News of Monday, 16th November 2026
"કરોડોના ખર્ચ છતાં યમુનામાં ઝેર ઠલવાય છે!": ૫૨૦ ગંદા નાળાઓને લઈને સુપ્રીમ કોર્ટે વહીવટીતંત્રની ઝાટકણી કાઢી
નદીની સફાઈના નામે મોટા ખર્ચ છતાં પ્રદૂષણ વધતા સર્વોચ્ચ અદાલત લાલઘૂમ : CPCB અને સ્થાનિક સંસ્થાઓને પાણીની ગુણવત્તા તપાસવા કડક આદેશ આપતા કહ્યું કે હવે ગંદકી ફેલાશે તો સીધા સંબંધિત અધિકારીઓ જ જવાબદાર ગણાશે

નવી દિલ્હી: યમુના નદીમાં સતત વધી રહેલા પ્રદૂષણ અને નદીની સફાઈ પાછળ થતા કરોડો રૂપિયાના ખર્ચ છતાં કોઈ નક્કર પરિણામ ન મળતા સુપ્રીમ કોર્ટે સોમવારે મ્યુનિસિપલ સંસ્થાઓ અને કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ની આકરી ઝાટકણી કાઢી છે. ન્યાયાધીશ મનોજ મિશ્રા અને મનમોહન સિંહની ખંડપીઠે કડક શબ્દોમાં નારાજગી વ્યક્ત કરતા નોંધ્યું હતું કે નદી કિનારે આવેલા શહેરો અને ગામડાઓના નાગરિક વહીવટની ઘોર બેદરકારીને કારણે આજે ૫૨૦ જેટલા નાળાઓનું ગંદુ પાણી સીધું યમુનામાં ઠલવાઈ રહ્યું છે. કોર્ટે CPCB ને સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે કે નદી અને આ ૫૨૦ નાળાઓ જ્યાં પણ વિવિધ રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો અને જિલ્લાઓમાં પ્રવેશે છે કે બહાર નીકળે છે, તે તમામ સ્થળોએ પાણીની ગુણવત્તાનું સઘન નિરીક્ષણ કરવામાં આવે.
આ મામલે અગાઉના ૪ નવેમ્બરના આદેશનો હવાલો આપતા બેન્ચે ચેતવણી આપી છે કે જો હવે કોઈ પણ વિસ્તારમાં પાણીની ગુણવત્તા બગડશે તો તેની સીધી જવાબદારી સંબંધિત અધિકારીઓની રહેશે. કોર્ટે સ્પષ્ટ અવલોકન કર્યું કે માત્ર નવા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (STP) બનાવવાથી આ ગંભીર સમસ્યાનો ઉકેલ નહીં આવે, પરંતુ ઔદ્યોગિક પ્રદૂષણ અને શુદ્ધિકરણ કર્યા વિનાની ગટરને તેના મૂળ સ્ત્રોત પર જ અટકાવવી પડશે. જ્યાં સ્ત્રોત પર પ્રદૂષણ રોકવું શક્ય ન હોય ત્યાં ગટરનું પાણી એકત્રિત કરીને યોગ્ય પ્રક્રિયા બાદ જ છોડવામાં આવે તેવી તાકીદ પણ અદાલતે કરી છે.
જો કે, સુપ્રીમ કોર્ટે જમીની હકીકત અને વહીવટી પડકારો તરફ પણ આંગળી ચીંધી છે. કોર્ટે નોંધ્યું કે નબળા ગટર નેટવર્ક અને વરસાદી પાણીના નાળાઓ ગટર લાઈન સાથે ભળી જવાને કારણે આ કામગીરી અત્યંત જટિલ બની છે. ખાસ કરીને સરકારી જમીન પર દબાણ કરીને ઉભી થયેલી ગેરકાયદેસર અને અનધિકૃત વસાહતોમાં વ્યવસ્થિત આયોજનના અભાવે ગટર વ્યવસ્થા નાખવી વહીવટ માટે લગભગ અશક્ય બની ગઈ છે. હવે આ સમગ્ર મામલે તંત્ર દ્વારા શું નક્કર પગલાં લેવામાં આવે છે તેના પર સૌની નજર રહેશે, કારણ કે કોર્ટે આગામી સુનાવણી ૧૩ જાન્યુઆરીના રોજ નક્કી કરી છે.
(6:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
