<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th October 2026

દિલ્‍હીના વેપારીઓનો રાહુલ ગાંધીને ફરી પત્રઃરેલી મુલતવી રાખવાની માંગ

દિવાળી બાદ યોજવાની માંગ કરવામાં આવી

નવી દિલ્‍હી,તા.૨૭: કોંગ્રેસે દિલ્‍હીના રામલીલા મેદાનમાં પહેલી નવેમ્‍બરે મહારેલીનું આયોજન કર્યું છે. મુખ્‍ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારને પદ પરથી હટાવવાની માગ સાથે કોંગ્રેસ આ રેલી યોજી રહી છે. આ રેલીમાં ઇન્‍ડિયા ગઠબંધનના અનેક પક્ષો સામેલ થશે. જોકે દિલ્‍હીના વેપારીઓએ આ રેલી મુલતવી રાખવાની માગ કરી છે.

દિલ્‍હીના વેપારીઓ અને ઉદ્યોગસાહસિકોની અગ્રણી સંસ્‍થા ચેમ્‍બર ઓફ ટ્રેડ એન્‍ડ ઇન્‍ડસ્‍ટ્રી (CTI)ના ચેરમેન બ્રિજેશ ગોયલે મંગળવારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને ફરી પત્ર લખ્‍યો છે. તેમાં પહેલી નવેમ્‍બરે રામલીલા મેદાનમાં યોજાનારી ૧૦ લાખ લોકોની મહારેલી દિવાળી બાદ યોજવાની માગ કરવામાં આવી છે. આ પહેલાં CTIએ કોંગ્રેસના અધ્‍યક્ષ મલ્‍લિકાર્જુન ખડગેને પણ આ જ માગ સાથે પત્ર લખ્‍યો હતો. કોંગ્રેસે આ રેલીમાં દેશભરમાંથી કાર્યકરોને બોલાવ્‍યા છે.

રાહુલ ગાંધીએ ગઈ કાલે સોશિયલ મિડિયા પર પોસ્‍ટ કરીને પહેલી નવેમ્‍બરે દિલ્‍હીમાં યોજાનારી મહારેલીની જાહેરાત કરી હતી. તેમણે વેપારીઓને સંદેશ આપતાં કહ્યું હતું કે અમે તમને પ્રેમ કરીએ છીએ, પરંતુ તમે જ્ઞાનેશકુમારને હટાવવાની માગ સાથેના આંદોલનને બંધ કરાવશો તો તે ૩૦ સેકન્‍ડમાં બંધ થઈ જશે. રાહુલ ગાંધીની પોસ્‍ટ બાદ CTI ચેરમેન બ્રિજેશ ગોયલે જણાવ્‍યું હતું કે રાહુલ ગાંધીએ સોશિયલ મિડિયા પર વેપારીઓને સંબોધીને સ્‍પષ્ટ કરી દીધું છે કે તેઓ દિવાળીની ખરીદીની આ વ્‍યસ્‍ત મોસમમાં પહેલી નવેમ્‍બરના રોજ રેલી યોજીને જ રહેશે.

તેમના આ નિવેદન બાદ રામલીલા મેદાનની આસપાસ આવેલા ૨૦ મોટા બજારોના વેપારીઓમાં ચિતા અને નિરાશા ફેલાઈ છે. વેપારીઓને ડર છે કે શું ૩૧ ઓક્‍ટોબરથી જ બેરિકેડિગ શરૂ થઈ જશે? શું રસ્‍તાઓ બંધ કરી દેવામાં આવશે? શું ૩૧ ઓક્‍ટોબર અને પહેલી નવેમ્‍બરે દુકાનો ખૂલી શકશે અને ગ્રાહકો ખરીદી કરવા પહોંચી શકશે?

વેપારીઓના જણાવ્‍યા અનુસાર, કોંગ્રેસની આ રેલીમાં ૧૦ લાખ લોકો આવવાની વાત કરવામાં આવી રહી છે. જો આટલા લોકો આવશે તો અંદાજે ૧૫,૦૦૦થી ૨૦,૦૦૦ વાહનો પણ આવશે. આટલાં વાહનોનું પાર્કિગ ક્‍યાં કરવામાં આવશે? વેપારીઓનો દાવો છે કે રામલીલા મેદાનની આસપાસ ૨૦૦ વાહનો માટે પણ પૂરતી અધિકૃત પાર્કિગ વ્‍યવસ્‍થા નથી. આવી સ્‍થિતિમાં દિલ્‍હીના લોકોને ભારે મુશ્‍કેલીઓનો સામનો કરવો પડી શકે છે. CTIએ જણાવ્‍યું છે કે રામલીલા મેદાનની ચારે તરફ દિલ્‍હીનાં મોટાં જથ્‍થાબંધ અને છૂટક બજારો આવેલાં છે. મેદાન સુધી પહોંચતા તમામ રસ્‍તાઓ આ બજારોમાંથી પસાર થાય છે. જૂની દિલ્‍હીની અનેક ગલીઓ માત્ર ૧૦થી ૧૨ ફૂટ પહોળી છે. અહીં એક ટ્રક ફસાઈ જાય તો ત્રણ કલાક સુધી ટ્રાફિક જામ થઈ શકે છે

(3:57 PM IST)