તા. ૧૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૧ શનિવાર
News of Thursday, 15th October 2026
રાજકોટના શાપર ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ૩૫ ખેડૂતોને રૂ. ૧૦૦ કરોડની કિંમતની ૫૦૦થી વધુ વિઘા જમીનના દસ્તાવેજો કરાયા પરત
વ્યાજખોરો અને ભૂમાફિયાઓ સામે 'આરપારની લડાઈ'નો સંકલ્પ વ્યક્ત કરાયો : શાપરમાં વિભાગીય પોલીસ અધિકારીની કચેરીનું લોકાર્પણ : રાજકોટ ગ્રામ્ય પોલીસને અપાયું આંતરરાષ્ટ્રીય ISO 9001:2015 પ્રમાણપત્ર : પ્રેરણા પુસ્તિકાનું વિમોચન

રાજકોટ, તા. ૧૫ ઓક્ટોબર - રાજકોટના શાપર ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને એક ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ભૂમાફિયાઓ અને વ્યાજખોરોના શિકાર બનેલા ૩૫ ખેડૂતોને દગાબાજી અને છેતરપિંડીથી પડાવી લેવાયેલી અંદાજે રૂ. ૧૦૦ કરોડની કિંમતની ૫૦૦થી વધુ વિઘા જમીનના ૫૫ દસ્તાવેજો મૂળ માલિક ખેડૂતોને સન્માનપૂર્વક પરત સોંપવામાં આવ્યા હતા. દેશના ઇતિહાસમાં આટલા મોટા પ્રમાણમાં ખેડૂતોને જમીનો પરત અપાવવાનો આ પ્રથમ કિસ્સો છે, જે 'તેરા તુજકો અર્પણ' અભિયાન અંતર્ગત શક્ય બન્યો છે.
વ્યાજખોરો અને ભૂમાફિયાઓ સામે આરપારની લડાઈ:
કાર્યક્રમને સંબોધતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, વ્યાજખોરી કરતા દૂષણખોરો સામે 'આરપારની લડાઈ' લડવાનો રાજ્ય સરકારનો મક્કમ નિર્ધાર છે. ખેડૂત પોતાની આખી જિંદગી મહેનત કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હોય છે, ત્યારે મુશ્કેલીના સમયે વ્યાજે લીધેલા નાણાં સામે વિશ્વાસઘાત કરીને વ્યાજખોરો અને ભૂમાફિયાઓ ખેડૂતોની જીવનભરની મૂડી સમાન જમીનો કબ્જે કરી લેતા હોય છે. ખેડૂતોએ વ્યાજખોરો પાસેથી ઊંચા વ્યાજે નાણાં લેવાને બદલે સરકારની અનેકવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ લેવો જોઈએ અને સાવચેતી રાખવી જોઈએ કારણ કે કોરા કાગળ કે દસ્તાવેજ પર સહી કરતા પહેલા ૧૦૦ વાર વિચારવું જરૂરી છે.

શાપરમાં વિભાગીય પોલીસ અધિકારીની કચેરીનું લોકાર્પણ:
શાપર, પડવલા, હડમતાળા ઈન્ડસ્ટ્રીયલ એસોસિએશનના સૌજન્યથી નિર્માણ પામેલી વિભાગીય પોલીસ અધિકારી, રાજકોટ ગ્રામ્ય ડિવિઝન કચેરીનું નાયબ મુખ્યમંત્રીના હસ્તે દીપ પ્રજ્વલિત કરી લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ કચેરી કાર્યરત થવાથી શાપર-વેરાવળ સહિતના મહત્વના ઔદ્યોગિક તેમજ ગ્રામીણ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાની કામગીરી વધુ સુદ્રઢ બનશે અને સ્થાનિક નાગરિકોને ઝડપથી પોલીસ સેવાઓ મળી રહેશે.
રાજકોટ ગ્રામ્ય પોલીસને ISO પ્રમાણપત્ર અને પ્રેરણા પુસ્તિકાનું વિમોચન:
રાજકોટ ગ્રામ્ય પોલીસની પ્રજાભિમુખ કામગીરી, ઝડપી ફરિયાદ નિવારણ, રેકોર્ડ મેનેજમેન્ટ, ડિજિટાઈઝેશન અને પારદર્શક વહીવટની નોંધ લઈને સમગ્ર જિલ્લા પોલીસ તંત્રને ISO 9001:2015 પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું. તમામ પોલીસ સ્ટેશનો અને શાખાઓ માટે આ આંતરરાષ્ટ્રીય સ્તરનું પ્રમાણપત્ર મેળવનારો રાજકોટ જિલ્લો સમગ્ર ગુજરાત રાજ્યમાં પ્રથમ જિલ્લો બન્યો છે. આ ઉપરાંત, લોકોમાં આત્મહત્યા જેવા નકારાત્મક વિચારો દૂર કરી ૭૦૦થી વધુ લોકોને કાઉન્સેલિંગ દ્વારા નવું જીવન પૂરું પાડનારી રાજકોટ ગ્રામ્ય પોલીસની વિશેષ પહેલ ‘પ્રેરણા - નવા જીવનની’ અહેવાલ પુસ્તિકાનું પણ મહાનુભાવોના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ પૂર્વે રાજકોટ જિલ્લા પોલીસ દ્વારા નાયબ મુખ્યમંત્રીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. સ્વાગત પ્રવચન રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે આભારવિધિ મદદનીશ પોલીસ અધિક્ષક સીમરન ભારદ્વાજે કરી હતી. આ અવસરે સાંસદ પરસોત્તમભાઈ રૂપાલા, રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ સંજયભાઈ પીપળીયા, ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, રમેશભાઈ ટીલાળા, ગીતાબા જાડેજા, જયેશભાઈ રાદડીયા, ઉદયભાઈ કાનગડ, ડૉ. મહેન્દ્રભાઈ પાડલીયા, દુર્લભજીભાઈ દેથરીયા, રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લપ્ત રાય, જિલ્લા કલેક્ટર ડૉ. ઓમ પ્રકાશ, જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદ સહિતના પદાધિકારીઓ, વરિષ્ઠ અધિકારીઓ અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.
(8:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
