<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th October 2026

સુપ્રીમ કોર્ટની વધુ પડતી ઉદારતાથી દેશમાં ગુના વધ્યા?: મૃત્યુદંડની સજા કમ્યુટ કરવા સામે જસ્ટિસ દીપાંકર દત્તાની ગંભીર ટિપ્પણી બાદ ન્યાયિક વ્યવસ્થા સામે સવાલો ઉભા થયા

૧૦ વર્ષમાં નીચલી અદાલતોએ આપેલી ૧,૩૧૦ ફાંસીની સજાઓમાંથી હાઇકોર્ટ-સુપ્રીમ કોર્ટે મોટાભાગની રદ કરી કે આજીવન કેદમાં ફેરવી: દયા અને સુધારાના નામે ઉદારતાની મર્યાદા નક્કી કરવા બેંચનો મનોમંથન પૂર્વક આદેશ

 


નવી દિલ્હી :   ગુનેગારો સામે કડક કાનૂની કાર્યવાહી અને મૃત્યુદંડ (ફાંસી) ની સજાને આજીવન કેદમાં ફેરવવાની ઉદાર નીતિ અંગે દેશની સર્વોચ્ચ અદાલતમાં એક અત્યંત સંવેદનશીલ અને ગંભીર કાનૂની બહેસ છંછેડાઈ છે.  સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ દીપાંકર દત્તા અને ન્યાયાધીશ શીલ નાગુની બેંચે એક ગંભીર હત્યાના આરોપીની અકાળ મુક્તિની અરજી પર સુનાવણી કરતી વખતે કડક મૌખિક ટિપ્પણી કરી હતી કે, ભારત પોતાના ક્ષમાશીલ સ્વભાવ અને અદાલતોની અતિશય ઉદારતાના કારણે ગુનાખોરીની મોટી સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે. જસ્ટિસ દત્તાએ સ્પષ્ટ શબ્દોમાં ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે અદાલતો દ્વારા વારંવાર સજામાં છૂટછાટ આપવાની પણ એક મર્યાદા હોવી જોઈએ, કારણ કે કાયદાનો ડર ઓછો થવાથી ભયાનક ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે.

સુપ્રીમ કોર્ટની આ ટિપ્પણી પાછળ છેલ્લા ૧૦ વર્ષના (૨૦૧૬ થી ૨૦૨૫) ચોંકાવનારા આંકડાઓ જવાબદાર છે. ફેબ્રુઆરી ૨૦૨૬ માં સામે આવેલા એક વિસ્તૃત રિપોર્ટ અનુસાર, દેશની નીચલી અદાલતોએ ૧૦ વર્ષ દરમિયાન ૧,૩૧૦ ગુનેગારોને ફાંસીની સજા સંભળાવી હતી. પરંતુ આશ્ચર્યજનક રીતે, ઉચ્ચ અદાલતો (હાઇકોર્ટ) એ તેમાંથી માત્ર ૭૦ કેસોમાં જ મૃત્યુદંડની સજા બહાલ રાખી હતી. આ સિવાય સુપ્રીમ કોર્ટે સમીક્ષા હેઠળ આવેલા ૧૫૩ કેસોમાંથી ૭૧ ગુનેગારોની સજા આજીવન કેદમાં ફેરવી નાખી હતી અને ૩૮ આરોપીઓને નિર્દોષ જાહેર કરીને મુક્ત કર્યા હતા. ૨૦૨૫ ના અંત સુધીમાં દેશની જેલોમાં ૫૭૪ જેટલા કેદીઓ નીચલી અદાલતોની ફાંસીની સજા સામે અંતિમ કાનૂની ચુકાદાની રાહ જોઈ રહ્યા હતા, જે દર્શાવે છે કે નીચલી અદાલતો અને ઉપલી અદાલતો વચ્ચે સજા પ્રક્રિયાના માપદંડોમાં મોટો તફાવત છે.

સુનાવણી દરમિયાન જસ્ટિસ દત્તાએ એક ભયાનક કિસ્સાનો ઉલ્લેખ કર્યો હતો જેમાં પોતાની જ દીકરી પર બળાત્કાર અને હત્યા કરનાર નરાધમને અગાઉ આજીવન કેદ મળી હતી, પરંતુ પેરોલ પર બહાર આવ્યા બાદ તેણે પોતાની નાની પુત્રી સામે પત્નીની પણ ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખી હતી. તેમ છતાં સુપ્રીમ કોર્ટે તેની ફાંસીની સજાને દયા દાખવી આજીવન કેદમાં ફેરવી હતી. આ કિસ્સાને ટાંકીને કોર્ટે સવાલ ઉઠાવ્યો કે શું આવી ઉદારતા સમાજ માટે ખતરનાક નથી? બીજી તરફ, કાનૂની નિષ્ણાતોનું માનવું છે કે મૃત્યુદંડ એવો નિર્ણય છે જે પાછો ખેંચી શકાતો નથી, તેથી સુપ્રીમ કોર્ટ 'રેરેસ્ટ ઓફ ધ રેર' (અત્યંત અપવાદરૂપ) કેસ, આરોપીની માનસિક સ્થિતિ અને સુધારાની શક્યતાઓને ધ્યાનમાં રાખીને નિર્ણય લે છે. પરંતુ ૧૦ વર્ષના આંકડા અને સર્વોચ્ચ અદાલતની આ ટિપ્પણીએ ભારતીય કાનૂની અને ન્યાયિક પ્રણાલીમાં સજાના સિદ્ધાંતો પર નવી ચર્ચા જગાવી છે.

(5:10 PM IST)