<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 25th June 2026

વેનેઝુએલામાં વિનાશક ભૂકંપ: ૩૨ લોકોના મોત, ૭૦૦ ઘાયલ અને ડઝનબંધ ઈમારતો ધરાશાયી: વચગાળાના રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્ઝની જાહેરાત: ૨૦ થી વધુ આફ્ટરશોક: કારાકાસ સિવાય મિરાન્ડા, લા ગુઆરા, અરાગુઆ, કારાબોબો અને ફાલ્કન પ્રાંતમાં સૌથી વધુ વિનાશ: દેશમાં કટોકટી જાહેર

કારાકાસ: સવારે ૧૧ વાગે: વેનેઝુએલામાં ૭.૨ અને ૭.૫ની તીવ્રતાના બે શક્તિશાળી ભૂકંપ આવ્યા છે. આ ભયાનક કુદરતી હોનારતમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા ૩૨ લોકોના મોત નીપજ્યા છે અને ૭૦૦થી વધુ લોકો ઘાયલ થયા છે. વચગાળાના રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્ઝે આ ગંભીર પરિસ્થિતિને જોતા દેશમાં કટોકટી (સ્ટેટ ઓફ ઈમરજન્સી) જાહેર કરી છે.

આ ભૂકંપને કારણે રાજધાની કારાકાસ સહિત અનેક વિસ્તારોમાં ડઝનબંધ ઈમારતો પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગઈ છે. કારાકાસના મુખ્ય એરપોર્ટને ભારે નુકસાન થતાં તેને તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત, સલામતીના ભાગરૂપે મેટ્રો અને ટ્રેન સેવાઓ પણ અટકાવી દેવામાં આવી છે. કારાકાસ સિવાય મિરાન્ડા, લા ગુઆરા, અરાગુઆ, કારાબોબો અને ફાલ્કન પ્રાંતમાં સૌથી વધુ વિનાશ જોવા મળ્યો છે.

મુખ્ય આંચકાઓ બાદ ૨૦થી વધુ આફ્ટરશોક્સ અનુભવાયા હતા, જેનાથી ગભરાઈને લોકો પોતાના ઘરોની બહાર રસ્તાઓ પર આવી ગયા હતા. હાલમાં ધરાશાયી થયેલી ઈમારતોના કાટમાળ નીચે ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે સ્થાનિક પ્રશાસન અને લશ્કર દ્વારા રાતભર બચાવ કામગીરી ચલાવવામાં આવી રહી છે. આ મુશ્કેલ સમયમાં અમેરિકા, અલ સાલ્વાડોર અને એક્વાડોર સહિતના દેશોએ વેનેઝુએલાને સહાય અને બચાવ ટીમો મોકલવાની જાહેરાત કરી છે.

(11:35 AM IST)