કર્યું છે કે આ યાત્રા સંપૂર્ણપણે બિનરાજકીય હશે. તેમણે કહ્યું, "હું આ પદયાત્રા દરમિયાન કોઈપણ રાજકીય નિવેદનબાજી નહીં કરું અને મારા સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પણ કોઈ રાજકીય વિચારો કે આક્ષેપો વ્યક્ત કરવામાં નહીં આવે." જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેઓ આ યાત્રામાં અન્ય કોઈ પક્ષ કે પોતાના પક્ષના મોટા નેતાઓને આમંત્રિત કરશે? ત્યારે તેમણે સ્પષ્ટ નકાર ભણતા કહ્યું કે, "હું કોઈ રાજકારણીને આમંત્રણ આપવાનો નથી. હા, આ યાત્રામાં મારા મુખ્ય મહેમાન અયોધ્યાના એ જાણીતા કારસેવક સંતોષ દુબે હશે, જેમને રામ મંદિર આંદોલન વખતે ચાર વખત ગોળીઓ વાગી હતી." દિગ્વિજય સિંહના આ તદ્દન નવા ધાર્મિક અવતારે મધ્યપ્રદેશ સહિત સમગ્ર દેશના રાજકારણમાં એક નવી જ ચર્ચા છેડી દીધી છે.

(6:25 PM IST)