News of Thursday, 30th April 2026
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર મોતનું તાંડવ: વૈષ્ણોદેવીથી પરત ફરતા પરિવારની કાર બની ‘ચિતા’, ગેસ લીકેજને કારણે એક જ પરિવારના 5 સભ્યો જીવતા ભૂંજાયા
રાજસ્થાનના અલવર પાસે મધ્યપ્રદેશના પરિવારને નડ્યો અકસ્માત; કારમાં લાગેલી આગ એટલી ભયાનક હતી કે કોઈને બહાર નીકળવાનો મોકો જ ન મળ્યો, ડ્રાઈવરે કાચ તોડી જીવ બચાવ્યો પણ હાલત ગંભીર

અલવર: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર બુધવારે મોડી રાત્રે એક અત્યંત હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. રાજસ્થાનના અલવર જિલ્લામાં એક્સપ્રેસવે પર દોડતી એક કારમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા એક જ પરિવારના 5 સભ્યો જીવતા ભૂંજાયા હતા. આ દુર્ઘટના એટલી ઝડપથી બની હતી કે કારમાં સવાર લોકોને બચવાની કોઈ તક મળી નહોતી.
વૈષ્ણોદેવીના દર્શન કરી પરત ફરી રહ્યો હતો પરિવાર
અલવર એસપી સુધીર ચૌધરીએ જણાવ્યું કે, મૃતક પરિવાર મધ્યપ્રદેશના શ્યોપુર જિલ્લાના ચેનપુરા ગામનો રહેવાસી હતો. આ પરિવાર જમ્મુમાં માતા વૈષ્ણોદેવીના દર્શન કરીને પોતાના વતન પરત ફરી રહ્યો હતો. રાત્રે અંદાજે 11:00 વાગ્યાની આસપાસ અલવરના એસએસબી ટ્રેનિંગ સેન્ટર પાસે તેમની કારમાં ગેસ લીકેજ થવાને કારણે અચાનક આગ લાગી હતી. આગની જ્વાળાઓએ જોતજોતામાં આખી કારને લપેટમાં લઈ લીધી હતી.
માત્ર ડ્રાઈવરનો બચાવ, 5ના કરુણ મોત
આ આગમાં બે મહિલાઓ, એક પુરુષ અને બે નાની બાળકીઓના દાઝી જવાથી ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યા હતા. જ્યારે કારનો ડ્રાઈવર કોઈ રીતે બારીનો કાચ તોડીને બહાર કૂદવામાં સફળ રહ્યો હતો. જોકે, તે પણ ગંભીર રીતે દાઝી ગયો હોવાથી તેને પહેલા અલવર જિલ્લા હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે જયપુરની એસએમએસ (SMS) હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
એક્સપ્રેસવે પર અરેરાટી
ઘટનાની જાણ થતા જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી, પરંતુ ત્યાં સુધીમાં બધું જ રાખ થઈ ગયું હતું. મધરાતે હાઈવે પર લાગેલી આ આગને જોઈને ત્યાંથી પસાર થતા અન્ય વાહનચાલકોમાં પણ ફફડાટ ફેલાઈ ગયો હતો. પોલીસ અત્યારે આ મામલે વધુ તપાસ કરી રહી છે કે ગેસ લીકેજ કયા કારણોસર થયું હતું. આ ઘટનાને પગલે શ્યોપુર જિલ્લામાં શોકનું મોજું ફરી વળ્યું છે.
(9:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
