<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 28th May 2026

ગાંધીનગર જિલ્લાની ૨ વિધાનસભામાં ટૂંક સમયમાં રૂ.૧૨૦૦ કરોડના વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહર્ત થયા: અમિતભાઈ શાહ

૧૨ વર્ષના સેવાકાળ દરમ્યાન ગુજરાતના વિકાસ મોડલને મોદીજીએ કાશ્મીરથી કન્યાકુમારી અને ગંગાસાગરથી સોમનાથ સુધી પહોંચાડવાનું કાર્ય કર્યું હોવાનું જણાવતા અમિતભાઈ શાહ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રાષ્ટ્રપુરુષોના ત્યાગ, તપસ્યા અને બલિદાનને દેશવાસીઓ સમક્ષ ઉજાગર કર્યા હોવાનું જણાવતા ભૂપેન્દ્રભાઈ પટેલ

 ગાંધીનગર લોકસભા ભાજપા મીડિયા વિભાગની યાદીમાં જણાવ્યા પ્રમાણે ગાંધીનગર લોકસભા ક્ષેત્રના સાંસદ અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકારિતા મંત્રી અમિતભાઈ શાહની અધ્યક્ષતામાં તેમજ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં સોનીપુર ગામ ખાતેના તળાવનું ખાતમુહર્ત તેમજ કલોલ અને ગાંધીનગર ઉત્તર વિધાનસભાના વિવિધ કામોનો લોકાર્પણ કાર્યક્રમ યોજાઇ ગયો હતો.

 અમિતભાઈ શાહે સંબોધન કરતા જણાવ્યું હતું કે, ટૂંક સમય પહેલા જ કલોલ તેમજ ગાંધીનગરમાં રૂ.૯૦૦ કરોડના કાર્યોનું લોકાર્પણ તેમજ ખાતમુહર્ત થયું હતું આજે થોડાક દિવસની અંદર જે રૂ.૩૪૦ કરોડના અન્ય વિવિધ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહર્ત થયા છે. અર્થાત્ કુલ મળીને ગાંધીનગર જિલ્લાની ૨ વિધાનસભામાં રૂ.૧૨૦૦ કરોડના લોકાર્પણ અને ખાતમુહર્ત થયા છે અને તેનો સંપૂર્ણ જશ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને જાય છે. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીએ વિકાસનો જે ચીલો ચાતર્યો તેમાં કરોડો રૂપિયાની કોઈ મોટી વાત જ નથી રહી. તેઓએ કહ્યું કે દરેક ગામ આત્મનિર્ભર અને સુવિધાયુક્ત હોવું જોઈએ અને દરેક વ્યક્તિને સારું જીવન જીવવાનો અધિકાર મળવો જોઈએ તે મોદીજીના નેતૃત્વ હેઠળની ભાજપા સરકારે સુનિશ્ચિત કર્યું છે. ગામની અંદર શાળા, શાળામાં શિક્ષક, આરોગ્ય, સ્વચ્છતાની સાથે સાથે આવનાર સમયની અંદર ગાંધીનગર લોકસભાની બંને વિધાનસભાઓમાં દરેક ગામની અંદર બગીચો તેમજ તળાવ પણ નિર્માણ પામી જશે તેવો વિશ્વાસ પણ શાહે વ્યક્ત કર્યો હતો. દરેક ગામમાં લાઇબ્રેરીના નિર્માણથી ગામના યુવાનોને ખોટી આદતોથી બચાવી અને વાંચનથી વ્યક્તિત્વના વિકાસની દિશામાં પરિવર્તિત કરશે. ગામના નાગરિકો અને બાળકોના વાંચન માટે ગાંધીનગરની મેગા લાઇબ્રેરી સાથે જોડાણ કરવામાં આવશે અને પુસ્તકો ગામ સુધી પહોંચાડાશે જેથી કોઈપણ વ્યક્તિ પુસ્તક સરળતાથી ગામની અંદર જ વાંચી શકશે. વ્યક્તિત્વના વિકાસ માટે રમતગમત, વાંચન અને ગામમાં સુંદર સ્થાન મહત્વનું સાર્થક સાબિત થાય છે. ગામમાં સ્વચ્છતા, વુક્ષારોપણ, બગીચા તેમજ તળાવ નિર્માણની તમામ દિશામાં રાજ્યની ભાજપા સરકારે સમાંતર કાર્ય કર્યું છે.
 શાહે વીર સાવરકરજીની જન્મજયંતી નિમિતે વંદન કરી કહ્યું કે, વીર સાવરકરજી જેવા રાષ્ટ્રભક્તને સરકારના સન્માનની જરૂર નહોતી, દેશપ્રેમ જ તેમનું સૌથી મોટું ગૌરવ હતું. આજે સમગ્ર દેશનો વ્યક્તિ વિનાયક દામોદર સાવરકરજી કહીને નહીં બલ્કે “વીર સાવરકરજી” કહીને યાદ કરે છે. વીર સાવરકરજીએ અંગ્રેજોના શાસનમાંથી ભારત માતાને આઝાદ કરવા માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધું. આઝાદીના આંદોલનમાં સમગ્ર દેશમાં એક માત્ર સૈનિક અને નેતા એવા હતા જેમને એક જન્મમાં ૨ જન્મટિપની સજા મળી હતી. અંગ્રેજો ૧૮૫૭ સંગ્રામને વિદ્રોહ બતાવતા હતા તે સમયે વીર સાવરકરજીએ “૧૮૫૭ સ્વાતંત્ર્ય સંગ્રામ” નામનું પુસ્તક લખ્યું હતું. વિશ્વનું એકમાત્ર એવું પુસ્તક કે જેને પ્રકાશિત થતા પહેલા જ અંગ્રેજોએ ડરીને પ્રતિબંધ લગાવ્યો હતો. દેશ પ્રત્યેના આ ઝૂનુન અને દેશપ્રેમના કારણે જ દેશ અંગ્રેજોના કુશાસનમાંથી મુક્ત થયો. કાળા પાણીની સજા દરમ્યાન પથ્થરની દીવાલો ઉપર પોતાના રક્તથી માં ભારતીની સ્વતંત્રતાની કવિતા લખવાનું કાર્ય વીર સાવરકરજીએ કર્યું હતું. આપણી ભાષાને સંપૂર્ણ બનાવવાની સાથે સાથે ભાષાઓની મહત્તાનું ઉદ્ધોષણ, દલિત સમાજ માટે પતિત પાવન મંદિર એ જમાનામાં બનાવવાનું કાર્ય વીર સાવરકરજીએ કર્યું હતું.
શાહે વધુમાં જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી મોદીજીએ વિકાસની યાત્રા ગુજરાતથી શરૂ કરી અને આજે ૧૨ વર્ષના શાસન દરમ્યાન ગુજરાતના વિકાસ મોડલને મોદીજીએ કાશ્મીરથી કન્યાકુમારી અને ગંગાસાગરથી સોમનાથ સુધી પહોંચાડવાનું કાર્ય કર્યું છે. જેના પરિણામે દેશના ૮૦ ટકા ભૂભાગ ઉપર ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને હમણાં જ બંગાળના પરિણામોએ દીદીના સૂપડા સાફ કરી દીધા છે. માં ગંગાના સમગ્ર પટ ઉપર ભાજપાનો ભગવો લહેરાવાનું કાર્ય દેશના લોકપ્રિય નેતા મોદીજી અને ભાજપા એ કર્યું છે. બંગાળમાં થતી ઘુસણખોરીને અટકાવવા માટે ભાજપાની સરકારે કહ્યું હતું કે બાંગ્લાદેશની બોર્ડર પર ફેન્સિંગ કરવાનું કાર્ય કરીશું અને બંગાળના મુખ્યમંત્રી શુભેંદુ અધિકારીજીએ માત્ર ૭ દિવસમાં જ ૬૦૦ હેકટર ભૂમિને BSF ના હાથમાં સોંપવાનું કાર્ય કર્યું. પહેલા મમતાના રાજમાં ઘૂસણખોરો ઘુસતા હતા અને આજે ભાજપાની સરકારના રાજમાં ઘુસણખોરો આપોઆપ બંગાળ છોડીને જવા લાગ્યા છે. બંગાળ ભાજપ સરકારે ડિટેન્શન સેન્ટર બનાવ્યા છે પરંતુ જે લોકો જ્યાંથી આવ્યા છે ત્યા પરત ફરશે તો બંગાળ સરકાર કેસ નહીં કરે વધુમાં સરકાર તેમની સહાયતા કરશે. ભાજપ સરકારનો સંકલ્પ છે કે, દેશભરમાંથી એક એક ઘુસણખોરોને દેશની બહાર કરવામાં આવશે.
શાહે વધુમાં જણાવ્યું કે,પ્રધાનમંત્રી મોદીજીએ “ડેમોગ્રાફિક ચેન્જ કમિટી” બનાવાનો નિર્ણય કર્યો છે. આ કમિટી જન સંખ્યાના કૃત્રિમ બદલાવના કારણો અને ઉપાયોની ચિંતા કરશે સાથે સાથે તે માટે કોઈ અધિનિયમ કે કાયદો બનાવવો જરૂરી જણાય તો તે માટે પણ ચિંતા આ કમિટી કરશે. મોદીજીના નેતૃત્વમાં સમગ્ર દેશનો વિકાસ અવિરત અને બહુમુખી પ્રગતિનો માર્ગ પ્રશસ્ત થઈ રહ્યો છે. ગુજરાતમાં નરેન્દ્રભાઈ અને ભુપેન્દ્રભાઈની જોડીએ ૩૦ વર્ષ પહેલા શરૂ કરેલું અભિયાન આજે અંત સુધી પહોંચ્યું છે. ગાંધીનગર લોકસભા ક્ષેત્ર દેશના સૌથી વિકસિત લોકસભા ક્ષેત્રમાંથી એક બનશે તેવો શ્રી શાહે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. અંતે શાહે રૂ.૩૪૦ કરોડના ૮૪ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહર્ત થયા તે બદલ ગુજરાત સરકાર તેમજ સરકારી તંત્રનો ક્ષેત્રના સાંસદ સભ્ય તરીકે આભાર વ્યક્ત કર્યો હતો. ગાંધીનગર ઉત્તર અને કલોલ વિધાનસભાના તમામ મતદાતાઓને કુલ રૂ.૧૨૦૦ કરોડના વિકાસ કાર્યોની ભેટ બદલ અભિનંદન પાઠવ્યા હતા.
આ પ્રસંગે ભૂપેન્દ્રભાઈ પટેલે શ્રી વીર સાવરકરજીની જન્મ જયંતી નિમિત્તે વંદન કરી સંબોધન કરતા જણાવ્યું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીએ રાષ્ટ્રપુરુષોના ત્યાગ, તપસ્યા અને બલિદાનને દેશવાસીઓ સમક્ષ ઉજાગર કર્યા છે. એવા જ એક પ્રખર રાષ્ટ્રપુરુષ વીર સાવરકરજી હતા. સાવરકરજીએ કહ્યું હતું કે, “માતૃભૂમિ તારા વિના જીવન મૃત્યુ સમાન છે, તારા માટે મૃત્યુ એ જ મારા માટે જીવનનું લક્ષ્ય છે.”   અને આ વાક્યને શ્રી અમિતભાઈ શાહે વિદ્યાર્થીકાળથી જ જીવનમંત્ર બનાવ્યો છે. હવેનો સમય દેશ માટે જીવી જાણવા માટેનો છે. અમિતભાઇ શાહે દેશમાંથી નક્શલવાદને નેસ્ત નાબૂદ કરીને તેમજ કલમ ૩૭૦ હટાવીને રાષ્ટ્ર માટે સમર્પિત ભાવનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. શ્રી શાહજીએ સંનિષ્ઠ લોકપ્રતિનિધિ તરીકે ગાંધીનગર સંસદીય મતવિસ્તારનો દેશનો સૌથી વિકસિત મતવિસ્તાર બનાવવાનો હરહંમેશ ધ્યેય રાખ્યો છે. પર્યાવરણ, શિક્ષણ, આરોગ્ય, રોડ નેટવર્ક, નાગરિકોની સુખાકારીના કામો સહિતની સેવાઓને વધુ વિસ્તારતા જઈને આ મતક્ષેત્રોનો સર્વાંગી વિકાસ કરવા શાહ પ્રતિબદ્ધ છે. મળી રહેલા વિકાસ કાર્યોથી ગામના લોકોનું ઈઝ ઓફ લિવિંગ વધશે. ડબલ એન્જિન સરકારની ધ્યેય માત્ર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભો કરવાનું નહીં બલ્કે લોકોના જીવનને વધુ સુવિધાસભર, સુખારીપૂર્ણ અને સમૃદ્ધ બનાવવાનું છે.
આ કાર્યક્રમમાં ધારાસભ્યશ્રીઓ શ્રીમતી રિટાબેન પટેલ,અલ્પેશજી ઠાકોર,જિલ્લા ભાજપ અધ્યક્ષ અનિલભાઈ પટેલ, જી.પંચાયત અધ્યક્ષ રાજુભાઈ પટેલ, જિલ્લા ભાજપા પ્રભારી રમેશભાઈ સોલંકી, કિર્લોસ્કર લી.ના અધ્યક્ષ શ્રીમતી ગીતાંજલિ વિક્રમ કિલોસ્કરજી, અરવિંદ લી. અધ્યક્ષ પુનિત લાલભાઈજી, સહિત પ્રદેશના પદાધિકારીઓ, હોદ્દેદારઓ તેમજ વિશાળ સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

(7:36 PM IST)