તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 20th October 2026
વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અન્વયે જાપાનના પ્રવાસે ગયેલા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં ટોક્યો અને શિઝુઓકામાં ૧૧ મહત્વપૂર્ણ બેઠકો યોજાઈ : નિપ્પોન સ્ટીલ સહિતની દિગ્ગજ કંપનીઓ સાથે વિસ્તૃત ચર્ચા
નિપ્પોન સ્ટીલ, અલ્ટ્રાફેબ્રિક્સ, કાનેકા અને ઇતોચુ કોર્પોરેશન સાથે વન-ટુ-વન બેઠકો યોજી ગુજરાતમાં રોકાણ અને ઔદ્યોગિક વિસ્તાર માટે આમંત્રણ પાઠવ્યું : શિઝુઓકાના ગવર્નર સાથે પણ યોજાઈ દ્વિપક્ષીય બેઠક

ગાંધીનગર ; આગામી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૭ ના સંદર્ભમાં વૈશ્વિક રોકાણકારોને આકર્ષવા અને ગુજરાત તથા જાપાન વચ્ચેના આર્થિક સંબંધોને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે જાપાનના પ્રવાસે પહોંચેલા ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા ટોક્યો અને શિજુઓકા ખાતે ૨૦ ઓક્ટોબરના રોજ અત્યંત વ્યસ્ત કાર્યક્રમ અંતર્ગત કુલ ૧૧ મહત્વપૂર્ણ બેઠકો અને કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. આ પ્રવાસ દરમિયાન નાયબ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ૭ આમને-સામને બેઠકો, ૨ સરકારી-દ્વિપક્ષીય મુલાકાતો, ૧ ટેક્સટાઈલ રાઉન્ડટેબલ અને ૧ અધિકૃત ડિનર સફળતાપૂર્વક સંપન્ન થયા છે.
પ્રવાસના પ્રથમ ચરણમાં નાયબ મુખ્યમંત્રીએ ટોક્યો સ્થિત વિશ્વની અગ્રણી સ્ટીલ ઉત્પાદક કંપની 'નિપ્પોન સ્ટીલ કોર્પોરેશન' ના મુખ્યાલયની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે કંપનીના અધ્યક્ષ ઈજી હાશિમોતો સાથે શિષ્ટાચાર ભેટ કરી હતી. આ ઉપરાંત, મેનેજિંગ એક્ઝિક્યુટિવ ઓફિસર હિડેકી ઓગાવા અને વરિષ્ઠ અધિકારીઓ સાથે યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં ગુજરાતમાં સ્ટીલ ઉત્પાદન ક્ષમતા વધારવા અને ભાવિ ઔદ્યોગિક વિસ્તરણ અંગે સકારાત્મક ચર્ચા કરવામાં આવી હતી. નાયબ મુખ્યમંત્રીએ ગુજરાતના વિશ્વસ્તરીય ઈન્ફ્રાસ્ટ્રક્ચર, પોર્ટ કનેક્ટિવિટી અને અનુકૂળ વાતાવરણની માહિતી આપી કંપનીને વાઇબ્રન્ટ સમિટમાં ભાગ લેવા નિમંત્રણ પાઠવ્યું હતું.
તદઉપરાંત, અલ્ટ્રાફેબ્રિક્સ હોલ્ડિંગ્સના પ્રમુખ યોશિમુરા સાથે સિન્થેટિક લેધરમાં રોકાણની શક્યતાઓ, કાનેકા કોર્પોરેશનના પ્રમુખ ઇસાવ ઓત્સુ સાથે કેમિકલ અને લાઇફ સાયન્સ ક્ષેત્રે ભાગીદારી તથા ઇતોચુ કોર્પોરેશનના પદાધિકારીઓ સાથે ગ્રીન એનર્જી અને વૈશ્વિક વેપાર ક્ષેત્રે સહયોગ અંગે વ્યાપક વિચાર-વિમર્શ કરાયો હતો. હાયરેસો સાથે ક્લાઉડ કમ્પ્યુટીંગ અને જીસીસી સંદર્ભે પણ મહત્વની ચર્ચા થઈ હતી.
દિવસના બીજા તબક્કામાં બુલેટ ટ્રેન દ્વારા શિઝુઓકા પહોંચીને નાયબ મુખ્યમંત્રીએ શિઝુઓકાના ગવર્નર યાસુતોમો સુઝુકી સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી અને ઔદ્યોગિક વિકાસ તેમજ આધુનિક ટેકનોલોજી અંગે ચર્ચા કરી તેમને વાઇબ્રન્ટ સમિટનું નિમંત્રણ આપ્યું હતું. સાંજના સત્રમાં ફુજીફિલ્મ, યાજાકી ઇન્ડિયા અને ગ્રીન કાર્બન સાથે બેઠકો યોજવા ઉપરાંત ટેક્સટાઈલ ક્ષેત્રના અગ્રણીઓ સાથે 'ટેક્સટાઈલ રાઉન્ડટેબલ' યોજવામાં આવી હતી. પ્રવાસના અંતિમ ચરણમાં જાપાનમાં ભારતના રાજદૂત દ્વારા 'ઈન્ડિયા હાઉસ' ખાતે નાયબ મુખ્યમંત્રી અને પ્રતિનિધિમંડળના સન્માનમાં વિશેષ ભોજન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.
(1:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
