<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th October 2026

ધનરાજ નથવાણી રાજ્‍યસભામાં બિનહરીફ ચૂંટાઈ જશે

ભાજપના આઠ ઉમેદવારો અને સપાના રામ ગોપાલ યાદવ પણ બિનહરીફ થશે : યુપીની ૧૦ બેઠકો માટે ૧૦ ઉમેદવારોનાં ફોર્મ માન્‍યઃ અપક્ષના બે ઉમેદવારોનાં ફોર્મ્‍સ રદ કરાયા

લખનૌ તા.૮: ઉત્તરપ્રદેશમાંથી સમાજવાદી પાર્ટીમાંથી રાજ્‍યસભા માટે ઉમેદવારી પત્ર ભરનાર ધનરાજ પરિમલ નથવાણી બિનહરીફ ચૂંટાવા સજજ છે. નામાંકન પત્રોની ચકાસણી દરમિયાન ભાજપના આઠ અને સમાજવાદી પાર્ટી (સપા)ના બે ઉમેદવારોના ફોર્મ માન્‍ય થયા હતા. બે અપક્ષ ઉમેદવારોના ફોર્મ ચકાસણી દરમિયાન રદબાતલ ઠેરવવામાં આવ્‍યા હતા. જેના કારણે તમામ ૧૦ બેઠકો બિનહરીફ બનશે તે નક્કી થઈ ગયું છે. આમ હવે ૪૦ વર્ષીય ધનરાજ નથવાણી એક યુવા સાંસદ તરીકે પ્રથમ વખત રાજ્‍યસભામાં પ્રવેશ કરશે. મતદાન માટે ૧૬ ઓક્‍ટોબરની તારીખ નક્કી કરવામાં આવી હતી, પરંતુ વર્તમાન સમીકરણોને જોતાં અધિકારીઓનું કહેવું છે કે હવે મતદાનની જરૂર નહીં પડે. સપાના બે ઉમેદવારોમાં રિલાયન્‍સ ઈન્‍ડસ્‍ટ્રીઝ લિમિટેડના ગ્રૂપ પ્રેસીડન્‍ટ ધનરાજ પરિમલ નથવાણી અને સપાના વરિષ્ઠ નેતા રામ ગોપાલ યાદવ છે. ધનરાજ નથવાણીના પિતા પરિમલ નથવાણી હાલમાં રાજ્‍યસભામાંથી સાંસદ છે. આમ પિતા-પુત્રની જોડી રાજ્‍યસભામાં પહોંચી હોય તેવી આ પ્રથમ ઘટના હશે. ધનરાજ નથવાણી દ્વારકાધીશ મંદિર વહીવટી સમિતિના ઉપપ્રમુખ, ગુજરાત ક્રિકેટ એસોસિએશનના ઉપપ્રમુખ તેમજ જામનગર ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ પણ છે. તેમણે લંડનની રીજન્‍ટ ભિઝનેસ સ્‍કૂલમાંથી અભ્‍યાસ કર્યો છે.

 હવે ૧૦ બેઠકો માટે બરાબર ૧૦ માન્‍ય ઉમેદવારો જ બાકી રહ્યા હોવાથી, ૯ ઓક્‍ટોબરની મુદ્દત પહેલાં જો કોઈ ઉમેદવારી પાછી ખેંચવામાં નહીં આવે, તો તમામ ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવશે.

રિટર્નિગ ઓફિસર અજિત વર્માએ જણાવ્‍યું હતું કે ભાજપના આઠ અને સપાના બે ઉમેદવારોના ઉમેદવારી પત્રો માન્‍ય ગણાયા છે, જ્‍યારે કાંતે સ્‍થાના અને ઓમકાર નાથ ચૌરસિયાના ફોર્મ જરૂરી શરતો પૂરી ન કરવાને કારણે રદ કરવામાં આવ્‍યા હતા. ઉત્તર પ્રદેશમાંથી રાજ્‍યસભાના ૧૦ સભ્‍યોની મુદત ૨૫ નવેમ્‍બરે પૂરી થઈ રહી છે, જેના કારણે ઉપલા ગૃહ માટે આ દ્વિવર્ષીય ચૂંટણી યોજવી જરૂરી બની હતી. ભાજપના ઉમેદવારોમાં ઉત્તરપ્રદેશના મંત્રી ધરમપાલ સિહ, પાર્ટીના ઓબીસી મોરચાના પ્રમુખ પ્રકાશ પાલ, યુતિ ગંગવાર, વિદ્યા સાગર સોનકર, પ્રિયંકા રાવત, રાધાકાંત ઓઝા, ગોપી કૃષ્‍ણ પડિ અને રામ પ્રતાપ સિહ ચૌહાણનો સમાવેશ થાય છે. તમામ ૧૦ બેઠકો પર ચૂંટણી યોજાય, ત્‍યારે ઉત્તર પ્રદેશમાંથી રાજ્‍યસભાની ચૂંટણીમાં એક બેઠક જીતવા માટે ઉમેદવારને ધારાસભ્‍યોના ઓછામાં ઓછા ૩૭ પ્રથમ પસંદગીના મતોની જરૂર હોય છે.

ભાજપના આઠ ઉમેદવારોમાં બે મહિલાઓ સામેલ છે અને તેઓ વિવિધ જાતિ જૂથો તથા વિસ્‍તારોનું પ્રતિનિધિત્‍વ કરે છે. ૨૦૨૭ની ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીના થોડા મહિનાઓ પહેલા જ આ ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે.

(10:29 AM IST)