<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th September 2026

પશુધન વીમા સેવાઓને ડિજિટલ વેગ, નવી એકીકૃત વ્યવસ્થાથી અરજીથી દાવા સુધીની પ્રક્રિયા વધુ પારદર્શક અને ઝડપી બની પશુપાલકોને રાહત મળશે: ચાલુ વર્ષમાં દેશનાં ૩૦ લાખ પશુઓનો વીમો ઉતારવામાં આવ્યો

નવી દિલ્હી, તા. ૨૮ : કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય પશુધન મિશનની પશુધન વીમા પ્રવૃત્તિ હેઠળ ‘રાષ્ટ્રીય પશુ વીમા પોર્ટલ’ શરૂ કર્યું છે. કેન્દ્રીય મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી મંત્રી રાજીવ રંજનસિંહે નવી દિલ્હીમાં આ પોર્ટલનું ઉદ્ઘાટન કર્યું હતું. ચાલુ વર્ષમાં અત્યાર સુધીમાં દેશનાં ૩૦ લાખથી વધુ પશુઓનો વીમો ઉતારવામાં આવ્યો હોવાનું સરકારે જણાવ્યું છે.

 

આ પોર્ટલ ઉપર વીમાની નોંધણી, વીમા હપ્તાનું સંચાલન, લાભાર્થીની ખરાઈ, દાવાની પ્રક્રિયા અને તેનું તત્કાલ નિરીક્ષણ એક જ સ્થળેથી થઈ શકશે. ખેડૂતો, રાજ્ય સરકારો, વીમા કંપનીઓ અને અમલીકરણ સંસ્થાઓને એક પારદર્શક વ્યવસ્થા સાથે જોડવામાં આવશે. પશુપાલકો ઓનલાઇન અરજી કરી શકશે અને દાવાની સ્થિતિ પણ જાણી શકશે. પોર્ટલ હિન્દી અને અંગ્રેજી ઉપરાંત ૧૧ પ્રાદેશિક ભાષામાં ઉપલબ્ધ થશે. પશુના મૃત્યુ, રોગચાળો, અકસ્માત અને કુદરતી આફતથી થતા આર્થિક નુકસાન સામે પશુપાલકોને સુરક્ષા આપવાનો તેનો મુખ્ય હેતુ છે. 

(9:39 AM IST)