તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 15th October 2026
ધ્રુવ રાઠીની મુશ્કેલી વધી :દિલ્હી સાકેત કોર્ટે જૂના કેસમાં ગુરુગ્રામ સરનામે સમન્સ આપવા જવાની મંજૂરી આપી
રાઠી સામે 20 લાખનો માનહાનિ કેસ અને અન્ય વિવાદો પણ પેન્ડિંગ:આગામી કાયદાકીય સુનાવણી હવે 17 ઓક્ટોબરે સાકેત કોર્ટમાં હાથ ધરાશે.

નવી દિલ્હી :જાણીતા યુટ્યુબર ધ્રુવ રાઠીની કાયદાકીય મુશ્કેલીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. દિલ્હીની સાકેત કોર્ટે વર્ષો જૂના એક કેસના સંદર્ભમાં સમન્સ જારી કરવાનો સ્પષ્ટ આદેશ આપ્યો છે, જેમાં રાઠીના ગુરુગ્રામ સ્થિત સરનામે નવેસરથી સમન્સ પહોંચાડવામાં આવશે. અદાલતે આ બાબતની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ફરિયાદીને સમન્સ બજાવવા જતાં કોર્ટ સ્ટાફ સાથે રૂબરૂ જવાની પરવાનગી પણ આપી છે, જેથી સમન્સ યોગ્ય રીતે પહોંચી શકે.
દિલ્હીની સાકેત કોર્ટમાં વિકાસ સાંસ્કૃત્યાયન ઉર્ફે વિકાસ પાંડે દ્વારા દાખલ કરવામાં આવેલી જૂની અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ કેસ લાંબા સમયથી પડતર હોવાથી કોર્ટે પ્રક્રિયા ઝડપી બનાવવા માટે નવો આદેશ કર્યો છે
અદાલતે નોંધ્યું હતું કે અગાઉ મોકલાયેલા નોટિસ અને સમન્સની યોગ્ય ડિલિવરી સુનિશ્ચિત કરવી જરૂરી છે. તેથી જ કોર્ટે ગુરુગ્રામ સેક્ટર-56 ખાતેના સરનામે નવેસરથી સમન્સ પાઠવવાનો નિર્દેશ આપ્યો છે.
આ કેસમાં કોર્ટે એક વિશેષ વ્યવસ્થા મંજૂર કરી છે. આદેશ અનુસાર સમન્સની પ્રક્રિયામાં ફરિયાદી પક્ષ પોતે સમન્સની તામીલ કરાવનારા કોર્ટ કર્મચારી સાથે જઈ શકશે.
આ નિર્ણય પાછળનો હેતુ એ છે કે સરનામું શોધવામાં કોઈ ટેકનિકલ અવરોધ ન આવે અને આરોપી પક્ષ સુધી કાયદાકીય દસ્તાવેજો સીધા પહોંચાડી શકાય. આ સમગ્ર મામલે હવે આગામી મહત્વની સુનાવણી 17 ઓક્ટોબરના રોજ નિર્ધારિત કરવામાં આવી છે.
ધ્રુવ રાઠી સામે આ પહેલો કાનૂની મામલો નથી. અગાઉ ભાજપ નેતા સુરેશ કરમશી નખુઆએ સાકેત કોર્ટમાં તેમની સામે 20 લાખ રૂપિયાનો માનહાનિનો દાવો દાખલ કરેલો છે.
નખુઆનો આરોપ છે કે જુલાઈ 2024 માં અપલોડ કરવામાં આવેલા એક વીડિયોમાં ધ્રુવ રાઠીએ તેમને 'હિંસક અને ગાળાગાળી કરતા ટ્રોલર' તરીકે સંબોધ્યા હતા. જુલાઈ 2024 માં જિલ્લા ન્યાયાધીશ ગુંજન ગુપ્તાની અદાલતે પણ રાઠીને આ કેસમાં સમન્સ અને નોટિસ જારી કર્યા હતા.
આ સિવાય ધાર્મિક લાગણી દુભાવવા સંબંધિત અન્ય એક ગંભીર ફરિયાદ પણ નોંધાયેલી છે. અમિત સચદેવ નામના ફરિયાદીએ આક્ષેપ કર્યો હતો કે રાઠીના એક વીડિયોમાં હિન્દુ દેવી-દેવતાઓ અને સનાતન ધર્મ પર વાંધાજનક ટિપ્પણીઓ કરવામાં આવી છે.
આ મામલામાં ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 196 અને 299 હેઠળ એફઆઈઆર (FIR) નોંધવાની માગ કરવામાં આવી છે, જે હાલ તપાસ હેઠળ છે.
ઉલ્લેખનીય છે કે તારીખ 10 ઓક્ટોબર 2026 ના રોજ દિલ્હીના જંતરમંતર ખાતે આયોજિત 'કોકરોચ જનતા પાર્ટી'ના પ્રદર્શનમાં ભાગ લેવા નીકળતાં પહેલાં દિલ્હી અને ગુરુગ્રામ પોલીસે સંયુક્ત કાર્યવાહી કરી હતી. પોલીસે રાઠીને તેમના ગુરુગ્રામ સેક્ટર-56 સ્થિત આવાસ પરથી કસ્ટડીમાં લીધા હતા અને આશરે 22 કલાકની અટકાયત બાદ તેમને મુક્ત કરવામાં આવ્યા હતા.
સાકેત કોર્ટ દ્વારા જારી કરાયેલા નવા સમન્સ અને ડિલિવરી માટે અપાયેલી ખાસ મંજૂરી બાદ હવે કાયદાકીય ગતિવિધિઓ તેજ બની છે. 17 ઓક્ટોબરના રોજ યોજાનારી આગામી સુનાવણી દરમિયાન અદાલત સમક્ષ શું વિગતો રજૂ થાય છે તેના પર કાનૂની અને સોશિયલ મીડિયા વર્તુળોનું ધ્યાન કેન્દ્રિત થયેલું છે.
(12:25 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
