News of Friday, 31st July 2026
મોગરીના અનુપમ મિશન ખાતે સંતભગવંત સાહેબજીના દિવ્ય સાંનિધ્યમાં ગુરુપૂર્ણિમા ઉત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરાઈ
યુરોપના પ્રથમ ૐ ક્રેમેટોરિયમ જેવા ઐતિહાસિક કાર્ય અને દિવ્ય ધર્મયાત્રા પૂર્ણ કરી પધારેલા ગુરુહરિના દર્શન - આશીર્વાદ માટે દેશ-વિદેશથી હજારો હરિભક્તો ઉમટ્યા

મોગરી:તપોભૂમિ બ્રહ્મજ્યોતિ, અનુપમ મિશન મોગરી ખાતે અષાઢ સુદ પૂનમના પાવન પર્વે સંતભગવંત સાહેબજીના દિવ્ય સાંનિધ્યમાં ગુરુપૂર્ણિમા મહોત્સવ અત્યંત ભાવુક અને અલૌકિક વાતાવરણમાં ઉજવવામાં આવ્યો હતો. ઇંગ્લેન્ડની ધર્મયાત્રા અને યુરોપના સર્વપ્રથમ ૐ ક્રેમેટોરિયમ જેવા ઐતિહાસિક કાર્યને સફળતાપૂર્વક પૂર્ણ કરી પરત પધારેલા ગુરુહરિના દર્શન તથા આશીર્વચનનો લાભ લેવા દેશ-વિદેશમાંથી મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.
યોગી પ્રસાદના વિશાળ સભાગૃહમાં આયોજિત આ ઉત્સવનો પ્રારંભ મનોહર કીર્તન ભક્તિથી થયો હતો. જ્ઞાનયજ્ઞ વિદ્યાલયના એન.સી.સી. કેડેટ્સે શાનદાર બેન્ડ સુરાવલીઓ વચ્ચે સંતભગવંત સાહેબજીનું ભવ્ય સ્વાગત કર્યું હતું. સમગ્ર મંડપ ગુરુભક્તિ, કૃતજ્ઞતા અને આધ્યાત્મિક આનંદથી ગુંજી ઊઠ્યો હતો.
આ પ્રસંગે અનુપમ મિશનના દેશ-વિદેશના સંતો અને અક્ષરમુક્તો વતી પૂજ્ય પંકજદાસજીએ સંતભગવંત સાહેબજી તથા સદગુરુ સંતોનું ભાવપૂજન કર્યું હતું. જ્યારે પૂજ્ય રમેશદાસજી (દયાળુ) અને પૂજ્ય રમેશદાસજી (ઝા)એ પુષ્પહાર અર્પણ કરી ગુરુવંદના કરી હતી. સભાનું સંચાલન કરતાં પૂજ્ય પીટરદાસજીએ ગુરુપૂર્ણિમાના આધ્યાત્મિક મહિમાનું વર્ણન કરી સ્વરચિત પ્રાર્થના રજૂ કરી હતી. ત્યારબાદ પૂજ્ય ઉત્પલદાસજીએ ભાવપૂર્ણ ગુરુમહિમા ગાન કર્યું હતું.
સદગુરુ પૂજ્ય રતિકાકાએ આશીર્વચન પાઠવતાં ગુરુ-શિષ્યના પવિત્ર સંબંધ, ગુરુભક્તિ અને સત્સંગજીવનના મૂલ્યોને દૃઢ બનાવવાનો સુંદર સંદેશ આપ્યો હતો.
પોતાના દિવ્ય આશીર્વચનમાં સંતભગવંત સાહેબજીએ ઘર અને દેહને મંદિર બનાવવા માટે સંપ, સુહૃદભાવ, એકતા અને આત્મીયતાથી સેવા તથા પરસ્પર પ્રેમપૂર્વક જીવન જીવવાનું આહ્વાન કર્યું હતું. તેમણે શરીરબળ, મનોબળ, આત્મબળ અને હરિબળ દૃઢ કરીને ભક્તિમય જીવન જીવવાની પ્રેરણા આપી સૌ ભક્તોના સુખ, શાંતિ, રક્ષણ અને કલ્યાણ માટે શ્રી પ્રભુચરણ તથા ગુરુચરણમાં પ્રાર્થના કરી હતી. કાર્યક્રમના અંતમાં તમામ સંતો અને હરિભક્તોએ સંતભગવંત સાહેબજીના શ્રીચરણોમાં પુષ્પો તથા ગુરુદક્ષિણા સમર્પિત કરી ગુરુપૂજનનો લાભ લીધો હતો.
(4:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
