<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th September 2026

રાજકારણમાં ધનરાજ નથવાણીનું પદાર્પણ : સમાજવાદી પાર્ટીએ ઉત્તર પ્રદેશથી રાજ્યસભાના ઉમેદવાર બનાવ્યા

સાંસદ પરિમલભાઈ નથવાણીના પુત્ર ધનરાજ નથવાણી જીતશે તો સંસદના ઉપલા ગૃહમાં પિતા-પુત્ર બંને એકસાથે પ્રતિનિધિત્વ કરવાનો રચશે ઈતિહાસ

જામનગર : ઉત્તર પ્રદેશની આગામી રાજ્યસભા ચૂંટણીને લઈને સમાજવાદી પાર્ટી દ્વારા ગુજરાત અને કોર્પોરેટ ક્ષેત્ર સાથે સીધું જોડાણ ધરાવતા ધનરાજ પરિમલભાઈ નથવાણીને પોતાના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. સપા દ્વારા ધનરાજ નથવાણીના નામની ઘોષણા કરવામાં આવતાં જ ઉત્તર પ્રદેશના રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે. તેઓ સપાના અન્ય ઉમેદવારો સાથે આગામી દિવસોમાં વિધિવત ઉમેદવારી ફોર્મ ભરશે. નોંધનીય છે કે, ઉત્તર પ્રદેશમાં રાજ્યસભાની ૧૦ બેઠકો માટે ૧૬ ઓક્ટોબરના રોજ મતદાન યોજાવાનું છે.

ધનરાજ નથવાણીના પિતા પરિમલભાઈ નથવાણી પણ હાલમાં સંસદના ઉપલા ગૃહમાં સક્રિય છે. રાજ્યસભાના સત્તાવાર રેકોર્ડ અનુસાર પરિમલભાઈ નથવાણી ૨૦૨૬થી ૨૦૩૨ના કાર્યકાળ માટે ઝારખંડ રાજ્યનું પ્રતિનિધિત્વ કરતા સ્વતંત્ર સાંસદ તરીકે સેવા આપી રહ્યા છે. જો ધનરાજ નથવાણી આ ચૂંટણીમાં વિજયી બનીને રાજ્યસભામાં પહોંચશે, તો ભારતીય સંસદના ઈતિહાસમાં એક જ સમયે પિતા અને પુત્ર બંને રાજ્યસભાના સભ્ય હોય તેવો એક દુર્લભ સંયોગ સર્જાશે.

રાજકીય પૃષ્ઠભૂમિ ઉપરાંત ધનરાજ નથવાણી અને તેમના પિતા કોર્પોરેટ તથા રમતગમત ક્ષેત્રે પણ મોટું નામ ધરાવે છે. ધનરાજ નથવાણી તેમજ પરિમલભાઈ નથવાણી બંને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ સાથે લાંબા સમયથી જોડાયેલા છે, જેમાં પરિમલભાઈ નથવાણી કંપનીના ડિરેક્ટર-કોર્પોરેટ અફેર્સ તરીકે જવાબદારી સંભાળે છે. આ સિવાય ધનરાજ નથવાણી રમતગમત ક્ષેત્રે પણ સક્રિય યોગદાન આપી ચૂક્યા છે અને તેમણે ગુજરાત ક્રિકેટ એસોસિએશન (GCA) માં મહત્વની જવાબદારીઓ નિભાવી છે.

(10:48 AM IST)