<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th September 2026

દિલ્હીના મંત્રી પરવેશ વર્મા વીડિયો બનાવી રહેલા યુવકને થપ્પડ મારી વિવાદમાં સપડાયા: પોલીસે ભાજપ નેતા સામે નોંધ્યો 'નોન-કોગ્નિઝેબલ રિપોર્ટ'!

તિલક નગરમાં નબળા રોડ કામકાજની પોલ ખુલતા મંત્રી ઉશ્કેરાયા હોવાનો આપનો આક્ષેપ: વર્માએ સફાઈ આપતા કહ્યું- “મારા પરિવાર માટે અપશબ્દો કહેતા મેં પગલું ભર્યું”.

નવી દિલ્હી : દિલ્હીના તિલક નગરમાં રસ્તાની તપાસ દરમિયાન બનેલી એક ચોંકાવનારી ઘટનામાં દિલ્હીના મંત્રી અને ભાજપના નેતા પરવેશ વર્મા વિરુદ્ધ દિલ્હી પોલીસે સ્વેચ્છાએ ઈજા પહોંચાડવાના આરોપ હેઠળ 'નોન-કોગ્નિઝેબલ રિપોર્ટ' (NCR) દાખલ કર્યો છે. સોશિયલ મીડિયા પર મંત્રી દ્વારા એક વ્યક્તિને થપ્પડ મારવાનો વીડિયો વાયરલ થયાના એક દિવસ બાદ પોલીસ દ્વારા આ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી છે. આમ આદમી પાર્ટી (AAP) દ્વારા આ વીડિયો એક્સ (ટ્વિટર) પર પોસ્ટ કરાતાં જ દિલ્હીના રાજકારણમાં ભારે હોબાળો મચી ગયો છે.

 

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય જરનૈલ સિંહના જણાવ્યા અનુસાર, પીડિત વ્યક્તિ તેમનો જ એક સાથીદાર હતો જે મંત્રી દ્વારા કરવામાં આવી રહેલી રસ્તાની તપાસનું શૂટિંગ કરી રહ્યો હતો. જરનૈલ સિંહે આક્ષેપ કર્યો હતો કે, "મંત્રીશ્રીએ મને ફોન કરીને રસ્તાનું નુકસાન બતાવવા કહ્યું હતું. મેં જ્યારે ગાલીચાની જેમ આખો રોડ હાથથી ઉખેડીને બતાવ્યો, ત્યારે મંત્રી કેમેરા સામે પોલ ખુલી જતાં ઉશ્કેરાઈ ગયા હતા અને ગુસ્સામાં આવીને વીડિયો ઉતારી રહેલા અમારા સાથીદારને થપ્પડ ચોડી દીધી હતી."

 

બીજી તરફ, વિવાદ વધતાં મંત્રી પરવેશ વર્માએ પોતાની સફાઈ આપતા જણાવ્યું હતું કે જે વ્યક્તિને તેમણે થપ્પડ મારી હતી, તે વ્યક્તિએ તેમના પરિવાર વિશે અત્યંત અશોભનીય અને અપશબ્દો કહ્યા હતા, જેના કારણે તેમણે આ પગલું ભરવું પડ્યું હતું. જોકે, વિપક્ષ આપ દ્વારા મંત્રીના રાજીનામાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે અને આ મુદ્દે દિલ્હીનું રાજકારણ ગરમાયું છે.

(8:23 PM IST)