<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st November 2026

ખરાબ હવામાનને કારણે દિલ્હી-કાઠમંડુ એર ઈન્ડિયાની ફ્લાઇટ લખનૌ ડાયવર્ટ, મુસાફરો મુશ્કેલીમાં મુકાયા

સળંગ બે દિવસ ખરાબ હવામાનના કારણે ઉડાનોને થઈ અસર, એટીસી દ્વારા લેન્ડિંગ મંજૂરી ન મળતા વિમાન પરત ફર્યા

લખનૌ:કાઠમંડુમાં સર્જાયેલા ખરાબ હવામાનના કારણે દિલ્હીથી કાઠમંડુ જતી એર ઇન્ડિયાની ફ્લાઇટને લખનૌ એરપોર્ટ તરફ ડાયવર્ટ કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. દિલ્હીથી કાઠમંડુ જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-213 રવિવારે સવારે ૭:૦૪ વાગ્યે દિલ્હીથી રવાના થઈ હતી, પરંતુ કાઠમંડુ એરપોર્ટ નજીક પહોંચતા જ સ્થાનિક એટીસી (ATC) દ્વારા ખરાબ હવામાનને કારણે લેન્ડિંગની મંજૂરી આપવાનો સ્પષ્ટ ઇનકાર કરવામાં આવ્યો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર, આ ફ્લાઇટ સવારે ૧૦:૦૪ વાગ્યે લખનૌ એરપોર્ટ પર સુરક્ષિત ઉતરાણ કરવામાં સફળ રહી હતી અને ત્યારબાદ લાંબી પ્રતીક્ષા બાદ સવારે ૧૧:૧૯ વાગ્યે લખનૌથી ફરીથી દિલ્હી તરફ પાછી વાળવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે માત્ર રવિવારે જ નહીં, પરંતુ અગાઉ પણ દિલ્હીથી કાઠમંડુ જતી એર ઇન્ડિયાની બીજી ફ્લાઇટ (નંબર AI-223) ખરાબ હવામાનના કારણે શનિવારે રાત્રે ૧:૧૯ વાગ્યે લખનૌ એરપોર્ટ પર ડાયવર્ટ કરીને ઉતારવામાં આવી હતી.

શનિવારની ઘટનામાં વિમાનને એરપોર્ટના પાર્કિંગમાં જ રાખવામાં આવ્યું હતું અને તમામ મુસાફરો લાંબા સમય સુધી વિમાનની અંદર જ બેસી રહ્યા હતા, જેથી આખરે ખરાબ હવામાન યથાવત રહેતા તે વિમાન સવારે ૦૩:૩૧ વાગ્યે દિલ્હી પરત ફર્યું હતું. સળંગ બે દિવસ સુધી એક જ રૂટની બે મોટી ફ્લાઇટો ખરાબ હવામાનની અડફેટે ચડવાને કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

આ વારંવારના હવામાન વિઘ્નોને ધ્યાનમાં રાખીને એરલાઇન કંપનીઓ અને હવાઈ મથકના સત્તાવાળાઓ દ્વારા મુસાફરોની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. આગામી સમયમાં કાઠમંડુ રૂટ પર ફ્લાઇટ સંચાલન કરતા પાયલટો અને એટીસી વચ્ચે વધુ સચોટ સંકલન ગોઠવવામાં આવશે, તેમજ હવામાનની પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં મુસાફરોને સમયસર વૈકલ્પિક વ્યવસ્થાઓ કે અપડેટ્સ પૂરા પાડવા માટે વિશેષ સૂચનાઓ જારી કરવામાં આવે તેવી સંભાવના છે.

(12:18 PM IST)