તા. ૯ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૧૦ ગુરૂવાર
News of Sunday, 19th April 2026
ધંધુકા: ધર્મેશ ગમારા હત્યાકાંડ: ૧૨૫ના હિંસક ટોળા સામે રાયોટિંગનો ગુનો દાખલ: ૨૫ની ધરપકડ, પીએસઆઈ ખુદ ફરિયાદી બન્યા
એસઆઈટીની રચના અને ગુનેગારોના ગેરકાયદે દબાણો પર ચાલશે બુલડોઝર; પોલીસનો લોખંડી બંદોબસ્ત: બાઈક ઓવરટેક કરવા જેવી નજીવી બાબતે હત્યા: ભારેલા અગ્નિ જેવી સ્થિતિ: નાકાબંધી: કોમ્બિંગ: ઘરે ઘરે તલાશી: સાઇબર ટીમ પણ સાબદી

અમદાવાદ: જિલ્લાના ધંધુકામાં બાઈક ઓવરટેક કરવા જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવકની ઘાતકી હત્યા બાદ ફાટી નીકળેલી હિંસા મામલે પોલીસ એક્શન મોડમાં આવી છે. ૧૨૫ લોકો સામે રાયોટિંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને ૨૫ જેટલા શખ્સોની અટકાયત કરવામાં આવી છે. સમગ્ર કેસની તપાસ માટે 'એસઆઈટી'ની રચના કરવામાં આવી છે અને શહેરમાંથી અસામાજિક તત્વોના ગેરકાયદે દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
વિગતવાર જોઈએ તો અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરમાં નજીવી બાબતે થયેલી ધર્મેશ ગમારાની કરપીણ હત્યાના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. શનિવારે મોડી રાત્રે યુવકના અંતિમ સંસ્કાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કરવામાં આવ્યા હતા, પરંતુ સમગ્ર પંથકમાં હજુ પણ ભારેલા અગ્નિ જેવી સ્થિતિ પ્રવર્તી રહી છે. આ મામલે અમદાવાદ ગ્રામ્ય પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા અત્યંત કડક પગલાં લેવાની જાહેરાત કરવામાં આવી છે.
હત્યાની ઘટના બાદ ઉશ્કેરાયેલા ટોળાએ શહેરની નસીબ સોસાયટી અને અન્ય વિસ્તારોમાં તોડફોડ તેમજ આગચંપી કરી હતી. અંદાજે ૧૦૦ થી ૧૨૫ લોકોના હિંસક ટોળાએ હોટેલો, દુકાનો અને વાહનોને નિશાન બનાવ્યા હતા. આ મામલે પીએસઆઈ હર્ષરાજસિંહ ઝાલાએ પોતે ફરિયાદી બનીને રાયોટિંગનો ગુનો દાખલ કરાવ્યો છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ૨૫ લોકોની અટકાયત કરી છે અને અન્યની શોધખોળ ચાલુ છે.
અમદાવાદ ગ્રામ્ય એસપી ઓમ પ્રકાશ જાટે પીડિત પરિવારની મુલાકાત લીધી હતી અને ખાતરી આપી હતી કે આ કેસની તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ એટલે કે 'એસઆઈટી'ની રચના કરવામાં આવી છે. આ ઉપરાંત, કેસ ચલાવવા માટે સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટરની પણ નિમણૂક કરવામાં આવશે જેથી ગુનેગારોને કડકમાં કડક સજા અપાવી શકાય.
પોલીસ વડાએ વધુમાં જણાવ્યું હતું કે શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે અસામાજિક તત્વોનો સફાયો કરવામાં આવશે. જે લોકો ગુનાહિત પ્રવૃત્તિઓમાં સામેલ છે તેમના ગેરકાયદે બાંધકામો અને દબાણોનો સર્વે કરી તેને તોડી પાડવાની સૂચના આપી દેવામાં આવી છે. આ માટે નગરપાલિકા અને અન્ય સરકારી વિભાગો સાથે સંકલન સાધીને નોટિસો ફટકારવાની પ્રક્રિયા શરૂ કરી દેવાઈ છે.
ધંધુકામાં શાંતિ જાળવવા માટે રેન્જ આઈજી અને એસપી સહિત ૨૦૦ થી વધુ પોલીસકર્મીઓ તૈનાત છે. એસઆરપીની હથિયારબંધ ટુકડીઓ અને એલસીબી-એસઓજીની ટીમ દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં 'કોમ્બિંગ' હાથ ધરવામાં આવ્યું હતું.
ગઈકાલે રાત્રે પોલીસે ઘરે-ઘરે જઈને ચેકિંગ કર્યું હતું જેમાં કેટલાક તીક્ષ્ણ હથિયારો પણ મળી આવ્યા છે. હાલમાં શહેરના તમામ પ્રવેશ અને નિકાસ માર્ગો પર નાકાબંધી કરવામાં આવી છે અને સોશિયલ મીડિયા પર અફવા ફેલાવનારાઓ પર સાયબર ટીમ નજર રાખી રહી છે.
૩૦ વર્ષીય ધર્મેશ ગમારા અને આરોપી સમીર વચ્ચે બાઈક ઓવરટેક કરવા બાબતે બોલાચાલી થઈ હતી. આ સામાન્ય ઝઘડો ઉગ્ર બનતા રિઝવાન નામના શખ્સે ધર્મેશ પર છરી વડે હુમલો કર્યો હતો, જેમાં ધર્મેશનું મોત નીપજ્યું હતું. આ ઘટના બાદ બે કોમ વચ્ચે તણાવ સર્જાયો હતો અને પથ્થરમારાની અને આગજનીની ઘટનાઓ પણ બની હતી. હાલમાં મુખ્ય આરોપી રિઝવાન અને સમીરની અટકાયત કરી લેવામાં આવી છે અને પૂછપરછ ચાલુ છે.
(12:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
