News of Monday, 27th July 2026
વેનેઝુએલામાં આવેલા વિનાશક ભૂકંપને કારણે 60 સેન્ટીમીટર સુધી જમીન ખસી ગઈ :NASA-ISRO સેટેલાઇટનો મોટો દાવો
વઆ ગંભીર હોનારત પાછળ કૈરેબિયન અને દક્ષિણ અમેરિકન પ્લેટો વચ્ચેનો ઘર્ષણ જવાબદાર: સેન સેબેસ્ટિયન અને બોકોનો ફોલ્ટ સિસ્ટમમાં વર્ષોથી એકઠું થયેલું તણાવ અચાનક મુક્ત થતાં આ ભૂકંપ આવ્યો

અમેરિકી સ્પેસ એજન્સી નાસા (NASA) અને ભારતીય સ્પેસ એજન્સી ઇસરો (ISRO) ના સંયુક્ત સેટેલાઇટ 'નિસાર' (NISAR) ના ડેટાએ એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. જૂન મહિનામાં વેનેઝુએલામાં આવેલા વિનાશક ભૂકંપને કારણે કારાકાસ અને લા ગુએરા શહેરમાં જમીન 60 સેન્ટીમીટર (2 ફીટ) સુધી ખસી ગઈ છે. આ પ્રથમ વખત છે જ્યારે આટલી મોટી આપત્તિમાં નિસાર સેટેલાઇટની 'અર્જન્ટ રિસ્પોન્સ' પ્રણાલીનો વ્યાપક ઉપયોગ કરીને રાહત કામગીરીને વેગ આપવામાં આવ્યો છે.
વૈજ્ઞાનિકોએ 13 અને 18 જૂનની તસવીરોની સરખામણી 25 અને 30 જૂનની તસવીરો સાથે કરીને આ મોટો ફેરફાર નોંધ્યો છે. 24 જૂને આવેલા ભૂકંપ બાદ જમીનમાં થયેલી હલચલ નિસારની રડાર ઇન્ટરફેરોમેટ્રી ટેકનોલોજી દ્વારા પકડાઈ હતી. આ ખાસ ટેકનોલોજી સેટેલાઇટ અને પૃથ્વી વચ્ચેના અંતરમાં થતા સૂક્ષ્મ ફેરફારોને પણ ચોક્કસાઈથી માપી લે છે. ભૂકંપ સ્ટ્રાઈક-સ્લિપ ફોલ્ટ પર આવવાના કારણે મુખ્યત્વે પૂર્વ-પશ્ચિમ દિશામાં આ ફેરફાર જોવા મળ્યો હતો.
આ ગંભીર હોનારત પાછળ કૈરેબિયન અને દક્ષિણ અમેરિકન પ્લેટો વચ્ચેનો ઘર્ષણ જવાબદાર છે. સેન સેબેસ્ટિયન અને બોકોનો ફોલ્ટ સિસ્ટમમાં વર્ષોથી એકઠું થયેલું તણાવ અચાનક મુક્ત થતાં આ ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપની તિરાડ પહેલા સમુદ્ર તરફ ગઈ અને પછી કારાકાસના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ નજીક જમીન પર પાછી આવી હતી. એરપોર્ટના દક્ષિણ ભાગમાં સૌથી વધુ 60 સેમીનો ફેરફાર નોંધાયો હતો, જેના કારણે ત્યાં ભારે નુકસાન થયું છે.
નિસાર સેટેલાઇટ પૃથ્વીને 40 ડિગ્રીના ખૂણેથી જુએ છે અને તે આડા તથા ઊભા બંને પ્રકારના બદલાવોને રજૂ કરી શકે છે. આ સેટેલાઇટે માત્ર 12 થી 24 કલાકના ટૂંકા સમયમાં સચોટ નકશો તૈયાર કરીને રાહત અને બચાવ ટીમોને સોંપી દીધો હતો. ઇમરજન્સી ડેટા માત્ર 1 થી 2 દિવસમાં પ્રોસેસ થઈ જવાથી યુએસ જીઓલોજિકલ સરવે (USGS) જેવી સંસ્થાઓને ભૂકંપના વર્તનને સમજવામાં અને ભવિષ્યની યોજનાઓ બનાવવામાં મોટી મદદ મળી છે.
(1:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
