<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th September 2026

દિલ્હી-NCR માં કાલથી બદલાશે નિયમો: PUC સર્ટિફિકેટ વગર વાહનોમાં પેટ્રોલ-CNG નહીં મળે, વાયુ પ્રદૂષણ રોકવા CAQM ના કડક આદેશ

૧ ઓક્ટોબરથી નો-PUC, નો-ફ્યુઅલ નીતિ લાગુ; પેટ્રોલ પંપ પર ઓટોમેટિક કેમેરાથી તપાસ થશે, GRAP ના પ્રથમ તબક્કામાં જ ડીઝલ જનરેટર પર પ્રતિબંધ

નવી દિલ્હી : દિલ્હી-એનસીઆર (Delhi-NCR) માં શિયાળાની શરૂઆત સાથે વધતા વાયુ પ્રદૂષણને અટકાવવા માટે કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટ (CAQM) દ્વારા અત્યંત કડક નિર્ણય લેવામાં આવ્યો છે. કાલથી એટલે કે ૧ ઓક્ટોબરથી માન્ય પોલ્યુશન અંડર કંટ્રોલ (PUC) સર્ટિફિકેટ વગરના કોઈ પણ વાહનને પેટ્રોલ, ડીઝલ કે સીએનજી (CNG) મળશે નહીં. પ્રદૂષણ નિયંત્રણના આ નવા નિયમોને સખત રીતે લાગુ કરવા માટે દિલ્હી સહિત એનસીઆરના તમામ રાજ્યોની અમલીકરણ એજન્સીઓને આદેશ જારી કરી દેવામાં આવ્યા છે.


પેટ્રોલ પંપ પર ANPR સિસ્ટમથી થશે તપાસ

CAQM દ્વારા ૨૯ સપ્ટેમ્બરના રોજ યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી. ૧૫ મે, ૨૦૨૬ ના રોજ જારી કરાયેલા નિર્દેશો મુજબ, ૧ ઓક્ટોબરથી તમામ ઇંધણ સ્ટેશનો પર 'ઓટોમેટિક નંબર પ્લેટ રેકગ્નિશન' (ANPR) કેમેરા સિસ્ટમ સક્રિય કરી દેવાશે. આ સિસ્ટમ વાહનનો નંબર સ્કેન કરીને તરત જ PUC ની માન્યતા ચકાસી લેશે. જો PUC સર્ટિફિકેટ એક્સપાયર થઈ ગયું હશે, તો વાહનમાં ઇંધણ પૂરવાની સખત મનાઈ ફરમાવી દેવાશે.


બહારના રાજ્યોની વાહનો અને બસો પર કડક પ્રતિબંધ

દિલ્હી-NCR માં પ્રદૂષણનું પ્રમાણ ઘટાડવા માટે બહારના રાજ્યોમાંથી આવતી બસો પર પણ કડક નિયંત્રણો મૂકવામાં આવ્યા છે. હવેથી માત્ર ઇલેક્ટ્રિક, સીએનજી અને BS-VI મોડેલ ધરાવતી ડીઝલ બસોને જ દિલ્હીમાં પ્રવેશવાની મંજૂરી મળશે. GRAP (ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન) ના પ્રથમ તબક્કા હેઠળ જ અન્ય તમામ જૂની બસો પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દેવાશે.


GRAP ના નિયમો વધુ સખત: સોનીપત સુધીનો વિસ્તાર આવરી લેવાયો

આ વખતે GRAP-3 ના નિયમો વધુ કડક બનાવીને તેનું ક્ષેત્રફળ વધારી દેવામાં આવ્યું છે. BS-III પેટ્રોલ અને BS-IV ડીઝલના હળવા વાહનો પરના પ્રતિબંધનો દાયરો હવે દિલ્હી, નોઈડા, ગાઝિયાબાદ, ગુરુગ્રામ અને ફરીદાબાદ ઉપરાંત સોનીપત સુધી લંબાવી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત, સુધારેલા નિયમો મુજબ બીજા તબક્કાને બદલે પ્રથમ તબક્કામાં જ ડીઝલ જનરેટર સેટના ઉપયોગ પર તાત્કાલિક રોક લગાવી દેવામાં આવશે. જોકે, નિર્માણ કાર્ય પરના પ્રતિબંધોમાંથી રસ્તાના ખાડા પૂરવા જેવા આવશ્યક જાહેર કામોને મુક્તિ આપવામાં આવી છે.

(8:45 PM IST)