<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st September 2026

દિલ્હી પોલીસની મોટી ડિજિટલ સર્જિકલ સ્ટ્રાઈક: APK ફાઈલ વડે આચરાતા સાયબર ફ્રોડ કૌભાંડમાં અમદાવાદથી ૩ ઠગોની ધરપકડ, આંતરરાષ્ટ્રીય રેકેટ ખુલ્લું પડ્યું

બેંક કર્મચારી જ નીકળ્યો સાયબર ગુનાનો સૂત્રધાર: ક્રેડિટ કાર્ડ અને ક્રિપ્ટોકરન્સી મારફતે કરોડોના હેરાફેરીના આંતરરાષ્ટ્રીય તાર કનેક્ટ, વોટ્સએપ ગ્રુપમાં અમેરિકાના નંબરો પણ મળ્યા

અમદાવાદ, તા.૨૧: દેશભરમાં બેફામ બનેલા સાયબર ક્રાઈમના રાક્ષસ સામે દિલ્હી પોલીસે એક મોટું અને સફળ ઓપરેશન પાર પાડીને આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. મોબાઈલમાં હાનિકારક APK ફાઈલ ડાઉનલોડ કરાવીને અજાણ્યા લોકોના બેંક ખાતા ખાલી કરી નાખવાના ગંભીર કૌભાંડમાં દિલ્હી પોલીસની ટીમે છેક ગુજરાત સુધી લંબાવીને અમદાવાદથી ત્રણ શાતિર આરોપીઓની ધરપકડ કરી છે. પકડેલા આરોપીઓમાં મોહમ્મદ ઈસ્માઈલ અંસારી, શેખ મોહમ્મદ નુરેન અને તારિક અહમદનો સમાવેશ થાય છે. એક પીડિત સાથે રૂ. ૬.૫૭ લાખની ઓનલાઈન છેતરપિંડી થયાની ફરિયાદના આધારે તપાસ શરૂ કરાતા આ આંતરરાજ્ય કૌભાંડના તાર દિલ્હીથી અમદાવાદ સુધી જોડાયેલા હોવાનું સામે આવ્યું હતું.

પોલીસે આરોપીઓની તલાશી લેતાં તેમની પાસેથી ૧૧ જેટલા ક્રેડિટ કાર્ડ અને ૩ હાઈટેક સ્માર્ટફોન જપ્ત કર્યા છે. પોલીસની પ્રાથમિક તપાસમાં અત્યંત ચોંકાવનારો વિગતો બહાર આવી છે, જેમાં પકડાયેલો મુખ્ય આરોપી મોહમ્મદ ઈસ્માઈલ અંસારી પોતે આઈડીબીઆઈ (IDBI) બેંકનો કર્મચારી હોવાનું ખુલ્યું છે. બેંકિંગ સિસ્ટમનો ગેરફાયદો ઉઠાવીને તે ગેરકાયદેસર ક્રેડિટ કાર્ડ મેળવવામાં મદદ કરતો હતો, જેના દ્વારા ઠગાઈથી મેળવેલી રકમ અલગ-અલગ ખાતાઓમાં ટ્રાન્સફર કરીને આગળ મોકલવામાં આવતી હતી અને તેના બદલામાં તેને મોટી રકમનું કમિશન મળતું હતું. આ ગેંગ વોટ્સએપ અને ટેલિગ્રામના ગુપ્ત ગ્રુપો દ્વારા એકબીજાના સંપર્કમાં રહેતી હતી. ચોંકાવનારી વાત એ છે કે આ ગ્રુપોમાં કેટલીક વિદેશી પ્રોફાઈલ્સ અને અમેરિકાના નંબરો પણ સક્રિય હતા તથા ફ્રોડના નાણાં ક્રિપ્ટોકરન્સીમાં બદલીને વિદેશ મોકલાતા હોવાના પુરાવા મળ્યા છે.

જોખમી APK ફાઈલ ફસાવવાની મોડસ ઓપરેન્ડી

આ સાયબર ગેંગની કામ કરવાની પદ્ધતિ (Modus Operandi) ખૂબ જ ખતરનાક હતી. તેઓ લોકોને લોભામણી કે ગેરમાર્ગે દોરતી લિંક્સ મોકલીને 'APK ફાઈલ' ઇન્સ્ટોલ કરવા માટે લલચાવતા હતા. એકવાર વપરાશકર્તા પોતાના મોબાઈલમાં આ એપીકે ફાઈલ ડાઉનલોડ કરે કે તરત જ આરોપીઓ ફોનના તમામ ડેટા, મેસેજ અને બેંકિંગ વિગતોનો અનધિકૃત એક્સેસ મેળવી લેતા હતા. ત્યારબાદ ઓટીપી (OTP) હેક કરીને ખાતામાંથી બારોબાર લાખો રૂપિયા ઉપાડી લેતા હતા. હાલ દિલ્હી અને અમદાવાદ પોલીસ આ નેટવર્ક સાથે જોડાયેલા અન્ય સાગરીતો અને અત્યાર સુધીમાં થયેલા કરોડો રૂપિયાના ટ્રાન્ઝેક્શન્સની કડીઓ જોડવા માટે ઊંડાણપૂર્વક તપાસ ચલાવી રહી છે.

(5:08 PM IST)