તા. ૬ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૩, શુક્રવાર
News of Wednesday, 15th July 2026
એલ્યુમિનિયમ સ્ક્રેપ પરની ૨.૫ ટકા આયાત જકાત દૂર કરવા માંગ
હજારો એમએસએમઈ એકમોની સ્થિતિ મજબૂત થશે, રોજગારોનું સર્જન થશે,સ્ત્રોતની સલામતીમાં સુધારો થશે

નવી દિલ્હી તા.૧૫: સર્ક્યુલર અર્થતંત્રને પ્રોત્સાહિત કરવા માટે એલ્યુમિનિયમ સ્ક્રેપની આયાત સામે લાદવામાં આવેલી ૨.૫૦ ટકા જકાત દૂર કરવા માટે ઉદ્યોગે માગણી કરી છે.
મટિરિયલ રિસાઈકલિગ એસોસિયેશન ઓફ ઈન્ડિયા (એમઆરએઆઈ)એ એક યાદીમાં જણાવ્યું હતું કે ડ્યૂટી દૂર કરવામાં આવે તો રિસાઈકલરો અને નાના ઉત્પાદકોના ઈનપૂટ ખર્ચમાં ઘટાડો થશે અને તેઓની વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મકતા વધશે. નોંધનીય બાબત એ છે કે સ્થાનિક ઔદ્યોગિક માગ સંતોષવા માટે ભારત એલ્યુમિનિયમ સ્ક્રેપની આયાત પર નિર્ભર છે.
એસોસિયેશને વડા પ્રધાનની કાર્યાલયને પાઠવેલા આવેદનપત્રમાં એલ્યુમિનિયમ સ્ક્રેપ પર લાદવામાં આવેલી ૨.૫૦ ટકા બેઝિક કસ્ટમ ડ્યૂટી નાબૂદ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે હાલમાં ભારત તેની કુલ એલ્યુમિનિયમ સ્ક્રેપની આવશ્યકતા સામે ૮૦થી ૮૫ ટકા આયાત પર નિર્ભર છે. તેમ જ સ્થાનિકમાં ઉત્પાદન અને રિસાઈકલિગ ઉદ્યોગના વિકાસને ટકાવી રાખવા માટે આયાતી સ્ક્રેપનો નિયમિત પુરવઠો જળવાઈ રહે તે આવશ્યક છે.
વધુમાં આંકડાકીય માહિતી આપતા એસોસિયેશને જણાવ્યું હતું કે ભારતમાં સેક્રડરી એલ્યુમિનિયમનું ઉત્પાદન જે નાણાકીય વર્ષ ૨૦૧૬માં ૮૫,૦૦૦ ટનનું હતું તે નાણાકીય વર્ષ ૨૦૨૬માં વધીને ૨૨ લાખ ટનની સપાટીએ પહોંચ્યું છે અને તે હવે એલ્યુમિનિયમની કુલ વપરાશી માગના ૩૫ ટકા જેટલું છે. નોંધનીય બાબત એ છે કે આ ક્ષેત્રમાં સીધી અને આડકતરી રીતે મહિલાઓ સહિત કુલ સાત લાખ લોકો સંકળાયેલા છે. તેમ જ સેગ્રીગેશન (તારવણી) અને પ્રોસેસિગમાં ૪૬ ટકા જેટલા કુશાગ્ર કામદારોનો સમાવેશ થાય છે.
એસોસિયેશનના પ્રમુખ સંજય મહેતાએ જણાવ્યું હતું કે જો એલ્યુમિનિયમ સ્ક્રેપ પરની ૨.૫૦ ટકા બેઝિક કસ્ટમ ડ્યૂટી નાબૂદ કરવામાં આવે તો હજારો એમએસએમઈ એકમોની સ્થિતિ મજબૂત થશે, રોજગારોનું સર્જન થશે,સ્ત્રોતની સલામતીમાં સુધારો થશે, ઉત્પાદન કરતાં નાના એકમોની સ્પર્ધાત્મકતામાં વધારો થશે અને દેશનાં સર્ક્યુલર અર્થતંત્રને ટેકો મળશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે એલ્યુમિનિયમ સ્ક્રેપને એક ભંગાર તરીકે નહીં, પરંતુ ઉદ્યોગના એક વ્યૂહાત્મક કાચા માલ તરીકે ઓળખવામાં આવે છે.
વધુમાં તેમણે ઉમેર્યું હતું કે હાલમાં કોપર, ઝિન્ક અને લીડ સ્ક્રેપ પરની બેઝિક કસ્ટમ ડ્યૂટી માફ કરવામાં આવી છે અને હવે એકમાત્ર એલ્યુમિનિયમ સ્ક્રેપ પર જ ડ્યૂટી લાદવામાં આવે છે. આ ઉપરાંત થાઈલેન્ડ, મલયેશિયા, ઈન્ડોનેશિયા, જાપાન અને દક્ષિણ કોરિયા જેવા દેશોમાં પણ એલ્યુમિનિયમ સ્ક્રેપની ડ્યૂટીમુક્ત ધોરણે આયાત થાય છે અને રિસાઈકલિગ ઉદ્યોગને ખર્ચમાં ઘટાડાનો લાભ મળે છે.
(9:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
