News of Thursday, 26th November 2026
નવી મુંબઈની ફિનટેક કંપનીના સર્વરમાં ડિજિટલ ઘૂસણખોરી: 1.98 કરોડની ઉચાપત કેસમાં એન્જિનિયર આરોપી અબુબકર ટી. ચેન્નઈમાં ઝડપાયો
ઇલેક્ટ્રોનિક લેજર અને પેમેન્ટ ગેટવેનું અનધિકૃત એક્સેસ મેળવી રકમ અન્ય ખાતામાં વાળી હતી; વિદેશ સ્થિત સાગરીતોને VPN નોડ દ્વારા એક્સેસ આપ્યાનો ખુલાસો, ₹1 કરોડથી વધુની રકમ ફ્રીઝ

ચેન્નઈ : નવી મુંબઈ સ્થિત એક ફિનટેક કંપનીનું સર્વર કથિત રીતે હૅક કરીને ₹1.98 કરોડની ઉચાપત કરવાના હાઈ-પ્રોફાઈલ સાયબર ફ્રોડ કેસમાં પોલીસે એન્જિનિયર આરોપીને ચેન્નઈમાંથી દબોચી લીધો છે. પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ, આરોપી અબુબકર ટી. દ્વારા છેતરપિંડીના વ્યવહારો સાથે જોડાયેલા વિવિધ બેંક ખાતાઓમાં રહેલી ₹1 કરોડથી વધુની રકમ ફ્રીઝ કરી દેવામાં આવી છે.
પોલીસની અખબારી યાદી અનુસાર, આરોપીએ ફિનટેક કંપનીના સર્વરમાં ડિજિટલ ઘૂસણખોરી કરીને તેની ઈલેક્ટ્રોનિક લેજર સિસ્ટમ તેમજ બેંક લિન્ક્ડ પેમેન્ટ ગેટવેનું અનધિકૃત એક્સેસ મેળવ્યું હતું. ત્યારબાદ સિસ્ટમનો દુરુપયોગ કરીને કુલ ₹1.98 કરોડની રકમ અલગ-અલગ બેંક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરી દેવામાં આવી હતી.
ફરિયાદ નોંધાયા બાદ સાયબર અને તપાસ ટીમે ટેક્નિકલ વિગતો તથા ડિજિટલ ફૂટપ્રિન્ટ્સનું ઝીણવટભર્યું વિશ્લેષણ કર્યું હતું, જેના આધારે આરોપીનું પગેરું ચેન્નઈ સુધી પહોંચ્યું હતું. પોલીસના જણાવ્યા મુજબ, ઝડપાયેલા આરોપીએ ચેન્નઈમાં ઈલેક્ટ્રિકલ એન્ડ ઈલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ (EEE) ની ડિગ્રી મેળવેલી છે.
તપાસમાં સામે આવ્યું છે કે અબુબકરે ચેન્નઈ સ્થિત પોતાના ઘરે ખાસ હાર્ડવેરની મદદથી વર્ચ્યુઅલ પ્રાઈવેટ નેટવર્ક (VPN) નોડ તૈયાર કર્યું હતું. આ નેટવર્ક મારફત તેણે વિદેશમાં બેસીને સાયબર છેતરપિંડી ચલાવતા પોતાના સાગરીતોને એક્સેસ પૂરું પાડ્યું હતું અને બદલામાં આરોપીને ક્રિપ્ટોકરન્સી તેમજ અન્ય ડિજિટલ માધ્યમો દ્વારા પોતાનો હિસ્સો મળ્યો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
(8:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
