<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd October 2026

નેહા બોરા કેસમાં દિલ્હી હાઇકોર્ટે નિર્ણય અનામત રાખ્યો: કોર્ટે 'ખરાબ છબી' અને કલમ ૨૧ પર સવાલો ઉઠાવ્યા : સરકારે પૂછ્યું - "શું તે દૂધના ધોયેલા વ્યક્તિ છે?"

AISA પ્રમુખ સામેની પર્સનલ બોન્ડ નોટિસ મામલો: ૬ એફઆઈઆરનો સામનો કરી રહેલી વ્યક્તિને ક્લીન ગણી શકાય નહીં તેવી એએસજી ચેતન શર્માની દલીલ

નવી દિલ્હી : દિલ્હી હાઇકોર્ટે AISA પ્રમુખ નેહા બોરાની વ્યક્તિગત બોન્ડ નોટિસને લગતા કેસમાં બંને પક્ષોની વિસ્તૃત દલીલો સાંભળ્યા બાદ પોતાનો ચુકાદો અનામત રાખ્યો છે, જેનો આવતીકાલે નિર્ણય જાહેર કરવામાં આવશે. સુનાવણી દરમિયાન નેહા બોરાની સાર્વજનિક છબી અને સરકારી કાર્યવાહી સામે કોર્ટે મહત્વપૂર્ણ અવલોકનો કર્યા હતા, જેના જવાબમાં સરકાર તરફથી પણ આક્રમક દલીલો રજૂ કરવામાં આવી હતી.

 સુનાવણી દરમિયાન હાઇકોર્ટે નોંધ્યું હતું કે નેહા બોરાની છબી પહેલેથી જ એક "ખરાબ વ્યક્તિ" તરીકે ઊભી કરી દેવામાં આવી છે અને હવે તેની પાસે સારા વર્તનની બાંહેધરી કે વચન માંગવામાં આવી રહ્યું છે. બેન્ચે ટિપ્પણી કરી હતી કે કોઈપણ વ્યક્તિ પાસેથી સારા વર્તનનું વચન માંગવાથી એવી છાપ ઉપસી શકે છે કે તે અગાઉ અયોગ્ય વર્તન કરી રહી હતી. કોર્ટે પ્રશ્ન કર્યો હતો કે વ્યક્તિ સામે આ પ્રકારનો કલંક બંધારણની કલમ ૨૧ (જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતાનો અધિકાર) ની વિરુદ્ધ કેમ ન ગણાય?

આનો જવાબ આપતા એડિશનલ સોલિસિટર જનરલ (ASG) ચેતન શર્માએ સ્પષ્ટ શબ્દોમાં દલીલ કરી હતી કે જે વ્યક્તિ સામે અગાઉથી જ ૬ જેટલી એફઆઈઆર નોંધાયેલી હોય, તેને સંપૂર્ણપણે નિર્દોષ કે "ક્લીન" કેવી રીતે ગણી શકાય?

 સરકાર તરફથી એએસજી ચેતન શર્માએ કોર્ટને જણાવ્યું હતું કે સ્પેશિયલ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ (SEM) દ્વારા નોટિસ જારી કરતા પહેલા જનરલ ડાયરીની એન્ટ્રીઓ, જૂના ગુનાહિત રેકોર્ડ અને તે સમયની કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિનું ગંભીરતાથી મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. તેમણે દાવો કર્યો હતો કે નેહા બોરા એક એવી બેઠકમાં હાજર રહી હતી જ્યાં કથિત રીતે 'શાસન પરિવર્તન' ના મુદ્દા પર ચર્ચા થઈ હતી અને આ કાર્યવાહી કોઈ આધાર વગર શરૂ કરવામાં આવી નથી.

બીજી બાજુ, નેહા બોરાના વકીલ ગોપાલ શંકરનારાયણે દલીલ કરી હતી કે લોકશાહી દેશમાં શાસન પરિવર્તનની હાકલ કરવી કે અવાજ ઉઠાવવો એ કોઈ અપરાધ નથી. નેહાએ સ્પષ્ટપણે ફક્ત મંડી હાઉસ ખાતે એકત્ર થવાની અપીલ કરી હતી અને ક્યાંય પણ હિંસા કે અરાજકતા ફેલાવવા માટે કોઈ આહ્વાન કર્યું ન હતું.

ઉલ્લેખનીય છે કે, નેહા બોરાએ SEM ની તે નોટિસને હાઇકોર્ટમાં પડકારી છે જેમાં તેણીને ૧૦,૦૦ રૂપિયાના પર્સનલ બોન્ડ અને શાંતિ જાળવવા માટે જામીન આપવા માટે કહેવામાં આવ્યું છે. આ અંગે હાઇકોર્ટનો આખરી નિર્ણય આવતીકાલે જાહેર થશે.

(8:13 PM IST)