<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th September 2026

21 દિવસની પેરોલ પર મુક્તિ બાદ ડેરા સચ્ચા સૌદા પ્રમુખ ગુરમીત રામ રહીમ ફરી જેલમાં

2026માં આ તેમની ત્રીજી પેરોલ મુક્તિ હતી: હવે સુનારિયા જેલમાં પાછો ફર્યો, હનીપ્રીત પણ કારમાં બેઠેલી જોવા મળી

ડેરા સચ્ચા સૌદા પ્રમુખ ગુરમીત રામ રહીમ સિંહની 21 દિવસની Furlough પૂર્ણ થઈ ગઈ છે. ફરલોનો સમયગાળો પૂરો થયા બાદ તેઓ ફરી રોહતકની સુનારિયા જેલમાં પરત ફર્યા છે. 25 ઓગસ્ટે તેમને 21 દિવસની અસ્થાયી મુક્તિ આપવામાં આવી હતી. આ દરમિયાન તેઓ સિરસા સ્થિત ડેરા સચ્ચા સૌદા આશ્રમમાં રહ્યા હતા.

રામ રહીમની જેલ વાપસી દરમિયાન સુરક્ષાને ધ્યાનમાં રાખીને તેમની યાત્રા અને સમય અંગેની વિગતો જાહેર કરવામાં આવી નહોતી. પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા સુરક્ષા વ્યવસ્થા જાળવવામાં આવી હતી. અહેવાલો અનુસાર, કોઈ અવ્યવસ્થા ન સર્જાય તે માટે તેમને સુરક્ષા કવચ વચ્ચે સુનારિયા જેલ લઈ જવાયા.

રામ રહીમને આ વર્ષે અગાઉ જાન્યુઆરીમાં 40 દિવસની પેરોલ અને મે મહિનામાં 30 દિવસની પેરોલ મળી હતી. ઓગસ્ટમાં મળેલી 21 દિવસની ફરલો તેમની 2026ની ત્રીજી અસ્થાયી મુક્તિ હતી. ઉપલબ્ધ અહેવાલો અનુસાર, 2020થી અત્યાર સુધીમાં તેમને 17મી વખત પેરોલ અથવા ફરલો મળી છે.

2017માં CBI કોર્ટ દ્વારા બે મહિલા અનુયાયીઓ પર બળાત્કારના કેસમાં રામ રહીમને 20 વર્ષની સજા ફટકારવામાં આવી હતી. તેઓ પત્રકાર રામચંદ્ર છત્રપતિ હત્યા કેસમાં પણ આજીવન કેદની સજા ભોગવી રહ્યા છે. રામ રહીમ 2017થી રોહતકની સુનારિયા જેલમાં છે.

રામ રહીમને વારંવાર મળતી અસ્થાયી મુક્તિને લઈને કેટલાક રાજકીય પક્ષો અને સંગઠનો દ્વારા સવાલો ઉઠાવવામાં આવ્યા છે. આ વખતે પણ અકાલ તખ્ત તરફથી વાંધો વ્યક્ત કરવામાં આવ્યો હતો. અકાલ તખ્તના જથેદાર ગિયાની કુલદીપ સિંહ ગર્ગજે સીખ કેદીઓની લાંબા સમયથી પેન્ડિંગ મુક્તિનો મુદ્દો ઉઠાવીને રામ રહીમને વારંવાર મળતી પેરોલ-ફરલો અંગે સવાલ કર્યો હતો.

(12:49 AM IST)