તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 2nd October 2026
ડિજિટલ ઈન્ડિયાનો ડંકો: ચાર્જની અફવાઓ વચ્ચે UPI ટ્રાન્ઝેક્શનમાં મોટો ઉછાળો, સપ્ટેમ્બરમાં રોજની ₹૯૭,૯૧૩ કરોડની લેવડદેવડથી નવો રેકોર્ડ!
સોશિયલ મીડિયાના પાયાવિહોણા દાવાઓ પોકળ સાબિત: દૈનિક ટ્રાન્ઝેક્શન વધીને ૮૦૨ મિલિયને પહોંચ્યા, ૧૫ ઓક્ટોબરથી લાગુ થશે નવા MDR નિયમો

નવી દિલ્હી, તા.૦૨: યુપીઆઈ (UPI) ટ્રાન્ઝેક્શન પર વધારાના ચાર્જ વસૂલવાની અફવાઓ અને રાજકીય ચર્ચાઓ વચ્ચે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI)ના તાજેતરના આંકડાઓએ તમામ અટકળો પર પૂર્ણવિરામ મૂકી દીધું છે. સોશિયલ મીડિયા પર ચાલી રહેલા દાવાઓથી વિપરીત, દેશમાં UPIના ઉપયોગમાં કોઈ ઘટાડો થયો નથી, પરંતુ દૈનિક ધોરણે ટ્રાન્ઝેક્શનની સંખ્યા અને રકમ બંનેમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે.
ઓગસ્ટની સરખામણીએ સપ્ટેમ્બરમાં રોજિંદા ટ્રાન્ઝેક્શન વધ્યા
NPCIના રિપોર્ટ અનુસાર, ઓગસ્ટ મહિનામાં (૩૧ દિવસ) કુલ ૨૪.૫૧ અબજ ટ્રાન્ઝેક્શન થયા હતા, એટલે કે સરેરાશ દરરોજ ૭૯૧ મિલિયન ટ્રાન્ઝેક્શન નોંધાયા હતા. તેની સરખામણીએ સપ્ટેમ્બર મહિનામાં (૩૦ દિવસ) કુલ ૨૪.૦૭ અબજ ટ્રાન્ઝેક્શન થયા હોવા છતાં, દૈનિક સરેરાશ વધીને ૮૦૨ મિલિયન ટ્રાન્ઝેક્શન પર પહોંચી ગઈ છે. સપ્ટેમ્બરમાં એક દિવસ ઓછો હોવા છતાં વપરાશકર્તાઓનો ઉત્સાહ વધ્યો છે. વાર્ષિક ધોરણે સપ્ટેમ્બર મહિનામાં ટ્રાન્ઝેક્શનના વોલ્યુમમાં ૨૩ ટકા અને વેલ્યુમાં ૧૮ ટકાનો જંગી ગ્રોથ જોવા મળ્યો છે.
નાણાકીય લેવડદેવળ મૂલ્યમાં પણ જંગી વધારો
માત્ર ટ્રાન્ઝેક્શનની સંખ્યા જ નહીં, પરંતુ દરરોજ ટ્રાન્સફર થતી રકમમાં પણ વધારો થયો છે. ઓગસ્ટમાં દૈનિક સરેરાશ ₹૯૬,૨૦૫ કરોડની લેવડદેવડ થઈ હતી, જે સપ્ટેમ્બરમાં વધીને ₹૯૭,૯૧૩ કરોડ સુધી પહોંચી ગઈ છે. અગાઉ જુલાઈ મહિનામાં કુલ ટ્રાન્ઝેક્શન વેલ્યુ ₹૨૯.૯ લાખ કરોડના ઓલ-ટાઈમ હાઈ રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ હતી.
૧૫ ઓક્ટોબરથી લાગુ થશે નવો નિયમ: સામાન્ય યુઝર્સ પર કોઈ ચાર્જ નહીં
કેન્દ્ર સરકારના નવા નિયમો મુજબ, ₹૨,૦૦૦થી વધુ રકમના ટ્રાન્ઝેક્શન પર મર્ચેન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) સ્ટ્રક્ચર ૧૫ ઓક્ટોબરથી લાગુ થવા જઈ રહ્યું છે. જેમાં ₹૭૫,૦૦૦થી વધુના વેપારી ટ્રાન્ઝેક્શન પર મહત્તમ ચાર્જ ₹૩૦૦ સુધી મર્યાદિત રહેશે. મહત્વની વાત એ છે કે, સામાન્ય નાગરિકો દ્વારા એક વ્યક્તિથી બીજી વ્યક્તિ (P2P) વચ્ચે થતા ટ્રાન્સફર પર કોઈ પણ પ્રકારનો ચાર્જ લાગુ કરવામાં આવ્યો નથી.
બીજી તરફ, જૂનાગઢ જેવા વિસ્તારોમાં ચાર્જના વિરોધમાં વેપારીઓ દ્વારા 'No UPI Day' મનાવી ડિજિટલ પેમેન્ટનો બહિષ્કાર પણ કરવામાં આવ્યો હતો. છતાં વૈશ્વિક સ્તરે સિંગાપોર, ફ્રાન્સ, નેપાળ અને યુએઈ સહિત ૧૧ દેશોમાં સ્વીકૃતિ મેળવનાર ભારતીય UPI ટેક્નોલોજીનો દબદબો સતત મજબૂત થઈ રહ્યો છે.
(5:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
