News of Friday, 13th November 2026
દિલ્હી-NCR ફરી ‘ગેસ ચેમ્બર'માં ફેરવાયું: IIT દિલ્હીમાં AQI ૪૮૮ની ખતરનાક સપાટીએ
નોઈડા, ગાઝિયાબાદ અને ગુરુગ્રામમાં પણ ઝેરી હવાની ચાદરઃ સોમવાર સુધી રાહતની કોઈ આશા નહીં : ૩૩ વિસ્તારોમાં પ્રદૂષણ ‘ગંભીર' શ્રેણીમાં પહોંચતા સ્વાસ્થ્ય પર તોળાતો મોટો ખતરો

નવી દિલ્હી, તા.૧૩: દિલ્હી અને તેની આસપાસના NCR વિસ્તારોમાં વાયુ પ્રદૂષણે ફરી એકવાર વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. શુક્રવારે સવારે દિલ્હીની હવા અત્યંત ઝેરી બની જતાં સમગ્ર શહેર જાણે એક વિશાળ ‘ગેસ ચેમ્બર'માં ફેરવાઈ ગયું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના આંકડા મુજબ, દિલ્હીનો સરેરાશ AQI ૪૦૩ નોંધાયો છે, જ્યારે IIT દિલ્હી વિસ્તારમાં પ્રદૂષણનું સ્તર ૪૮૮ પર પહોંચી ગયું છે, જે ૫૦૦ના અત્યંત ભયજનક સ્તરથી માત્ર થોડું જ દૂર છે. આ ઉપરાંત ચાંદની ચોક (૪૭૯), નોર્થ કેમ્પસ (૪૭૮), PUSA (૪૬૯), ITO (૪૫૫) અને AIIMS (૪૧૮) સહિત રાજધાનીના ૩૩ મોનિટરિંગ સ્ટેશનો પર AQI ૪૦૦ને પાર કરી ગયો છે, જે દર્શાવે છે કે શહેરનો મોટો હિસ્સો અત્યારે ઝેરી હવાની લપેટમાં છે.
માત્ર દિલ્હી જ નહીં, પરંતુ NCRના અન્ય શહેરો જેવા કે ગાઝિયાબાદ (AQI ૩૭૭), નોઈડા (AQI ૩૬૯) અને ગુરુગ્રામ (AQI ૩૪૯)માં પણ હવાની ગુણવત્તા અત્યંત ખરાબ સ્તરે પહોંચી ગઈ છે. ૧૧ નવેમ્બરે દિલ્હીનો AQI ૨૯૯ હતો, જેમાં માત્ર બે જ દિવસમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. અક્ષરધામ, સરાય કાલે ખાન અને JLN સ્ટેડિયમ આસપાસ ગાઢ ધુમ્મસની ચાદર છવાયેલી જોવા મળી રહી છે. આરોગ્ય નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે પ્રદૂષણનું આ સ્તર માત્ર શ્વાસના દર્દીઓ માટે જ નહીં, પરંતુ સંપૂર્ણપણે સ્વસ્થ વ્યક્તિઓના ફેફસાં અને હૃદય માટે પણ ગંભીર જોખમ ઊભું કરી શકે છે.
વધતા જતા પ્રદૂષણને કાબૂમાં લેવા માટે વહીવટીતંત્ર પણ એક્શન મોડમાં આવી ગયું છે. ગાઝિયાબાદમાં ૨૦ નવેમ્બર સુધી તમામ સરકારી અને ખાનગી બાંધકામ પ્રવળત્તિઓ પર રોક લગાવી દેવામાં આવી છે, તેમજ રસ્તાઓ પર પાણીનો છંટકાવ અને યાંત્રિક સફાઈ બમણી કરી દેવાઈ છે. બાળકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને નોઈડા, ગ્રેટર નોઈડા અને ગાઝિયાબાદમાં ધોરણ ૫ સુધીની શાળાઓમાં હાઇબ્રિડ મોડમાં શિક્ષણ આપવાના આદેશ અપાયા છે. જોકે, હવામાન વિભાગની આગાહી મુજબ સોમવાર સુધી દિલ્હી-NCRની હવા ‘ખૂબ જ ખરાબ'થી ‘ગંભીર' શ્રેણીમાં જ રહેશે, જેથી લોકોને હાલ પૂરતી ઝેરી હવામાંથી રાહત મળવાની શકયતા નહિવત્ છે.
(11:10 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
