તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 3rd October 2026
દિલ્હીના રાજકારણમાં ગરમાવો: આમ આદમી પાર્ટીના મુખ્ય રાષ્ટ્રીય પ્રવક્તા પ્રિયંકા કક્કડે રાજીનામું આપી કોંગ્રેસનો હાથ ઝાલ્યો
એક દાયકા જૂનો સાથ છોડી કોંગ્રેસમાં જોડાયેલા પ્રિયંકા કક્કડે આપના વલણ સામે આકરા પ્રહારો કર્યા; રાહુલ ગાંધીની નેતૃત્વ ક્ષમતા અને પ્રામાણિકતાના વખાણ કરતા કહ્યું કે હવે દિલ્હીના ભવિષ્ય અને મતદારોના હિત માટે વોટ વિભાજિત થવા દેવાય નહીં

નવી દિલ્હી: દિલ્હીના રાજકીય ક્ષેત્રે એક મોટો રાજકીય ઉલટફેર જોવા મળ્યો છે. આમ આદમી પાર્ટી (આપ)ના અગ્રણી ચહેરા અને મુખ્ય રાષ્ટ્રીય પ્રવક્તા તરીકે લાંબા સમય સુધી પક્ષનો પક્ષ મજબૂતીથી રજૂ કરનારા પ્રિયંકા કક્કડે પક્ષમાંથી રાજીનામું આપીને વિધિવત રીતે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું સભ્યપદ ગ્રહણ કરી લીધું છે. દિલ્હી ખાતે કોંગ્રેસ કાર્યાલયમાં યોજાયેલા એક વિશેષ કાર્યક્રમમાં પાર્ટીના વરિષ્ઠ નેતાઓ રાજીવ શુક્લા, પવન ખેડા અને દિલ્હી કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ દેવેન્દ્ર યાદવની ઉપસ્થિતિમાં તેઓ કોંગ્રેસમાં જોડાયા હતા.
આમ આદમી પાર્ટી સાથેનો દસકાથી વધુ સમયનો સંબંધ તોડ્યા બાદ પત્રકારો સાથે વાતચીત કરતા પ્રિયંકા કક્કડે આપના નેતૃત્વ અને કાર્યશૈલી અંગે આકરા સવાલો ઉઠાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, પક્ષમાં એવી પરિસ્થિતિઓ નિર્માણ પામી હતી જેને હવે બચાવવી કે સમર્થન આપવું અશક્ય બની ગયું હતું. તેઓ લાંબા સમય સુધી અસમંજસમાં રહ્યા બાદ અંતે દેશ અને દિલ્હીના હિતમાં આ નિર્ણય પર પહોંચ્યા છે.
પોતાના નિર્ણયની સ્પષ્ટતા કરતા તેમણે ઉમેર્યું હતું કે, તેઓ એક એવું દિલ્હી પાછું મેળવવા માંગે છે જે સ્વચ્છ, હરિયાળું, વિકસિત અને સુરક્ષિત હોય, જેવું દિલ્હી તેમણે પોતાના બાળપણમાં જોયું હતું. દિલ્હીના મતદારોને અપીલ જેવા સુરમાં તેમણે કહ્યું કે, વર્તમાન પરિસ્થિતિમાં મતદારોના વોટનું વિભાજન થવા દેવું યોગ્ય નથી અને એક મજબૂત વિકલ્પ તરીકે આગળ વધવાની જરૂર છે.
બીજી તરફ, કોંગ્રેસમાં જોડાવાના કારણો આપતા તેમણે લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીના મુક્તકંઠે વખાણ કર્યા હતા. પ્રિયંકા કક્કડે જણાવ્યું હતું કે રાહુલ ગાંધી એક અત્યંત પ્રભાવશાળી, પ્રામાણિક અને નીડર નેતા છે, જેઓ કોઈ પણ ડર વગર પોતાના વિચારો અને દેશના મુદ્દાઓને પ્રજા સમક્ષ મુકે છે. વિપરીત પરિસ્થિતિઓમાં પણ તેઓ જે રીતે અડગ રહ્યા છે તે તેમની નેતૃત્વ ક્ષમતા દર્શાવે છે.
રાષ્ટ્રીય સ્તરે આમ આદમી પાર્ટી માટે પ્રિયંકા કક્કડનું રાજીનામું એક મોટો ફટકો માનવામાં આવી રહ્યું છે, કારણ કે વિવિધ ટીવી ડિબેટ્સ અને રાષ્ટ્રીય મંચો પર તેઓ પાર્ટીની નીતિઓ અને વલણનો મજબૂત બચાવ કરતા નજરે પડતા હતા. કોંગ્રેસના નેતાઓએ પ્રિયંકા કક્કડના આગમનને આવકારીને દાવો કર્યો છે કે તેમના જોડાવાથી દિલ્હી અને રાષ્ટ્રીય સ્તરે પાર્ટીની કેડર અને સંગઠનને વધુ બળ મળશે.
(3:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
