News of Sunday, 4th October 2026
દિલ્હીમાં ડિજિટલ અરેસ્ટ કૌભાંડનો પર્દાફાશ: કંબોડિયા સાથે જોડાયેલા આંતરરાષ્ટ્રીય રેકેટના બે આરોપીઓની ધરપકડ
વ્હોટ્સએપ વીડિયો કોલ દ્વારા પોલીસ અધિકારી બની લોકોને ડરાવી લાખો રૂપિયા પડાવતી કુખ્યાત સાયબર ગેંગનો દિલ્હી પોલીસ દ્વારા ભાંડો ફોડવામાં આવ્યો

નવી દિલ્હી : દિલ્હી પોલીસની સાયબર ક્રાઈમ શાહે 'ડિજિટલ અરેસ્ટ'ના નામે લાખો રૂપિયાની ઠગાઈ આચરતી એક કુખ્યાત ગેંગનો પર્દાફાશ કર્યો છે. આ કૌભાંડના તાર આંતરરાષ્ટ્રીય સ્તરે કંબોડિયા સુધી જોડાયેલા હોવાનું સામે આવતા સુરક્ષા એજન્સીઓ પણ ચોંકી ઉઠી છે, અને સાઉથ ડિસ્ટ્રિક્ટ પોલીસે આ કેસમાં બે મુખ્ય આરોપીઓની ધરપકડ કરી કરોડો રૂપિયાના શંકાસ્પદ વ્યવહારોની તપાસ શરૂ કરી છે.
આ ઠગ ટોળકી ભોળી જનતાને વ્હોટ્સએપ વીડિયો કોલ કરીને પોતાની ઓળખ પોલીસ અધિકારી તરીકે આપતી હતી. ત્યારબાદ પીડિતોને ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપીને 'ડિજિટલ અરેસ્ટ' દ્વારા ભારે ડરનો માહોલ ઊભો કરી લાખો રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લેતી હતી. આ ફ્રોડની રકમ પહેલા રાજસ્થાનના ભીલવાડા સ્થિત ફેડરલ બેંક ખાતામાં અને ત્યાંથી જમ્મુ-કાશ્મીરના કઠુઆ સ્થિત કોટક મહિન્દ્રા બેંકના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવતી હતી.
દિલ્હી પોલીસે ટેક્નિકલ સર્વેલન્સ અને તપાસના આધારે જમ્મુ-કાશ્મીરના કઠુઆના રહેવાસી રિતેશ કુમાર મેહરા અને રાજસ્થાનના ભીલવાડાના રહેવાસી મુકેશ કુમારની ધરપકડ કરી છે. મુકેશ કુમારના બેંક ખાતાની તપાસ દરમિયાન આશ્ચર્યજનક ખુલાસો થયો છે કે તેના ખાતામાંથી આશરે પચાસ લાખ રૂપિયાના વ્યવહારો થયા છે અને તેનો સીધો સંબંધ નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ પર નોંધાયેલી દસ અલગ-અલગ ફરિયાદો સાથે છે.
પ્રાથમિક તપાસમાં મુખ્ય કનેક્શન કંબોડિયા સાથે હોવાનું ખૂલ્યું છે, જ્યાં આરોપીઓ લોકોમાં ખોટો ડર ઊભો કરીને છેતરપિંડીના નાણાં અલગ-અલગ રાજ્યોના ખાતાઓમાં ફેરવતા હતા. દિલ્હી પોલીસ હવે આ ગેંગના અન્ય સાગરીતો અને આંતરરાષ્ટ્રીય નેટવર્કને ઝડપી પાડવા માટે વધુ સઘન તપાસ ચલાવી રહી છે.
(10:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
