<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd October 2026

વાયબ્રન્ટ ગુજરાત સમિટ અગાઉ સાઉથ કોરિયામાં રોકાણ આકર્ષવા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની આગેવાનીમાં મેરેથોન બેઠકોનો ધમધમાટ : સિઓલ ખાતે અગ્રણી ગ્લોબલ કંપનીઓના વડાઓ સાથે ૧૦ મહત્વપૂર્ણ વન-ટુ-વન અને રાઉન્ડટેબલ બેઠકો યોજાશે

એડવાન્સ્ડ ટેક્નોલોજી, કેમિકલ, ટેક્સટાઇલ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ઇલેક્ટ્રોનિક્સ અને બાયોટેકનોલોજી ક્ષેત્રની દિગ્ગજ કંપનીઓ સાથે ચર્ચા : દિવસના અંતે ભારતીય વાણિજ્ય મંડળ (ICCK) દ્વારા વિશેષ બિઝનેસ સેમિનાર અને ડિનરનું ભવ્ય આયોજન

ગાંધીનગર :વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અંતર્ગત ગુજરાતમાં વૈશ્વિક મૂડીરોકાણ અને ઔદ્યોગિક ભાગીદારીને નવી ગતિ આપવા માટે સાઉથ કોરિયાના પ્રવાસે પહોંચેલા ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના નેતૃત્વ હેઠળના ઉચ્ચસ્તરીય ડેલિગેશન દ્વારા સિઓલ ખાતે વિવિધ ગ્લોબલ કંપનીઓના વડાઓ સાથે કુલ ૧૦ જેટલી મહત્વપૂર્ણ વન-ટુ-વન અને રાઉન્ડટેબલ બેઠકો યોજાઈ રહી છે. આ ઉપરાંત દિવસના અંતે કોરિયન ઉદ્યોગજગત સાથે એક વિશેષ બિઝનેસ સેમિનાર અને ડિનરનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

આજના નિર્ધારિત કાર્યક્રમો અને બેઠકોની મુખ્ય વિગતો:
દિવસની શરૂઆતમાં પ્રતિનિધિમંડળ દ્વારા એડવાન્સ્ડ ટેક્નોલોજી સેન્ટર એસોસિએશન (ATCA) ના સીઈઓ અને ચેરમેન જેજિયોંગ લી તથા મુખ્ય સંશોધકો સાથે બ્રેકફાસ્ટ બેઠક યોજીને અદ્યતન ટેક્નોલોજી ક્ષેત્રે પરસ્પર સહયોગ અંગે ચર્ચા કરવામાં આવી છે. ત્યારબાદ કેમિકલ અને ટેક્સટાઇલ ક્ષેત્રની અગ્રણી કંપની કોલોન ઇન્ડસ્ટ્રીઝના પ્રેસિડેન્ટ અને સીઈઓ હહ સુંગ સાથે વન-ટુ-વન બેઠક યોજાશે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને બીઇએસએસ (BESS) સોલ્યુશન્સ ક્ષેત્રે કાર્યરત ડેલ્ટાએક્સના સીઈઓ સ્ટીફન કિમ સાથે પણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.

પ્રવાસ દરમિયાન નાયબ મુખ્યમંત્રી એલએસ ઇલેક્ટ્રિકના વડામથકની મુલાકાત લઈ કંપનીના ચેરમેન જા-ગ્યુન કૂ સાથે ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રે રોકાણ વધારવા અંગે વિચારવિમર્શ કરશે. આ સાથે અદ્યતન ટેક્નોલોજી ક્ષેત્રે જાણીતી કંપની સિઓલ વાયોસિસના ઉચ્ચ નેતૃત્વ સાથે પણ પ્રતિનિધિમંડળ બેઠક કરશે. કોરિયાની અગ્રણી કાનૂની સંસ્થાઓ સાથે વ્યાપારિક નિયમો અને રોકાણ સરળતા અંગે રાઉન્ડટેબલ બેઠક યોજાશે તેમજ જેટી કોર્પોરેશન સાથે પણ ઔદ્યોગિક સહયોગ અંગે ચર્ચા હાથ ધરાશે.

ટેક્સટાઇલ ઉત્પાદન ક્ષેત્રના વિસ્તરણ માટે કોરિયાની લીડિંગ કંપની યંગવન કોર્પોરેશનના મુખ્ય મથકની મુલાકાત લઈ ચેરમેન સુંગ કી-હાક સાથે વન-ટુ-વન બેઠક યોજાશે. બાયોટેકનોલોજી ક્ષેત્રની અગ્રણી કંપનીઓ UMTR, Plantner અને Bereum ના મુખ્ય અધિકારીઓ સાથે 'કોરિયા બાયો રાઉન્ડટેબલ' યોજાશે. ફૂડ અને કન્ફેક્શનરી ક્ષેત્રની વૈશ્વિક કંપની લોટ્ટે વેલફૂડના ગ્લોબલ બિઝનેસ હેડ ચો ક્યુંગ વૂન સાથે વિસ્તરણ અંગે બેઠક યોજાશે તેમજ બ્યુટી અને હેલ્થકેર પ્રોડક્ટ્સના ઉત્પાદક કોસ્મેક્સના મુખ્ય મથકની મુલાકાત લઈ વાઇસ ચેરમેન સાથે ચર્ચા કરાશે. આ ઉપરાંત સાઉથ કોરિયાના ઉભરતા સ્ટાર્ટઅપ્સ સાથે ગુજરાતમાં ઇનોવેશન ઇકોસિસ્ટમ વિકસાવવા વિશેષ રાઉન્ડટેબલ યોજાશે. દિવસના અંતે ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ ઇન કોરિયા (ICCK) દ્વારા આયોજિત સેમિનાર અને ડિનરમાં કોરિયન ઉદ્યોગસાહસિકો સાથે વ્યાપક સંવાદ સાધવામાં આવશે.

(10:00 AM IST)