તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 22nd May 2026
અમેરિકામાં વૃદ્ધો સાથે કરોડોની ડિજિટલ છેતરપિંડી: ૩૮ વર્ષીય ભારતીય નાગરિક સૈયદ મક્કીને પેરોલ વિના ૧૫.૫ વર્ષની જેલની સજા
માઇક્રોસોફ્ટના કર્મચારી અને બેંક અધિકારી બની રચાતું હતું કાવતરું; પીડિતો પાસેથી $૬ મિલિયનથી વધુ પડાવ્યા, કોર્ટે સોનાના બાર જપ્ત કરી રૂ. ૩૯ કરોડથી વધુનો દંડ ફટકાર્યો

શિકાગો, તા.૨૨: અમેરિકામાં માઇક્રોસોફ્ટના નકલી ગ્રાહક સેવા અધિકારી અને સરકારી એજન્ટ બનીને વરિષ્ઠ નાગરિકો સાથે કરોડો ડોલરની છેતરપિંડી કરવાના આંતરરાષ્ટ્રીય રેકેટનો પર્દાફાશ થયો છે. આ હાઈપ્રોફાઈલ કેસમાં કેન્સાસ અને ઇલિનોઇસની ફેડરલ કોર્ટે ૩૮ વર્ષીય ભારતીય નાગરિક સૈયદ એમ. મક્કીને દોષિત જાહેર કરીને પેરોલ વિના ૧૫.૫ વર્ષ (૧૫½ વર્ષ) ની સખત જેલની સજા ફટકારી છે. યુ.એસ. એટર્ની ઓફિસે ૨૧ મેના રોજ આ ચુકાદા અંગે સત્તાવાર માહિતી આપી હતી.
નિવૃત્તિ ખાતા સાફ કરાવી સોનાના બાર ખરીદાવતા
યુનાઇટેડ સ્ટેટ્સ ડિસ્ટ્રિક્ટ જજ ગ્રેગ કેઝે જેલની સજા ઉપરાંત મક્કીને પીડિતોને વળતર તરીકે $૪,૭૫૪,૦૦૦ (આશરે ૩૯.૫ કરોડ રૂપિયા) ચૂકવવાનો આદેશ આપ્યો છે અને તેની પાસેથી જપ્ત કરાયેલા સોનાના કિંમતી બાર પણ રાજસાત કરવાનો હુકમ કર્યો છે. આ આખી છેતરપિંડી ૨૦૨૩ થી માર્ચ ૨૦૨૪ વચ્ચે ચાલી રહી હતી, જેમાં કમ્પ્યુટરમાં નકલી માલવેર પોપ-અપ્સ મોકલીને વૃદ્ધ અમેરિકનોને ડરાવવામાં આવતા હતા. કૌભાંડીઓ ૬૧ થી ૮૦ વર્ષની વયના નિવૃત્ત લોકોને એવું કહીને ડરાવતા હતા કે તેમની બેંક વિગતો હેક થઈ ગઈ છે અને સુરક્ષા માટે તેઓ પોતાની બધી જ બચત ફડચામાં લઈને સોનાના બાર કે સિક્કા ખરીદી લે.
‘ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ’ ના નકલી લેબલનો ઉપયોગ
આ કૌભાંડને કાયદેસરનું રૂપ આપવા માટે માસ્ટરમાઇન્ડ કથિત પીડિતોને એવું કહેતા કે તેઓ ખરીદેલા સોનાને સરસ રીતે પેક કરી તેના પર ‘ન્યાય વિભાગ’ (DOJ) નું લેબલ લગાવી દે, જેથી કોઈ સરકારી એજન્ટ આવીને તેને ‘સુરક્ષિત લોકર’ માં મૂકી જાય. આ કાવતરામાં ભારતીય નાગરિક સૈયદ મક્કી મુખ્ય ‘કુરિયર’ (નાણાં અને સોનું એકત્ર કરનાર) તરીકે કામ કરતો હતો. તે અમેરિકાના અલગ-અલગ રાજ્યોમાં ફરીને ડરેલા વૃદ્ધો પાસેથી સોનાના બાર અને રોકડ કલેક્ટ કરીને મુખ્ય ગુનેગારો સુધી પહોંચાડતો હતો.
૧૬ કિલો સોના સાથે રંગેહાથ ઝડપાયો
તપાસ એજન્સીઓના જણાવ્યા મુજબ, ૨૫ અને ૨૬ માર્ચ, ૨૦૨૪ ના રોજ મક્કીએ કોલોરાડો અને મિઝોરીના પીડિતો પાસેથી ૧-૧ કિલોગ્રામ વજનના એવા ૧૬ સોનાના લગડીઓ એકત્રિત કર્યા હતા, જેની કિંમત ૧૦ લાખ ડોલર (રૂ. ૮.૩ કરોડ) થી વધુ થતી હતી. આ સોનાની ખેપ લઈને જ્યારે તે ૨૭ માર્ચ, ૨૦૨૪ ના રોજ ઇલિનોઇસમાં તેના સાથીદારોને ડિલિવરી આપવા જઈ રહ્યો હતો, ત્યારે જ અમેરિકી સુરક્ષા એજન્સીઓએ તેને રંગેહાથ દબોચી લીધો હતો.
૧૨ અમેરિકન નાગરિકો કંગાળ થયા, FBI ની સંયુક્ત કાર્યવાહી
ફેડરલ અધિકારીઓના મતે આ કૌભાંડમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા ૧૨ પીડિતોની સત્તાવાર ઓળખ થઈ ચૂકી છે, જેમને કુલ $૬ મિલિયન (આશરે ૫૦ કરોડ રૂપિયા) થી વધુનું આર્થિક નુકસાન વેઠવું પડ્યું છે. આ હાઈ-ટેક કૌભાંડને પકડવા માટે ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (FBI), કેન્સાસ સિટી પોલીસ, કોલોરાડો શેરિફ વિભાગ અને ઇલિનોઇસ સ્ટેટ હાઇવે પેટ્રોલે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. આ કેસની સફળ સુનાવણી સહાયક યુ.એસ. એટર્ની કેથલીન ડી. માહોની દ્વારા કરવામાં આવી હતી.
(5:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
