<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 10th May 2026

કેરળમાં યુડીએફની પ્રચંડ બહુમતી છતાં મુખ્યમંત્રી પદ માટે ભારે ખેંચતાણ : પરિણામોના સાત દિવસ બાદ પણ કોંગ્રેસ હાઈકમાન્ડ નામ જાહેર કરવામાં નિષ્ફળ જતા જનતામાં ભારે રોષ

૧૦૨ બેઠકો સાથે ઐતિહાસિક વિજય મેળવ્યા બાદ પણ નેતૃત્વના મુદ્દે વિલંબથી વહીવટીતંત્ર ઠપ્પ : જૂથવાદ અને દાવેદારીના જંગમાં વિજયનો ઉત્સાહ ઓસરી રહ્યો હોવાની કાર્યકરોની લાગણી

કોચી : કેરળ વિધાનસભા ચૂંટણી ૨૦૨૬માં કોંગ્રેસના નેતૃત્વ હેઠળના યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (UDF) એ ડાબેરી ગઠબંધનના ગઢમાં ગાબડું પાડીને ૧૪૦ માંથી ૧૦૨ બેઠકો પર ઐતિહાસિક અને પ્રચંડ વિજય હાંસલ કર્યો છે. પરંતુ, આટલી સ્પષ્ટ બહુમતી અને જનતાનો સાથ હોવા છતાં રાજ્યને હજુ સુધી તેના નવા મુખ્યમંત્રી મળી શક્યા નથી. ૪ મે ના રોજ ચૂંટણીના પરિણામો જાહેર થયાને આજે પૂરો એક સપ્તાહ વીતી ગયો છે, છતાં મુખ્યમંત્રીના નામ પરની મડાગાંઠ ઉકેલવામાં કોંગ્રેસ પક્ષ નિષ્ફળ રહ્યો હોય તેમ જણાય છે.
રાજકીય વર્તુળોમાં ચાલતી ચર્ચા મુજબ, મુખ્યમંત્રી પદ માટે પક્ષના બે થી ત્રણ દિગ્ગજ અને વરિષ્ઠ નેતાઓ વચ્ચે તીવ્ર સ્પર્ધા ચાલી રહી છે. દરેક જૂથ પોતાના નેતાને મુખ્યમંત્રી બનાવવા માટે દિલ્હીમાં હાઈકમાન્ડ પર દબાણ લાવી રહ્યું છે. આ આંતરિક ખેંચતાણને કારણે દિલ્હી દરબાર પણ કોઈ અંતિમ નિર્ણય લઈ શકતું નથી. વિલંબને કારણે એવી સ્થિતિ સર્જાઈ છે કે ચૂંટાયેલા ધારાસભ્યો પણ અનિશ્ચિતતામાં મુકાયા છે અને રાજ્યમાં હજુ સુધી નવી સરકારના શપથ ગ્રહણની તારીખ નક્કી થઈ શકી નથી.
મુખ્યમંત્રીના પદને લઈને થઈ રહેલા આ અસામાન્ય વિલંબ સામે હવે સામાન્ય જનતામાં પણ નારાજગી ફાટી નીકળી છે. લોકોનું કહેવું છે કે જ્યારે રાજ્યના અનેક જટિલ પ્રશ્નો અને વિકાસના કામો પડતર છે, ત્યારે માત્ર નેતૃત્વના વિવાદમાં આટલો સમય બગાડવો એ જનતાએ આપેલા જનાદેશનું અપમાન છે. સોશિયલ મીડિયા પર પણ લોકો કોંગ્રેસની કાર્યપદ્ધતિ સામે સવાલો ઉઠાવી રહ્યા છે અને "શાસન ક્યારે શરૂ થશે?" તેવી પૃચ્છા કરી રહ્યા છે. વિરોધ પક્ષો પણ આ સ્થિતિનો લાભ લઈને કોંગ્રેસ પર પ્રહારો કરી રહ્યા છે.
બીજી તરફ, યુડીએફના ઘટક પક્ષોમાં પણ ધીમે ધીમે અસંતોષની લાગણી જન્મી રહી છે. સાથી પક્ષોનું માનવું છે કે મુખ્યમંત્રીનું નામ નક્કી ન થવાને કારણે આખું મંત્રીમંડળ અટકી પડ્યું છે, જેની સીધી અસર વહીવટીતંત્ર પર પડી રહી છે. કોંગ્રેસના નિરીક્ષકો સતત ધારાસભ્યો સાથે સંપર્કમાં છે અને દાવો કરી રહ્યા છે કે આગામી ૨૪ કલાકમાં સર્વસંમતિથી નામની જાહેરાત કરવામાં આવશે. જોકે, જૂથવાદ એટલો ઊંડો છે કે કોઈ પણ નામ પર સહમતી સાધવી તે હાઈકમાન્ડ માટે લોઢાના ચણા ચાવવા સમાન બની ગયું છે.

(5:47 PM IST)