તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 8th May 2026
પશ્ચિમ એશિયામાં યુદ્ધના વાદળો છતાં કેરળમાં ડોલરનો વરસાદ: ખાડી દેશોમાં તણાવ છતાં બિનનિવાસી ભારતીયોએ માદરે વતન નાણાં મોકલવામાં રેકોર્ડ સર્જ્યો
રૂપિયાના મૂલ્યમાં ઘટાડો અને અનિશ્ચિત ભવિષ્યને જોતા NRI રોકાણકારો સુરક્ષિત આશ્રયસ્થાન તરીકે ભારતીય બેંકો પર પસંદગી ઉતારી રહ્યા છે: ફેડરલ અને સાઉથ ઇન્ડિયન બેંકની ડિપોઝિટમાં તોતિંગ વધારો

તિરુવનંતપુરમ: તા.૦૮ મધ્ય પૂર્વ (West Asia) માં ઇઝરાયેલ અને ઈરાન વચ્ચે વધતા જતા ભૌગોલિક અને રાજકીય તણાવ છતાં, કેરળના અર્થતંત્રની જીવાદોરી સમાન 'રેમિટન્સ' (વિદેશથી આવતા નાણાં) માં કોઈ ઘટાડો જોવા મળ્યો નથી. ઉલટાનું, યુદ્ધની સ્થિતિ વચ્ચે પણ કેરળમાં વિદેશી નાણાંનો પ્રવાહ વધુ વેગવંતો બન્યો છે. બેંકિંગ ક્ષેત્રના તાજેતરના આંકડા દર્શાવે છે કે ખાડી દેશોમાં વસતા ભારતીયો અત્યારે પહેલા કરતા વધુ નાણાં ભારત મોકલી રહ્યા છે.
કેરળ સ્થિત અગ્રણી બેંકો, ફેડરલ બેંક અને સાઉથ ઇન્ડિયન બેંકના અહેવાલો મુજબ, જાન્યુઆરીથી માર્ચના ત્રિમાસિક ગાળામાં એનઆરઆઈ (NRI) ડિપોઝિટમાં નોંધપાત્ર વૃદ્ધિ થઈ છે. ફેડરલ બેંકની વિદેશી સ્થાપણા ૭% વધીને ₹૧.૦૩ લાખ કરોડ સુધી પહોંચી ગઈ છે. નિષ્ણાતોના મતે, આ વધારા પાછળનું એક મુખ્ય કારણ ડોલર સામે રૂપિયાના મૂલ્યમાં થયેલો ૫.૪% જેટલો ઘટાડો છે. રૂપિયો નબળો પડવાને કારણે વિદેશમાં કમાતા ભારતીયોને સમાન રકમ સામે ભારતમાં વધુ વળતર મળી રહ્યું છે.
સાઉથ ઇન્ડિયન બેંકના મેનેજિંગ ડિરેક્ટર પી.આર. શેષાદ્રીના જણાવ્યા અનુસાર, યુદ્ધ જેવી સ્થિતિમાં વિદેશમાં વસતા લોકો પોતાના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે વતનમાં નાણાં મોકલવાનું વધારી દેતા હોય છે. લોકોમાં એવી ધારણા છે કે જો સ્થિતિ વધુ બગડે, તો તેમની બચત ભારતમાં સુરક્ષિત રહેશે. જોકે, તેમણે એવી ચેતવણી પણ આપી છે કે જો આ સંઘર્ષ લાંબો ચાલે અને ત્યાં નોકરીઓ પર સંકટ આવે, તો લાંબા ગાળે આ પ્રવાહ ખોરવાઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે ભારતમાં આવતા કુલ વિદેશી નાણાંનો પાંચમો ભાગ માત્ર કેરળમાં આવે છે. આરબીઆઈના ડેટા મુજબ, ભારતને મળતા કુલ રેમિટન્સમાં ૩૪% થી વધુ હિસ્સો યુએઈ, સાઉદી અરેબિયા, કતાર અને કુવૈત જેવા ગલ્ફ દેશોનો છે. અત્યારે તો પશ્ચિમ એશિયાની કટોકટી કેરળ માટે આર્થિક રીતે 'આશીર્વાદ' સાબિત થઈ રહી હોય તેમ જણાય છે, પરંતુ લાંબા ગાળાના જોખમો પર પણ અર્થશાસ્ત્રીઓ નજર રાખી રહ્યા છે.
(3:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
