<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th November 2026

ઉત્તર પ્રદેશમાં મતદારયાદીઓ વચ્ચે ૩.૩૮ કરોડ નામનો તફાવત : ચૂંટણી પંચે રાજ્યવ્યાપી ચકાસણીનો આદેશ આપ્યો

પંચાયત અને નગરપાલિકાની યાદી કરતાં વિધાનસભાની યાદીમાં કરોડો મતદારો ઓછા થયા: લાખો હિન્દુ મતદારોનાં નામ વધુ કપાયાનો દાવો: ચૂંટણી પંચે ત્રણેય અલગ અલગ યાદીઓ સરખાવીને, પાત્ર મતદારોનાં નામ ઉમેરવાની, કાર્યવાહી હાથ ધરવાનો નિર્ણય લીધો

લખનૌ, તા. ૧૧ : ઉત્તર પ્રદેશમાં મતદારયાદીઓ વચ્ચેના મોટા તફાવતને કારણે રાજકીય અને વહીવટી સ્તરે ચર્ચા જાગી છે. પંચાયત, શહેરી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ અને વિધાનસભાની મતદારયાદીઓની સરખામણીમાં આશરે ૩.૩૮ કરોડથી વધુ નામનો તફાવત હોવાનું સામે આવ્યું છે.

 

ઉપલબ્ધ આંકડા પ્રમાણે પંચાયતની મતદારયાદીમાં આશરે ૧૨.૫૮ કરોડ મતદારો છે, જ્યારે વિધાનસભાની ગ્રામ્ય મતદારયાદીમાં આશરે ૧૦.૨૦ કરોડ નામ છે. આમ ગ્રામ્ય વિસ્તારમાં જ ૨.૩૮ કરોડ મતદારોનો તફાવત જોવા મળે છે. શહેરી મતદારયાદીઓની સરખામણીમાં પણ લગભગ એક કરોડ નામનો તફાવત નોંધાયો છે.

 

રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી નવદીપ રિનવાએ તમામ જિલ્લાઓમાં યાદીઓનું મિલાન કરવાની સૂચના આપી છે. ખાસ કરીને મહિલાઓ અને યુવાનોની નોંધણી વધારવા આંગણવાડી કાર્યકરો, આશા વર્કરો અને સ્વસહાય જૂથોની મદદ લેવાશે.

 

વિધાનસભાની મતદારયાદીનું વિશેષ સંક્ષિપ્ત પુનરીક્ષણ આવતીકાલે, ૧૨ નવેમ્બરથી શરૂ થવાનું છે. હિન્દુ મતદારોનાં નામ વધુ પ્રમાણમાં કપાયાનો દાવો કેટલાક અહેવાલોમાં થયો છે, પરંતુ તેનો સત્તાવાર ધર્મવાર પુરાવો ઉપલબ્ધ નથી.

 

મહત્ત્વનું એ છે કે યાદીઓ વચ્ચેનો તફાવત એટલે તમામ ૩.૩૮ કરોડ નામ ખરેખર મતદારયાદીમાંથી કાઢી નાખવામાં આવ્યાં હોય એવું માનવું યોગ્ય નથી.

(9:42 AM IST)