તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 18th June 2026
સાસરિયાના વિવાદમાં દિલ્હી હાઈકોર્ટનો મોટો ચુકાદો: 'પતિ ઘર છોડે પછી પત્ની નણંદની મિલકત પર કબજો ન રાખી શકે'
પારિવારિક ઝઘડામાં નણંદની ભલાઈને સજા ન આપી શકાય : પતિ બહેનની મંજૂરીથી રહેતો હોવાથી સંબંધ પૂરો થતાં પત્નીનો દરજ્જો માત્ર એક 'ઘૂસણખોર' જેવો ગણાય

નવી દિલ્હી: દિલ્હી હાઈકોર્ટે કૌટુંબિક મિલકત અને મહિલાઓના રહેઠાણના અધિકારોને લઈને એક અત્યંત મહત્વપૂર્ણ અને સીમાચિહ્નરૂપ ચુકાદો આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ પુરુષ તેની બહેનની માલિકીના ઘરમાં રહેતો હોય અને સંબંધો બગડ્યા બાદ તે ઘર છોડી દે, તો તેની પત્ની કાનૂની રીતે તેની ભાભીની મિલકત પર પોતાનો કબજો જાળવી રાખી શકતી નથી. જસ્ટિસ નીના બંસલ કૃષ્ણાની સિંગલ બેન્ચે આ મામલે કડક વલણ અપનાવતા જણાવ્યું હતું કે, જે ભાભીએ ઉદારતા અને સારા ઈરાદાથી પોતાના ભાઈ-ભાભીને ઘરમાં આશરો આપ્યો હતો, તેને પતિ-પત્ની વચ્ચેના આંતરિક વિવાદો કે અણબનાવ માટે સજા કરી શકાય નહીં.
આ વિવાદ એક વારસાગત મિલકત સાથે જોડાયેલો હતો, જ્યાં બહેનની પરવાનગીથી તેનો ભાઈ રહેતો હતો અને લગ્ન બાદ તેની પત્ની (અપીલકર્તા) પણ ત્યાં આવીને રહેવા લાગી હતી. જો કે, લગ્નજીવનમાં તકરાર શરૂ થતાં બહેને ભાઈ અને ભાભીને આપેલી પરવાનગી રદ કરી ઘર ખાલી કરવા આદેશ આપ્યો હતો. બહેનની વિનંતી માન્ય રાખીને ભાઈએ તો તુરંત મિલકત છોડી દીધી, પરંતુ પત્નીએ તે ઘર પોતાનું 'શેર્ડ હાઉસહોલ્ડ' (વહેંચાયેલું ઘર) હોવાનો દાવો કરીને ખાલી કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો. આ મામલે નીચલી અદાલતે અગાઉ ભાભીના પક્ષમાં ચુકાદો આપી મહિલાને ઘર ખાલી કરવા જણાવ્યું હતું, જેને હવે હાઈકોર્ટે પણ યોગ્ય ઠેરવ્યો છે.
દિલ્હી હાઈકોર્ટે મહિલાની અપીલને સંપૂર્ણપણે ફગાવી દેતા અવલોકન કર્યું કે, એકવાર મકાનમાલિક (બહેન) દ્વારા રહેવાની મંજૂરી પાછી ખેંચી લેવામાં આવે અને મુખ્ય સભ્ય (પતિ) ઘર ખાલી કરી દે, ત્યારપછી તે મિલકતમાં પત્નીનો કાનૂની દરજ્જો એક અનધિકૃત 'ઘૂસણખોર' થી વધુ કંઈ રહેતો નથી. કોર્ટે ટકોર કરી કે મહિલાને પોતાના રહેઠાણનો અધિકાર મેળવવાનો હક માત્ર તેના પતિ સામે છે, નહીં કે તેની ભાભીની ખાનગી મિલકત પર. આ ચુકાદાથી કાયદાકીય ક્ષેત્રે એ સ્પષ્ટ થઈ ગયું છે કે ઘરેલું હિંસા કે લગ્ન જીવનના વિવાદો આડમાં સાસરિયા પક્ષના અન્ય સભ્યોની સ્વતંત્ર મિલકતો પર બળજબરીથી હક જમાવી શકાય નહીં.
(7:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
