<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st August 2026

ગુજરાતમાં અનેક આકર્ષણો છતાં અનેક રાજ્‍ય કરતા વિદેશી પ્રવાસીઓ ઓછા

વર્ષ ૨૦૨૩ પછી ગુજરાતમાં વિદેશી પ્રવાસીઓની સંખ્‍યામાં પણ ઘટાડો

નવી દિલ્‍હી,તા.૦૧: ગુજરાતમાં પ્રવાસન ક્ષેત્રમાં સરકાર દ્વારા જંગી રોકાણ કરીને પ્રવાસીઓને આકર્ષવાના ભરચક પ્રયાસો છતાં વિદેશી પ્રવાસીઓની સંખ્‍યામાં હજુ નોંધપાત્ર વધારો થઇ રહ્યો નથી. ઉલટાનું વર્ષ ૨૦૨૩માં વિદેશી પ્રવાસીઓની ગુજરાતની મુલાકાત લેવાની સંખ્‍યા ૨૮ લાખ ઉપર પહોંચી હતી, તે છેલ્‍લા બે વર્ષમાં નોંધપાત્ર રીતે ઘટી જવા પામી છે. તો અન્‍ય અનેક રાજ્‍ય એવા છે જેમાં વિદેશી પ્રવાસીઓની સંખ્‍યામાં વધારો થવા પામ્‍યો છે.

ગુજરાતમાં ગીરના સિહો, સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટી-કેવડિયાથી લઈને બૌદ્ધ સરકિટ જેવા અનેક વૈશ્વિક કક્ષાના આકર્ષણો છે. ગુજરાત વાઈબ્રન્‍ટ સમિટ પૂર્વે વિદેશમાં યોજાતા રોડ-શોમાં પણ ગુજરાતના પ્રવાસન સ્‍થળોની માહિતી પહોંચાડવાનો મોકો સરકાર પાસે હોય છે. અન્‍ય રાજ્‍યની સરખામણીમાં ગુજરાતમાં દરિયા કિનારો પણ વિશાળ છે તેમ છતાં વિદેશી પ્રવાસીઓને માતબર સંખ્‍યામાં અકળ કારણસર ઓછી સંખ્‍યામાં આવે છે. રાજ્‍યસભામાં પ્રવાસન મંત્રાલય દ્વારા વિવિધ રાજ્‍યમાં વિદેશી પ્રવાસીઓની અપાયેલી માહિતી પરથી તે સાબિત થાય છે. ગુજરાતમાં છેલ્‍લા પાંચ વર્ષમાં દેશભરમાંથી આવેલા પ્રવાસીઓની સંખ્‍યામાં નોંધપાત્ર રીતે વધારો થયો છે. જેમાં ૨૦૨૧માં ૨.૪૫ કરોડ, ૨૦૨૨માં ૧૩.૫૮ કરોડ, ૨૦૨૩માં ૧૭.૮૦ કરોડ, ૨૦૨૪માં ૧૮.૪૦ કરોડ અને ૨૦૨૫ના વર્ષમાં કુલ ૨૨ કરોડ દેશના પ્રવાસી ગુજરાતની મુલાકાતે આવ્‍યા છે. ગુજરાતમાં છેલ્‍લા કેટલાક વર્ષોમાં પ્રવાસન સ્‍થળોની વધતી ખ્‍યાતિ, ધાર્મિક સ્‍થળોમાં મોટી સંખ્‍યામાં ઉમટતા શ્રદ્ધાળુઓ અને પ્રવાસન નિગમ દ્વારા અનેક સ્‍થળોએ સુવિધામાં વધારાને કારણે પણ પ્રવાસીઓની સંખ્‍યામાં વધારો થવા પામ્‍યો છે. દિલ્‍હી, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ અને પશ્વિમ બંગાળ વગેરે રાજ્‍ય એવા છે જેમાં વિદેશી પ્રવાસીઓ ગુજરાત કરતા વધુ સંખ્‍યામાં આવી રહ્યા છે. ગુજરાત પાસે વિશિષ્ટ આકર્ષણો હોવા છતાં વિદેશી પ્રવાસીઓની સંખ્‍યા હજુ એકંદરે ઓછી છે.

(10:05 AM IST)