તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 5th September 2026
બંગાળમાં બાગેશ્વર બાબાની હનુમાન કથાનો ભક્તિમય ગુંજારવઃ મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ બ્રિગેડમાં દસ લાખની ધર્મસભાનું આપ્યું ખુલ્લું આમંત્રણ, રાજકારણ પણ ગરમાયું
મમતા યુગની મનાઈનો અંતઃ લિલુઆમાં બાગેશ્વર બાબાનું આગમન, શુભેન્દુએ બંગાળમાં કેન્દ્ર સ્થાપવા માટે કર્યું ભાવભર્યું આહ્વાન, સનાતન ચેતના ફરી જાગી

હાવડા, તા. ૫ : હાવડાના લિલુઆમાં ત્રણ દિવસીય હનુમાન કથા દરમિયાન મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીને બંગાળમાં કેન્દ્ર સ્થાપવા અને વિશાળ ધર્મસભા યોજવા આમંત્રણ આપ્યું.
પશ્ચિમ બંગાળના હાવડા જિલ્લાના લિલુઆ રેલવે વર્કશોપ મેદાનમાં બાગેશ્વર ધામના પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની ત્રણ દિવસીય શ્રી હનુમંત કથાનો ભક્તિમય માહોલમાં પ્રારંભ થયો છે. તા. ૪થી ૬ સપ્ટેમ્બર સુધી ચાલનારા કાર્યક્રમના પ્રથમ દિવસે ગઈકાલે મોટી સંખ્યામાં ભાવિકો ઊમટ્યા હતા. મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ કથા મંચ પર પહોંચીને શાસ્ત્રીનું સ્વાગત કર્યું હતું અને તેમના આશીર્વાદ લીધા હતા.
શુભેન્દુ અધિકારીએ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીને પશ્ચિમ બંગાળમાં બાગેશ્વર ધામનું કેન્દ્ર સ્થાપવા માટે આમંત્રણ આપ્યું હતું. તેમણે આગામી દિવસોમાં કોલકાતાના બ્રિગેડ મેદાનમાં અંદાજે દસ લાખ લોકોની ઉપસ્થિતિ સાથે વિશાળ ધર્મસભા યોજવાની વાત પણ કરી હતી. બાગેશ્વર ધામ દ્વારા રાજ્યમાં સેવાકીય પ્રવૃત્તિઓ શરૂ કરવામાં આવે તો સરકાર તમામ જરૂરી સહયોગ આપશે તેવી ખાતરી તેમણે આપી હતી.
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે અગાઉની તૃણમૂલ કોંગ્રેસ સરકારના સમયમાં બાગેશ્વર બાબાને બ્રિગેડ મેદાનમાં ધાર્મિક કાર્યક્રમ યોજવામાં અવરોધ આવ્યો હતો. હવે રાજ્યમાં સનાતન ધર્મની કથા અને ધાર્મિક કાર્યક્રમો યોજવામાં કોઈ મુશ્કેલી નહીં પડે તેવો દાવો તેમણે કર્યો હતો. સમાન નાગરિક સંહિતા લાગુ કરવાની દિશામાં રાજ્ય સરકારે પંચની રચના કરી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
અધિકારીએ શાસ્ત્રીને ફૂલ, મીઠાઈ અને ગદા અર્પણ કરી હતી તથા તેમની સાથે હનુમાન ચાલીસાનું પઠન કર્યું હતું. કાર્યક્રમમાં રાજ્યના પુર અને નગર વિકાસ વિભાગના રાજ્યમંત્રી ઉમેશ રાય, બાલીના ભાજપ ધારાસભ્ય સંજય સિંહ સહિત અનેક આગેવાનો અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા.
(9:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
