તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 19th June 2026
ટેલિગ્રામ પર ૨૨ જૂન સુધીનો કામચલાઉ પ્રતિબંધ દિલ્હી હાઈકોર્ટે રાખ્યો યથાવત : નીટ-યુજી રી-એક્ઝામ પહેલાં કેન્દ્ર સરકારના નિર્ણયને મળી કાયદાકીય લીલી ઝંડી
આઈટી એક્ટની કલમ ૬૯એ હેઠળ લેવાયેલું પગલું યોગ્ય અને પ્રમાણસર : પેપર લીક કરતું નેટવર્ક પ્લેટફોર્મનો દુરુપયોગ કરતું હોવાની દલીલો ગ્રાહ્ય : જસ્ટિસ તેજસ કારિયાએ ટેલિગ્રામની અરજી ફગાવી

નવી દિલ્હી: દેશમાં શૈક્ષણિક ક્ષેત્રે ભારે વિવાદ સર્જનાર નીટ-યુજી (NEET-UG) પરીક્ષાના કૌભાંડ વચ્ચે દિલ્હી હાઈકોર્ટે એક અત્યંત મહત્વપૂર્ણ અને મોટો ચુકાદો આપ્યો છે. દિલ્હી હાઈકોર્ટે શુક્રવારે ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ ટેલિગ્રામ પર ૨૨ જૂન સુધી કામચલાઉ પ્રતિબંધ મૂકવાના કેન્દ્ર સરકારના નિર્ણયને યોગ્ય ઠેરવીને તેને યથાવત રાખ્યો છે. નીટ-યુજીની પુનઃપરીક્ષાઓ (રી-એક્ઝામ) યોજાય તે પહેલાં જ સરકારે સુરક્ષાના ભાગરૂપે આ આકરું પગલું ભર્યું હતું, જેને પડકારતી ટેલિગ્રામની પિટિશન હાઈકોર્ટે સંપૂર્ણપણે ફગાવી દીધી છે.
આઈટી એક્ટની કલમ ૬૯એ હેઠળ લેવાયેલો નિર્ણય તર્કસંગત:
જસ્ટિસ તેજસ કારિયાએ આજે સવારે આ ચુકાદો સંભળાવતા સ્પષ્ટ કર્યું હતું કે, કેન્દ્ર સરકાર પાસે માહિતી ટેકનોલોજી (IT) એક્ટની કલમ ૬૯એ હેઠળ ટેલિગ્રામ પર પ્રતિબંધ મૂકવાની સંપૂર્ણ સત્તાઓ છે. કોર્ટે અવલોકન કર્યું કે કટોકટીભરી પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા લેવાયેલા પગલાં યોગ્ય અને પ્રમાણસર છે. આ આદેશ કોઈપણ પ્રકારના વૈચારિક શૂન્યાવકાશ વિના, પૂરતા કારણો અને પુરાવાઓનો અભ્યાસ કરીને જ જારી કરવામાં આવ્યો છે, તેથી તેને અપ્રમાણસર કે પૂર્વગ્રહયુક્ત માની શકાય નહીં. નીટ પરીક્ષાનું મૂળ પેપર લીક અને ગેરરીતિઓને કારણે રદ કરવું પડ્યું હતું, અને સંગઠિત ચેટિંગ નેટવર્ક દ્વારા ટેલિગ્રામનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો હોવાની ચિંતા સરકારે વ્યક્ત કરી હતી.
૩૦ જૂન સુધી મેસેજ એડિટિંગ ફીચર બંધ રાખવા આદેશ:
ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય (MEITY) દ્વારા જારી કરાયેલા નિર્દેશ અનુસાર, ભારતમાં ૨૨ જૂન સુધી ટેલિગ્રામ પ્લેટફોર્મ પર પ્રતિબંધ રહેશે. આ ઉપરાંત, મંત્રાલયે ટેલિગ્રામને એવો પણ આદેશ આપ્યો છે કે પ્લેટફોર્મ પર અગાઉથી પોસ્ટ થઈ ચૂકેલા મેસેજીસ માટેનું ‘મેસેજ-એડિટિંગ’ ફીચર આગામી ૩૦ જૂન સુધી નિષ્ક્રિય (ડિસેબલ) રાખવામાં આવે, જેથી કોઈ ડેટા કે પુરાવા સાથે છેડછાડ ન થઈ શકે. ટેલિગ્રામ વતી કોર્ટમાં હાજર રહેલા વરિષ્ઠ વકીલ ધ્રુવ મહેતાએ દલીલ કરી હતી કે મંત્રાલયના સચિવે યોગ્ય વિચાર કર્યા વિના આ આદેશ આપ્યો છે અને નીટ જેવી પરીક્ષા દેશની સાર્વભૌમત્વ અને અખંડિતતાને કેવી રીતે અસર કરી શકે? તેઓએ એમ પણ કહ્યું કે પ્લેટફોર્મ સરકાર સાથે સતત સંપર્કમાં હતું અને વાંધાજનક લિંક્સ પણ હટાવી દેવામાં આવી હતી.
ટેલિગ્રામનું આર્કિટેક્ચર ખતરનાક, સંભવિત નુકસાન મોટું - ટિપ્પણી:
ટેલિગ્રામ તરફથી એડવોકેટ માધવ ખોસલા દ્વારા દાખલ કરાયેલી રિટ પિટિશનનો કેન્દ્ર સરકાર વતી સખત વિરોધ કરવામાં આવ્યો હતો. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ દલીલ કરી હતી કે પેપર લીક રોકવા માટે સરકારે સૌથી ઓછો પ્રતિબંધાત્મક માર્ગ અપનાવ્યો છે. ટેલિગ્રામનું આર્કિટેક્ચર (માળખું) એવું છે કે તેમાં એકવાર એકાઉન્ટ ડિલીટ થતાં જ તમામ ડેટા, મેસેજ અને મીડિયા કાયમી માટે ડિલીટ થઈ જાય છે, જેનાથી તપાસ એજન્સીઓ માટે પુરાવા મેળવવા અશક્ય બને છે. એટોર્ની જનરલ આર વેંકટરામણીએ પ્લેટફોર્મના માળખાને અત્યંત આક્રમક ગણાવતા કહ્યું હતું કે, જો ભારત જેવો મોટો દેશ આવા ગુના અટકાવવા માટે અગમચેતીના પગલાં ન લઈ શકે તો આપણે ક્યાં જઈશું? નફા માટે બનેલી કંપનીની સમાનતા કે પ્રમાણસરતાની દલીલ જ અસ્થાને છે. આ કેસમાં કેન્દ્ર સરકાર તરફથી એડિશનલ સોલિસિટર જનરલ ચેતન શર્મા અને સેન્ટ્રલ ગવર્નમેન્ટ સ્ટેન્ડિંગ કાઉન્સિલ આશિષ દીક્ષિત પણ હાજર રહ્યા હતા.
(1:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
