તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 23rd June 2026
મિત્રોની સોબત અટકાવશે ડાયાબિટીસ! કેરળમાં થયેલા 9 વર્ષના ઐતિહાસિક અભ્યાસમાં ચોંકાવનારો દાવો
ધ લેન્સેટ જર્નલમાં પ્રકાશિત સંશોધન મુજબ, પ્રી-ડાયાબિટીસની બોર્ડર પર રહેલા લોકો જો મિત્રો સાથે મળીને હેલ્ધી લાઈફસ્ટાઈલ અપનાવે તો સુગર લેવલ કંટ્રોલમાં રહે અને જોખમ 28 ટકા સુધી ઘટી જાય

તિરુવનંતપુરમ: આજના ભાગદોડભર્યા યુગમાં ડાયાબિટીસ એક સાયલન્ટ કિલર તરીકે ઉભરી રહ્યો છે, પરંતુ તેનાથી બચવાનો એક અત્યંત રોચક અને સામાજિક ઉપાય તાજેતરમાં સામે આવ્યો છે. વિશ્વપ્રસિદ્ધ મેડિકલ જર્નલ 'ધ લેન્સેટ' માં પ્રકાશિત એક આશાસ્પદ અભ્યાસ અનુસાર, મિત્રોની સંગત તમને ડાયાબિટીસ જેવા ગંભીર રોગથી બચાવી શકે છે. ભારતના કેરળ રાજ્યમાં 30 થી 60 વર્ષની વયના 1,007 હાઈ-રિસ્ક (પ્રી-ડાયાબિટીક, જેમનું HbA1c સ્તર 5.6 થી 6 ની વચ્ચે હતું) લોકો પર સતત 9 વર્ષ સુધી એક અનોખું સંશોધન કરવામાં આવ્યું હતું. આ સંશોધનના પરિણામો દર્શાવે છે કે જે લોકોએ પોતાના મિત્રો સાથે મળીને તંદુરસ્ત જીવનશૈલી અપનાવી અને એકબીજાને પ્રેરિત કર્યા, તેમનામાં ડાયાબિટીસ થવાનું જોખમ માત્ર પુસ્તકો વાંચીને પોતાની રીતે સુધારો કરનારાઓ કરતાં નોંધપાત્ર રીતે ઓછું જોવા મળ્યું હતું.
આ લાંબાગાળાના પ્રયોગ દરમિયાન સહભાગીઓને બે અલગ-અલગ જૂથોમાં વહેંચવામાં આવ્યા હતા. પ્રથમ જૂથના લોકોને દર મહિને પોતાના મિત્રોને મળવા, સ્વાસ્થ્યના અનુભવો શેર કરવા અને સાથે મળીને કસરત કે ડાયેટ પ્લાન ફોલો કરવા માટે પ્રોત્સાહિત કરાયા, જ્યારે બીજા જૂથને માત્ર માર્ગદર્શન આપતું એક પુસ્તક આપીને લાઈફસ્ટાઈલ સુધારવા કહી દેવાયું હતું. 9 વર્ષના અંતે જ્યારે સંશોધનમાં બાકી રહેલા 841 લોકોના હેલ્થ રેકોર્ડ્સ અને HbA1c ટેસ્ટનું પુનરાવર્તન કરવામાં આવ્યું, ત્યારે પીઅર-સપોર્ટ એટલે કે મિત્રોના જૂથમાં ડાયાબિટીસના કેસો ઘણા ઓછા નોંધાયા હતા. ખાસ કરીને, મિત્રો સાથે સક્રિય રહેનારા લોકોમાં 'ફાસ્ટિંગ બ્લડ સુગર' (ભૂખ્યા પેટે રક્ત ખાંડ) નું સ્તર ઘણું નીચું રહ્યું હતું અને તેમનું આ રોગ થવાનું જોખમ 28% જેટલું ઘટી ગયું હોવાનું વૈજ્ઞાનિકોએ સ્પષ્ટ કર્યું હતું.
તબીબી નિષ્ણાતોના મતે, ભારતીય વસ્તીમાં ડાયાબિટીસના સચોટ મૂલ્યાંકન માટે HbA1c અને ફાસ્ટિંગ સુગર બંને ટેસ્ટ કરાવવા અત્યંત અનિવાર્ય છે, કારણ કે ભારતમાં એવા કરોડો લોકો છે જેમનું ભૂખ્યા પેટે સુગર નોર્મલ આવે છે પરંતુ જમ્યા પછી તે અચાનક જોખમી સ્તરે વધી જાય છે. દિલ્હીની હોસ્પિટલોના વરિષ્ઠ પ્રોફેસરો અને ડૉક્ટરોએ આ અભ્યાસને આવકારતા જણાવ્યું છે કે, ડાયાબિટીસ જેવી લાઈફસ્ટાઈલ બીમારીઓ સામે માત્ર દવાઓ પર આધાર રાખવાને બદલે 'પીઅર-સપોર્ટ લાઈફસ્ટાઈલ' એટલે કે મિત્રો અને સાથીદારોના સાથ-સહકારથી આદતો બદલવી એ સૌથી અસરકારક હથિયાર સાબિત થઈ શકે છે. મિત્રો સાથે હસવા-રમવાથી માનસિક તણાવ ઓછો થાય છે, જે પરોક્ષ રીતે બોડીમાં ઇન્સ્યુલિનના સ્તરને સંતુલિત રાખવામાં મદદ કરે છે અને આ ધીમી ગતિએ વધતા રોગને મૂળમાંથી ડામી દે છે.
(10:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
