<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 11th May 2026

ન્યાયતંત્રમાં ડિજિટલ ક્રાંતિ: હવે એક ક્લિક પર ખુલશે કેસની આખી કુંડળી : સુપ્રીમ કોર્ટની 'માસ્ટર' પહેલ

CJI સૂર્યકાંતે લોન્ચ કરી 'એક કેસ, એક ડેટા' સિસ્ટમ અને 'SU સહાય' AI ચેટબોટ: દેશની તમામ અદાલતોનો ડેટા એક જ પ્લેટફોર્મ પર આવતા 5.5 કરોડ પેન્ડિંગ કેસોના ભારણમાંથી મળશે મોટી રાહત

નવી દિલ્હી:  ભારતીય ન્યાયતંત્રમાં વર્ષોથી ચાલી આવતી 'તારીખ પે તારીખ'ની પરંપરાનો અંત લાવવા માટે સુપ્રીમ કોર્ટે એક ઐતિહાસિક કદમ ઉઠાવ્યું છે. CJI સૂર્યકાંતે 'એક કેસ, એક ડેટા' સિસ્ટમનું ઉદ્ઘાટન કર્યું છે, જે દેશભરની જિલ્લા અદાલતો, હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ડેટાને એક તાંતણે બાંધશે. આ ટેકનોલોજીની મદદથી હવે કોઈપણ કેસનો ઇતિહાસ, તેના રેકોર્ડ્સ અને ટ્રેકિંગ રિપોર્ટ એક જ જગ્યાએ ઉપલબ્ધ થશે. આ સાથે જ 'SU સહાય' નામનો હાઈટેક AI ચેટબોટ પણ કાર્યરત કરાયો છે, જે વકીલો અને અરજદારોના સવાલોના જવાબ આપવા ચોવીસે કલાક તૈયાર રહેશે.

આ નવી સિસ્ટમ પાછળનું મુખ્ય કારણ ભારતમાં પેન્ડિંગ કેસોનો પહાડ છે. મે 2026 સુધીના આંકડા મુજબ, દેશમાં અંદાજે 5.5 કરોડ કેસ અટવાયેલા છે, જેમાંથી સૌથી વધુ 4.76 કરોડ કેસ નીચલી અદાલતોમાં છે. ન્યાયાધીશોની અછત અને વકીલોની ગેરહાજરી જેવા અવરોધોને કારણે ન્યાય મેળવવામાં વિલંબ થતો હતો, પરંતુ આ એકીકૃત ડેટા પ્લેટફોર્મથી વહીવટી પારદર્શિતા વધશે અને ભ્રષ્ટાચાર પર લગામ આવશે. આ ક્રાંતિકારી ફેરફારથી ન્યાયિક પ્રક્રિયામાં ગતિ આવશે અને સામાન્ય માણસનો કોર્ટ-કચેરી પ્રત્યેનો વિશ્વાસ વધુ મજબૂત બનશે.

રસપ્રદ વાત એ છે કે, સરકાર પોતે 50% કેસોમાં પક્ષકાર છે, જેના કારણે સિસ્ટમ પર વધુ ભારણ રહેતું હતું. ભારતમાં હાલમાં દર 10 લાખની વસ્તી સામે માત્ર 22 ન્યાયાધીશો છે, જે ભલામણ કરાયેલ 50 કરતા ઘણા ઓછા છે. 'એક કેસ, એક ડેટા' સિસ્ટમ ડેટા શેરિંગમાં ક્રાંતિ લાવીને ન્યાયાધીશોના કામને સરળ બનાવશે અને દેખરેખ વધુ કડક બનાવશે. આ ડિજિટલ હથિયારથી હવે એ જોવાનું રહેશે કે લાખો પરિવારો જે વર્ષોથી ન્યાયની રાહ જોઈ રહ્યા છે, તેમને આ 'સિંગલ-ક્લિક' એક્સેસ કેટલી ઝડપથી રાહત અપાવે છે.

(6:24 PM IST)