તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Saturday, 21st November 2026
દિલ્હી-કાશ્મીર નશાના નેટવર્કનો પર્દાફાશ: શાહદરાના ગુપ્ત ગોડાઉનમાંથી ૫ લાખથી વધુ દવાઓ જપ્ત, ૪ની ધરપકડ
ચિન્નેની ટોલ પ્લાઝા પર બસમાંથી ઝડપાયેલા કફ સિરપના કડીએ ખોલ્યો દિલ્હીના ગોડાઉનનો ભેદ

નવી દિલ્હી / જમ્મુ: નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) ની જમ્મુ અને દિલ્હી ટીમોએ સંયુક્ત કાર્યવાહી કરીને દિલ્હીથી કાશ્મીર સુધી ફેલાયેલા આંતરરાજ્ય ફાર્માસ્યુટિકલ ડ્રગ્સ દાણચોરીના મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. આ સમગ્ર ઓપરેશનમાં અત્યાર સુધીમાં કુલ ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને દિલ્હીના શાહદરા વિસ્તારમાં આવેલા એક ગુપ્ત ગોડાઉનમાંથી પાંચ લાખથી વધુ પ્રતિબંધિત/નશીલી દવાઓની ટેબ્લેટ, કેપ્સ્યુલ અને બોટલો જપ્ત કરવામાં આવી છે.
કેવી રીતે ખુલ્યો સમગ્ર મામલો?
આ કાર્યવાહીની શરૂઆત ૧૬ નવેમ્બરની વહેલી સવારે જમ્મુ-કાશ્મીરના ઉધમપુર જિલ્લામાં થઈ હતી. ચોક્કસ બાતમીના આધારે NCB જમ્મુની ટીમે ચિન્નેની સ્થિત માડા ટોલ પ્લાઝા નજીક શ્રીનગર જઈ રહેલી એક મુસાફર બસને અટકાવી હતી. બસની તલાશી દરમિયાન ડોડા જિલ્લાના ભદ્રવાહના રહેવાસી એક વ્યક્તિ પાસેથી આશરે સાત કિલો કોડીન-આધારિત કફ સિરપ (CBCS) મળી આવ્યું હતું. આ મામલે NCB દ્વારા NDPS એક્ટ, ૧૯૮૫ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.
દિલ્હીમાં સપ્લાય ચેઈન પર તવાઈ
પકડાયેલા આરોપીની પૂછપરછ અને તપાસના આધારે દિલ્હીમાં દવાઓ પૂરી પાડતા મૂળ સૂત્રધારો સુધી પહોંચવા NCB જમ્મુ અને NCB દિલ્હીની ટીમોએ સંયુક્ત કાર્યવાહી કરી હતી. ૧૮ નવેમ્બરે દિલ્હીમાં હાથ ધરાયેલી કાર્યવાહી દરમિયાન વધુ બે વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી અને કોડીન-આધારિત કફ સિરપની ૩૫૬ બોટલો કબજે લેવામાં આવી.
ત્યારબાદ મળેલી કડીઓના આધારે અધિકારીઓ પૂર્વોત્તર દિલ્હીના શાહદરા વિસ્તારમાં ભાડાના મકાનમાં ચાલી રહેલા એક ગુપ્ત ગોડાઉન સુધી પહોંચ્યા હતા. ૧૮ અને ૧૯ નવેમ્બરના રોજ આ ગોડાઉનમાં પાડવામાં આવેલા દરોડામાં પાંચ લાખથી વધુ ટેબ્લેટ, કેપ્સ્યુલ અને બોટલો જપ્ત કરવામાં આવી હતી, જેમાં ટ્રામાડોલ હાઇડ્રોક્લોરાઇડ, અલ્પ્રાઝોલમ, નાઇટ્રાઝેપમ અને કોડીન યુક્ત ફાર્માસ્યુટિકલ તૈયારીઓનો સમાવેશ થાય છે.
નાણાકીય કડીઓ અને સપ્લાય ચેઈનની તપાસ તેજ
NCB ના જણાવ્યા અનુસાર, આ કાર્યવાહી 'વિઝન ડોક્યુમેન્ટ ઓન નાર્કોટિક્સ કંટ્રોલ' હેઠળની નેટવર્ક-કેન્દ્રિત કામગીરીનો ભાગ છે, જેનો મુખ્ય હેતુ માત્ર જપ્તી અને ધરપકડ પૂરતો સીમિત ન રહેતા સપ્લાયના મૂળ સુધી પહોંચીને પુનઃપુરવઠો અટકાવવાનો અને નેટવર્કને ટકાવી રાખતી વિતરણ તથા નાણાકીય વ્યવસ્થાને તોડી પાડવાનો છે. હાલ જપ્ત કરાયેલા કફ સિરપ અને અન્ય દવાઓ કાયદેસરના માર્ગમાંથી ક્યાં અને કેવી રીતે ડાયવર્ટ કરવામાં આવી હતી, તેમજ અપસ્ટ્રીમ સપ્લાયર્સ, ડાઉનસ્ટ્રીમ ડિસ્ટ્રીબ્યુટર્સ અને આર્થિક વ્યવહારોની ઊંડી તપાસ ચાલી રહી છે.
નાગરિકોને 'માનસ' હેલ્પલાઈન પર માહિતી આપવા અપીલ
કેન્દ્ર સરકારના ૩૧ ડિસેમ્બર ૨૦૨૯ સુધીમાં ડ્રગ્સ નેટવર્ક નાબૂદ કરવાના લક્ષ્ય અને 'નશા મુક્ત ભારત' અભિયાન હેઠળ NCB એ નાગરિકોને અપીલ કરી છે કે ડ્રગ્સની દાણચોરી કે દવાઓના ગેરકાયદે ડાયવર્ઝન અંગેની કોઈ પણ વિશ્વસનીય માહિતી નેશનલ નાર્કોટિક્સ હેલ્પલાઈન 'માનસ' (MANAS) – ૧૯૩૩ પર ગુપ્ત રીતે આપવામાં આવે.
(6:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
